Home હર્ષદ કામદાર નવી આરોગ્ય યોજનાઃ ચૂંટણીલક્ષી જાહેરાત પણ અમલ સામે પ્રશ્નાર્થ….

નવી આરોગ્ય યોજનાઃ ચૂંટણીલક્ષી જાહેરાત પણ અમલ સામે પ્રશ્નાર્થ….

692
0

– હજુ તો યોજનાની સંપૂર્ણ રૂપરેખા પણ તૈયાર નથી ત્યારે અમલ કઈ રીતે થશે?
– એક લાખ કરોડના અંદાજની સામે બજેટમાં માત્ર બે હજાર કરોડની જોગવાઈ
(જી.એન.એસ., હર્ષદ કામદાર) તા.3
નાણાંમંત્રી અરૂણ જેટલીએ કેન્દ્રીય બજેટ 2018-19 રજૂ કરતી વખતે ખૂબ મોટા ઉપાડે હેલ્થ સ્કીમ જાહેર કરી હતી, જેમાં દસ કરોડ પરિવારોના 50 કરોડ લોકોને મેડિકલ સારવાર હેઠળ આવરી લેવાની જાહેરાત કરી ત્યારે તેની ચારે તરફ પ્રશંસા થઈ હતી. સરકાર અને ભાજપે તેને મોદી કેર તરીકે ગણાવી પરંતુ બજેટના બીજા દિવસે નાણાંમંત્રીએ જે ખુલાસા કર્યા છે તેનાથી આ યોજનાના અમલ સામે શંકાના વાદળો ઘેરાઈ ગયા છે. તેમણે આ યોજના તાત્કાલિક નહીં પરંતુ બીજી ઓક્ટોબર ગાંધી જયંતિથી શરૂ કરવાની જાહેરાત કરી છે. એટલું જ નહીં એક અંદાજ અનુસાર યોજનાના અમલ માટે એક લાખ કરોડની સામે બજેટમાં બે હજાર કરોડની જ જોગવાઈ સૂચવવામાં આવી છે. જો નાણામંત્રીના દાવા મુજબ 11 હજાર કરોડની જરૂર હોય તો પણ પૂરેપુરી રકમ સૂચવવાને બદલે 40 ટકા રકમ રાજ્ય સરકારો પર છોડી દેવામાં આવી છે.
સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે બજેટમાં નાણામંત્રીએ ઓબામા કેરની જેમ વિશ્વની સૌથી મોટી હેલ્થ સ્કીમ જાહેર કરી તેના વધામણાં લેવામાં આવ્યા. દેશની કુલ વસતીનાં 40 ટકા લોકોને નવી હેલ્થ સ્કીમ હેઠળ આવરી લેવાની જાહેરાતો થઈ પરંતુ તેનો કોઈ ફોડ પાડવામાં આવ્યો નહોતો. હવે નાણામંત્રી દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે હજુ તો તેની સંપૂર્ણ રૂપરેખા તૈયાર કરવામાં આવી રહી છે અને તેનો વાસ્તવિક અમલ થતાં દસ મહિના લાગશે. અર્થાત જેમને આ યોજના હેઠળ આવરી લેવાના છે તે 10 કરોડ ગરીબ પરિવારોએ દસ મહિના સુધી રાહ જોવી પડે તેમ છે.
સૂત્રોએ કહ્યું કે બજેટમાં જ્યારે કોઈ યોજના સમાવવામાં આવે ત્યારે તેની સંપૂર્ણ રૂપરેખા અને અમલવારી તૈયાર હોય છે. પરંતુ એમ જણાય છે કે નાણાંમંત્રીએ લોકસભાની આગામી ચૂંટણીઓ અને આ વર્ષે રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત આઠ રાજ્યોમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને લોકોને આકર્ષવા મોદી કેર યોજનાની જાહેરાત કરી દીધી છે. આ યોજના હેઠળ સૌથી વધુ લાભ ખાનગી હોસ્પિટલોને થાય તેમ છે. સરકારી હોસ્પિટલોને પણ તેમાં જો આવરી લેવામાં આવે તો ઘનિષ્ઠ સારવાર માટેની વ્યવસ્થા કરવી પડશે. આ યોજના કેશલેસ હોવાથી દર્દીના સારવારની રકમ બારોબાર વિમાકંપની દ્વારા ચૂકવવામાં આવશે. એક રીતે વીમાકંપનીઓને પણ તેનો લાભ મળવાનો છે. સરકારી વિમાકંપનીઓ ઉપરાંત ખાનગી વીમાકંપનીઓને પણ આ યોજનામાં સામેલ કરવામાં આવે તેમ છે.
