Home ગુજરાત દેશભક્તિના રંગમાં રંગાયું વડોદરા : ભવ્ય તિરંગા યાત્રામાં જોવા મળ્યો હજારો વડોદરાવાસીઓનો...

દેશભક્તિના રંગમાં રંગાયું વડોદરા : ભવ્ય તિરંગા યાત્રામાં જોવા મળ્યો હજારો વડોદરાવાસીઓનો થનગનાટ અને અભૂતપૂર્વ ઉત્સાહ

9
0

(જી.એન.એસ) તા. 12

વડોદરા,

સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાનથી ઉજવણીની તૈયારીઓ વચ્ચે સોમવારની સંધ્યાએ વડોદરામાં ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં નીકળેલી ભવ્યાતિભવ્ય તિરંગા યાત્રામાં અનેરો થનગનાટ અને અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો. અખંડ ભારતની એકતાના યશગાન ગાતી આ ‘તિરંગા યાત્રા’ માં હર્ષ સંઘવી સાથે વિધાનસભાના મુખ્ય દંડકશ્રી બાળકૃષ્ણ શુક્લ અને સાંસદ ડો. હેમાંગભાઈ જોષી સહભાગી થયા હતા.

તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવતા પહેલા તિરંગાને શાનથી લહેરાવતા વડોદરાવાસીઓના અદમ્ય ઉત્સાહને વંદન કરીને ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે, આઝાદીના અમૃતકાળમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાનથી હર ઘર તિરંગાનું રાષ્ટ્રવ્યાપી અભિયાન ચાલી રહ્યું છે. સમગ્ર દેશમાં જ્યાં જુઓ ત્યાં ચારેય દિશામાં તિરંગો લહેરાઈ રહ્યો છે. ગુજરાતના ખૂણે-ખૂણે યોજાયેલી તિરંગા યાત્રામાં ઉત્સાહભેર જોડાતા લોકજુવાળને હું વંદન કરું છું, તેમ શ્રી સંઘવીએ જણાવ્યું હતું.

વડોદરાની ભવ્યાતિભવ્ય તિરંગા યાત્રાના આ દ્રશ્યો દેશના ખૂણે-ખૂણે દેશભક્તિ માટે પ્રેરણા પૂરી પાડશે, તેમ કહી શ્રી સંઘવીએ તિરંગા યાત્રાને આવકારવા માટે આબાલવૃદ્ધ સૌ કોઈ ઘરની બહાર રસ્તાઓ પર છે, તેમ સગૌરવ જણાવ્યું હતું.

ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ સૌને જવાબદાર નાગરિક તરીકે ડ્રગ્સના દૂષણ સામે લડવા માટે સંકલ્પબદ્ધ કર્યા હતા. ડ્રગ્સ સામે ગુજરાત સરકાર મક્કમતાથી યુદ્ધ લડી રહી છે, ત્યારે છેલ્લા ૧૦ દિવસમાં રૂ. ૮૫૦ કરોડનું ડ્રગ્સ ગુજરાત પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યું છે. વડોદરાના ખૂણે-ખૂણેથી ડ્રગ્સને દૂર કરીશું, તેમ મક્કમભેર જણાવી ગૃહ રાજ્યમંત્રીશ્રીએ ડ્રગ્સના દૂષણ વિરૂદ્ધની લડાઈમાં સહભાગી થવા નાગરિકોને અપીલ કરી હતી.

વડોદરાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ વડોદરાના વિકાસ માટે પ્રતિબદ્ધ છે, તેમ કહી શ્રી સંઘવીએ વડોદરાને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ મળે તે માટે જનપ્રતિનિધિઓના પ્રયાસની સરાહના કરી હતી. તેમણે વધુમાં કહ્યું હતું કે, વડોદરાના લોકપ્રતિનિધિઓ જ્યારે મુખ્યમંત્રીશ્રીને મળવા આવે છે અથવા સચિવાલયની મુલાકાતે આવે છે, ત્યારે વડોદરાની પ્રજા માટે કંઈને કંઈક લઈને જાય છે.

