Home ગુજરાત ધાનાણીજી નામમાં ‘ણી’ હોય એટલાથી જ નાં ચાલે, અણી બતાવવી પણ પડે

ધાનાણીજી નામમાં ‘ણી’ હોય એટલાથી જ નાં ચાલે, અણી બતાવવી પણ પડે

680
0

(જી.એન.એસ., ધીમંત પુરોહિત) તા. 8
ગુજરાત વિધાનસભામાં આ વખતે એકથી વધુ ‘ણી’ઓ છે. એક તો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી, બીજેપી અધ્યક્ષ અને ભાવનગરના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, અપક્ષ જીગ્નેશ મેવાણી, વગેરે વગેરે. આજે વાતની શરૂઆત પરેશ ધાનાણીથી કરીએ.
ગુજરાત વિધાનસભાના નવીનીકરણ પછી નવી વિધાનસભા જોવાની બહુ જ ઈચ્છા છતાં, કોઈને કોઈ કારણસર જવાયું નહોતું. આજે અચાનક જવાનું ગોઠવાયું. નવા સંકુલને બહારથી જોતા જ આશ્ચર્ય થયું. આમાં નવું શું છે? જેને માટે ૧૩૮ કરોડ રૂપિયા વેડફ્યા? માત્ર દીવાલો પર નવા પથરા લગાવવા અને રાષ્ટ્રપતિ ભવનનો લુક આપવા પોલો ઘુમ્મટ? જે હજી પૂરો થઇ નથી શક્યો? હશે અંદર કઈક નવું હશે એમ મન મનાવી અંદર જઈએ તો ચાલવાની સ્પીડ આપોઆપ ઘટી જાય. જો થોડું પણ ઝડપથી ચાલીએ તો લપસી પડીએ એવી લપસણી ટાઈલ્સ આખી વિધાનસભામાં નીચે લગાવી છે. હોઈ શકે, રાજકારણની દુનિયા લપસણી છે એવો સાંકેતિક સંદેશ આપવા માંગતા હોય! પણ આપણા હાડકાના ભોગે? ત્રીજા માળે ગયા. ત્યારે તો ખાતરી થઇ ગઈ કે રીનોવેશનનો ઓર્ડર આપનારે અને અમલ કરનારે માની જ લીધું હશે કે પ્રજા અને પત્રકારોનો પણ ત્રીજો માળખાલી જ હશે. આખી વિધાનસભાને સ્વર્ણિમ સંકુલની જેમ કોર્પોરેટ લુક આપવાનો પ્રયત્ન કરાયો છે પણ સગવડનું ક્યાયે ધ્યાન નથી રખાયું. પ્રેસ રૂમની જ વાત કરીએ તો, જુના બે રૂમની જગ્યાએ એક નાનો રૂમ કરી, ચારેકોર સોફા ગોઠવી અને હોહા થતા બાદમાં એક ટેબલ મૂકી સંતોષ માની લીધો છે. કોઈએ પત્રકારોને પૂછવાની ચિંતા નથી કરી કે તમારી જરૂરીયાત શું છે. વિધાનસભાની પ્રેસ ગેલેરીની હાલત આનાથીયે ખરાબ છે. સરકારી પ્રાથમિક શાળાથી પણ નબળી અને નાની પાટલીઓ પત્રકારો માટે મૂકાઈ છે – સાઈઝ છ ઇંચ બાય ત્રણ ફૂટ – જેના પર ત્રણ જણાએ બેસવાનું. જેની પાછળ સત્તાવાળાઓનો ઉદ્દેશ એક જ હોઈ શકે કે પત્રકાર અહી લાંબો સમય બેસી જ ના શકે. જો ભૂલે ચૂકે બેસે તો એનો બેસવાનો ભાગ એટલો સૂઝી જાય કે ફરી અહી આવવાનું નામ જ ના લે. આપણે એની પર પણ બેઠા અને થોડી જ વારમાં નિરાશ થઈને ઉઠી ગયા.વિધાન કારણ? સાંભળો –
વિધાનસભામાં ચર્ચા હતી, બજેટ પરની. કોંગ્રેસના એક સભ્ય બોલ્યા કે આ બજેટ ખેડૂત વિરોધી છે. એમના ભાષણમાં બીજી ત્રીજી વખત ખેડૂત વિરોધી શબ્દ આવ્યો એટલે વિદ્વાન અધ્યક્ષશ્રી રાજેન્દ્ર ત્રિવેદી અચાનક જાગ્યા ને રૂલીંગ આપ્યુ કે તમારો ‘ખેડૂત વિરોધી’ શબ્દ હું રેકોર્ડ પરથી દૂર કરું છું! તમારો સમય પૂરો થયો, બેસી જાવ. સભ્યે ‘ખેડૂત વિરોધી’ શબ્દ દૂર કરવાનું કારણ પૂછ્યું તો જણાવાયું કે બિનસંસદીય શબ્દ છે! પછી મને મળજો સમજાવી દઈશ. ત્યાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી ઉભા થયા અને પૂછ્યું કે ‘ખેડૂત વિરોધી’ શબ્દ બિનસંસદીય કઈ રીતે કહેવાય? અધ્યક્ષશ્રીએ એમણે પણ એ જ જવાબ આપ્યો કે પછીથી મને મળજો સમજાવીશ. અને વિરોધ પક્ષના નેતા ક્લાસ ટીચરના ડાહ્યા ડમરા વિદ્યાર્થીની જેમ કોઈ વિરોધ કર્યા વિના બેસી ગયા. ત્યાં કોન્ગ્રેસના જ બીજા એક સભ્ય મારા મનની વાત બોલ્યા – ‘વિરોધ’ શબ્દ તો ‘વિરોધ પક્ષ’માં પણ છે, એને પણ દૂર કરશો? સ્વાભાવિકપણે આ વાત તો રેકોર્ડ પર નાં જ લેવાઈ હોય. મારા આશ્ચર્યાઘાત વચ્ચે આટલી મોટી વાત ત્યાં જ પતી ગઈ અને ચર્ચા બીજેપીના એક સભ્યના ભાષણથી આગળ ચાલી.
રૂપાણી પાસે હવે લોકોને બહુ અપેક્ષા નથી, પણ ધાનાણી પાસે તો અપેક્ષા હતી, એમણે પણ કમ સે કમ આજે તો નિરાશ જ કર્યા. નામમાં ‘ણી’ હોય એટલાથી જ નાં ચાલે, અણી બતાવવી પણ પડે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગૃહની કાર્યવાહી જોવા આવતા બાળકો ઉપર શિસ્તના નામે ત્રાસ ગુજારાય છે…?
Next articleબાપુની તલવાર લાકડાની નીકળી…ફી નિર્ધારણ મુદ્દે રૂપાણી સરકારનું શિર્ષાસન..