સૂત્રોએ જણાવ્યું કે જ્યારે યોજનાના અમલની કોઈ સંપૂર્ણ રૂપરેખા અથવા કઈ રીતે તેનો અમલ થશે તેનું કોઈ ચોક્કસ આયોજન ન હોય ત્યારે સરકારે આવી યોજનાઓ જાહેર કરવાથી દૂર રહેવું જોઇએ પરંતુ વર્તમાન સરકારની નીતિ રીતિથી વાકેફ સૂત્રોનું માનવું છે કે બજેટમાં આ યોજના ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને જ કરવામાં આવી હોવાનું ધીમે ધીમે સ્પષ્ટ થઈ રહ્યું છે. સામાન્ય રીતે બજેટનો અમલ નવા નાણાકીય વર્ષથી શરૂ થઈ જાય છે. પરંતુ ગરીબો માટેની આરોગ્ય યોજનાનો અમલ પહેલી એપ્રિલને બદલે બીજી ઓક્ટોબરથી શરૂ કરવામાં આવશે. દેશમાં રાજ્ય સરકારો વર્તમાન કેન્દ્ર સરકારને કેટલો સહયોગ આપે છે તે પણ સહુ કોઈ જાણે છે. દસ કરોડ પરિવારોમાંથી આઠ કરોડ ગ્રામીણ વિસ્તારના અને બે કરોડ શહેરી વિસ્તારના હોવાનો અંદાજ છે. નોંધનીય છે કે ગ્રામીણ વિસ્તારમાંથી ભાજપને મતદારોનો એટલે સહયોગ મળતો નથી. પરિણામે ગ્રામીણ મતદારોને ધ્યાનમાં રાખીને જ દસ કરોડમાંથી આઠ કરોડ પરિવાર ગ્રામીણ ક્ષેત્રના રાખવામાં આવ્યા હોવાનું મનાય રહ્યું છે. 40 ટકા રકમ રાજ્ય સરકારો પર છોડી દેવામાં આવી છે. જીએસટીને કારણે રાજ્ય સરકારોની આવક ઘટી છે ત્યારે આ સ્કીમમાં રાજ્ય સરકારો કેટલો સહયોગ આપશે અને જ્યારે ખરેખર તેનો અમલ શરુ થશે ત્યારે વાસ્તવિક ચિત્ર સ્પષ્ટ થશે. હાલમાં તો આ યોજના જેટલીના વાયદા બજાર જેવી લોકોને લાગી રહી છે.
દરમ્યાનમાં આરોગ્યમંત્રી જેપી નડ્ડાએ આ યોજના અંગે જાગેલા વિવાદને ટાળવા અને સરકારનો પક્ષ રજૂ કરવા આજે તાબડતોડ મિડિયાને બોલાવીને કેટલાક ખુલાસા કર્યા હતા. તેેમના આ ખુલાસામાં પણ તેઓ સ્વીકારે છે કે નવી હેલ્થ સ્કીમનો અમલ 2 ઓક્ટોબરથી જ થશે. તેમણે કહ્યું કે વિપક્ષના આક્ષેપ ખોટો છે કે આ નવી હેલ્થ સ્કીમ કોઇ જુમલા છે. વિપક્ષ પાસે સરકારની ટીકા કરવા માટે કોઇ મુદ્દો નથી તેથી આવી બેબુનિયાદ ટીપ્પણીઓ કરી છે. તેમણે વધુમાં કહ્યું કે,
2011ના સોશિયો-ઇકોનોમિક કાસ્ટ સેન્સસમાં ‘વંચિત’ તરીકે વર્ગીકૃત કરાયેલા 10 કરોડ પરિવાર. દરેક પરિવારને દર વર્ષે 5 લાખ રૂપિયાનું કવરેજ. એક વાર જ્યારે યોજના લોન્ચ થઇ જશે તો આ પરિવાર આપોઆપ આ દાયરામાં આવી જશે. પરિવારના આકાર પર કોઇ મર્યાદા નથી એટલે કે પરિવારમાં ગમે તેટલા સભ્ય હોય, બધાને કવરેજ મળશે.
માર્ચ સુધીમાં સ્કીમને મંજૂરી મળી જશે. માર્ચ સુધીમાં તેની સાથે જોડાયેલ સ્ટેકહોલ્ડર્સ સ્કીમને લઇ મંથન કરશે. એપ્રિલમાં તેની સાથે જોડાયેલ ડેટાને તૈયાર કરાશે તો જૂન સુધીમાં આઈટી સિસ્ટમની તૈયારી થઇ જશે. જૂનમાં જ સ્કીમને લઇ જાગૃતતા અભિયાન ચલાવાશે. જુલાઇ સુધીમાં તેના માટે રાજ્ય પોતાની તૈયારીઓ કરી લેશે અને તેના માટે ટેન્ડર પણ બહાર પાડી શકે છે.
નીતિ આયોગના સભ્ય વી.કે.પૉલ એ કહ્યું કે આયોગ આ પ્રોજેક્ટ પર છેલ્લાં એક-દોઢ વર્ષથી કામ કરી રહ્યું હતું. તેમણે કહ્યું કે તેમણે આ મુદ્દા પર રાજ્યોના પ્રતિનિધિઓની સાથે પણ બેઠકો કરી. આવનારા થોડાંક દિવસોમાં આગળની બેઠકો થશે જેથી કરીને લાભાર્થીઓ માટે 2 ઑક્ટોબરના રોજ આ સ્કીમ ઉપલબ્ધ થાય.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમોદી મેજીક….782નો ગેસ હવે 994માં પધરાવશે સરકાર….!!
Next articleમા-અમૃતમ કાર્ડને નામે પત્રકારોને રૂપાણી સરકારની લોલીપોપ…..?