કાશ્મીરમાં આતંકવાદીના ઘરે પણ આજે આન, બાન, શાનથી તિરંગો લહેરાય છે, તેમ ગૌરવસહ જણાવી તેમણે સૈનિકો, પૂર્વ સૈનિકો અને બહાદુર જવાનોને નમન કર્યા હતા. શ્રી સંઘવીએ જનસૈલાબના ઉત્સાહને નતમસ્તક કરી વડોદરાવાસીઓને અભિનંદન પાઠવ્યા હતા.

સ્વતંત્રતા પર્વના ઉપલક્ષ્યમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રેરીત ‘હર ઘર તિરંગા’ અભિયાન હેઠળ વડોદરા મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ ભવ્ય તિરંગા યાત્રાનું ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ નવલખી મેદાન ખાતેથી ફ્લેગ ઓફ કરીને પ્રસ્થાન કરાવ્યું હતું.

સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણીના ભાગરૂપે દેશપ્રેમની ભાવના ઉજાગર કરતી આ ભવ્ય તિરંગા યાત્રા નવલખી મેદાનથી શરૂ થઈને કીર્તિ સ્તંભ, ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા, શહીદ ભગતસિંહ ચોક (ન્યાય મંદિર), સુરસાગર તળાવ થઈને મહાત્મા ગાંધી નગરગૃહ ખાતે સમાપ્ત થઈ હતી. દેશભક્તિના ગીતો સાથે આ યાત્રા જેમ જેમ રૂટ પર આગળ વધતી હતી, તેમ તેમ લોકોનો ઉત્સાહ બેવડાતો હતો. રૂટ પર સ્થાનિકો દ્વારા ભવ્ય તિરંગા યાત્રા માટેનો આવકાર અને વધામણા જોઈને શ્રી સંઘવી ગદગદ થઈ ગયા હતા.

ભારતની શૌર્ય, શાંતિ અને સમૃદ્ધિના વૈભવના ગૌરવ ગાન સાથે આયોજિત તિરંગા યાત્રાના પ્રસ્થાન પૂર્વે વકતૃત્વ-નિબંધ સ્પર્ધાના બાળકોનું સન્માન અને ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું. 

મેયર શ્રીમતી પિન્કીબેન સોની, ધારાસભ્ય સર્વ શ્રી યોગેશભાઈ પટેલ, શ્રીમતી મનીષાબેન વકીલ, શ્રી શૈલેષભાઈ મહેતા, શ્રી અક્ષયકુમાર પટેલ, શ્રી ચૈતન્યભાઈ દેસાઈ, શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા, શ્રી ચૈતન્યસિંહ ઝાલા, શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ગાયત્રીબા મહિડા, ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બારોટ, સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો. શીતલભાઈ મિસ્ત્રી, શાસક પક્ષના નેતા શ્રી મનોજભાઈ પટેલ, શાસક પક્ષના દંડક શ્રી શૈલેષભાઈ પાટીલ, અગ્રણી શ્રી ગોરધન ઝડફીયા, ડો. વિજય શાહ, કાઉન્સિલરશ્રીઓ, વડોદરા મહાનગરપાલિકાના કમિશનર શ્રી દિલીપ રાણા, શહેર પોલીસ કમિશનર શ્રી નરસિમ્હા કોમાર, કલેક્ટરશ્રી શાહ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી મમતા હિરપરા સહિત જિલ્લા વહીવટી તંત્ર અને વડોદરા મનપાના અધિકારીશ્રીઓ, વડોદરા શહેર પોલીસ-ટ્રાફિક પોલીસના કર્મચારીઓ, એન. ડી. આર. એફ.ના જવાનો, એન. સી. સી. કેડેટ્સ, મોટી સંખ્યામાં શાળા-કોલેજના વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓ અને સંસ્કારી નગરીના દેશપ્રેમી નાગરિકો આ ભવ્ય તિરંગા યાત્રાની ઐતિહાસિક ક્ષણોમાં સહભાગી બન્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleફિલ્મ ઈમરજન્સીનું ટ્રેલર 14 ઓગસ્ટના રોજ રિલીઝ થશે
Next article‘એક પેડ મા કે નામ’ અભિયાન : ગુજરાતના ખેડા જિલ્લાના કર્મયોગીઓએ 19,000 ચોરસ મીટર વિસ્તારમાં વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનો અનોખો સંદેશ આપ્યો