થોડા દિવસથી ગુજરાતના રાજકારણમાં સમુદ્ર જેવી ભરતી ઓટ આવ્યા કરે છે. ઘડીકમાં ભાજપમાં ભરતી હોય છે તો ઘડીકમાં કોંગ્રેસમાં ઓટ આવે છે. આ બધાની વચ્ચે ક્યાંક ત્રીજો મોરચો બનીને ઉભરેલા શંકરસિંહ વાઘેલા શાંતિથી ગામડાંમાં કામ કરી રહ્યા છે.
ભાજપ અને કોંગ્રેસ ઘડીકમાં ઓબીસીને અંકે કરવા માગે છે તો ઘડીકમાં પટેલ વોટ બેંકને અંકે કરવા માગે છે. ત્યારે ગુજરાતના રાજકારણને સમજવાનો જ્યારે અમે પ્રયાસ કર્યો તો 22 વર્ષ જૂની ધૂળ ખાતી પડેલી એક ચોપડીએ રાજકારણના નવા પાનાં ખોલી નાંખ્યા. શંકરસિંહ વાઘેલાની સરકારના વીસ મુદ્દા અમલીકરણ સમિતિના અધ્યક્ષ અને ઇતિહાસવિદ પદ્મશ્રી વિષ્ણુ પંડ્યાના પુસ્તકે રાજકારણને સમજવાનું સરળ કરી દીધું. શંકરસિંહની ખૂબ જ નજીક રહેે્લા અને વર્ષો સુધી આર.એસ એસના મુખપત્ર સાધનાના તંત્રી રહી ચુકેલા વિષ્ણુ પંડ્યા ભાજપી ગોત્રના લોકોને જેટલા ઓળખે એટલા કોઇને ન ઓળખે. એમણે 1997માં લખેલા પુસ્તકને વાંચતા ખ્યાલ આવે કે શંકરસિંહ વાઘેલાએ 370 દિવસમાં જે કામ કર્યા હતાં એના નામ બદલીને નરેન્દ્ર મોદીએ 13 વર્ષની મહેનત કરીને પૂરા કર્યા અને વડાપ્રધાનની ખૂરશી સુધી પહોંંચી ગયા.
આમ જોવા જઇએ તો નરેન્દ્ર મોદી શંકરસિંહના રાજકારણની સ્કૂલમાં ભણેલા એમ કહીએ તો ખોટું નહીં ગણાય. કારણ કે જનસંઘમાં સાઇકલ લઇને કસરત કરનાર બાપુ પાસેથી નરેન્દ્ર મોદી ઘણું શીખ્યા છે. એટલે જ વિષ્ણુ પંડ્યાએ લખેલા શંકરસિંહના વિકાસના કામોને એમણે અનુસરવાનું કામ કર્યું હોય એવું સ્પષ્ટ દેખાય છે. ભાજપને ઊભો કરીને સ્વમાન માટે લાત મારી રાજપા બનાવનાર શંકરસિંહે કોંગ્રેસના કટાયેલા એન્જિનમાં તેલ પૂર્યું અને ફરી સ્વમાન માટે કોંગ્રેસ છોડી જીત સુધી પહોંચવાનો માર્ગ લિસ્સો અને ખરબચડો કર્યો છે. પણ એણે દુરંદેશીથી લીધેલા પગલાને મોદી કેવી રીતે અનુસર્યા એના પર એક નજર કરીએ.
વિષ્ણુ પંડ્યાના લખવા પ્રમાણે શંકરસિંહ વાઘેલા સરદાર પટેલને આદર્શ માની કામ કરતા હતાં અને એમણે ગુજરાતના છુપાયેલા નેતાને આગળ લાવવાનું કામ કરવાની નેમ લીધી હતી. 370 દિવસમાં એમણે વિક્રમ સારાભાઇ, મેઘાણી, મુનશી જેવા નામોને આગળ લાવવાની સાથે સાથે ઇતિહાસના પાનામાં દબાઇ ગયેલા સરદારસિંહ રાણાં અને શ્યામજી કૃષ્ણ વર્માને એમની દેશ ભક્તિ પ્રમાણે નામ અપાવવાનો નિર્ણય કર્યો હતો. કામ શરૂ કર્યુ અને આગળ ધપાવ્યું પરંતુ 370 દિવસમાં એ કામ અધૂરૂ રહ્યું એ ચોપડી કદાચ નરેન્દ્ર મોદી સુધી પહોંચી હશે એટલે 2007ની ચૂંટણી પહેલા સરદારસિંહ રાણા અને શ્યામજી કૃષ્ણ વર્માના નામની યાત્રાઓ અને સભાઓ કાઢી ફરી ભાજપના કમળમાં કલર પૂર્યો હતો. ગુજરાત ધમરોળ્યું હતું. અને સત્તાની નજીક પહોંચી ગયા હતાં.
નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે આરએસએસના કનેક્શનના કારણે વિષ્ણુુ પંડ્યા નરેન્દ્ર મોદીની નજીક આવ્યા હોવાનું કહેવાય છે. કદાચ બાપુના આ આઇડિયાની ટીપ એમણે ન આપી હોય તો પણ પુસ્તક આપ્યું હશે. એટલે જ નરેન્દ્ર મોદીએ સરદારસિંહ રાણા અને શ્યામજી કૃષ્ણ વર્મા ના નામે ગુજરાત ધમરોળ્યું હતું. અને એમની શહાદતને ગુજરાત સામે મૂકી હતી. અલબત્ત આ આખીય પ્રક્રિયા માત્ર 370 દિવસમાં બહાર ન આવી. વર્ષો સુધી નરેન્દ્ર મોદીએ એની પાછળ મહેનત કરી અને પોતે છવાઇ ગયા અને હીરો બની ગયા,
નરેન્દ્ર મોદીએ શંકરસિંહના ક્યા આઇડિયાના આધારે ગુજરાતના વિકાસ પુરૂષ બનવા લાગ્યા એ આવતા અંકે જોઇશું. પણ વિષણુ પંડ્યા જેવા દિગ્ગજના અવલોકન પ્રમાણે 370 દિવસમાં શંકરસિંહે જે કામ કર્યા એને પૂરા કરવામાં નરેન્દ્ર મોદીએ 13 વર્ષ લગાડ્યા. શંકરસિંહની બુલેટ ટ્રેન મેમુ ટ્રેનની જેમ નરેન્દ્ર મોદીએ 13 વર્ષ કેેવી રીતે ચલાવી એનું વિષ્લેષણ વિષ્ણુ પંડ્યાના લખાયેલા ઇતિહાસના આધારે વાંચો આવતી કાલે. -હર્ષદ કામદાર
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.