(જી.એન.એસ) તા. 15
ગાંધીનગર,
ગુજરાતમાં ચોમાસાના આગમન બાદ ખેડૂતોએ વાવણી શરૂ કરી દીધી છે. ખેડૂતો તેમની ઉપજને બચાવીને સારા ભાવ મેળવી શકે તે માટે રાજ્ય સરકાર સતત પ્રત્યનશીલ છે. ડાંગર પાકમાં રોગ અને જીવાતના વ્યવસ્થાપન માટે વાવેતર પહેલા અને વાવેતર સમયે ખેડૂતોએ ધ્યાનમાં લેવાના કેટલાક મહત્વપૂર્ણ પગલાઓ ખેતી નિયામકની કચેરી દ્વારા જાહેર કરવામાં આવ્યા છે.
ડાંગર પાકમાં ગાભમારાની ઈયળનાં નિયંત્રણ માટે મહદઅંશે પ્રતિકારક શક્તિ ધરાવતી નર્મદા, જીએઆર ૩, જીઆર ૧૦૧, ગુર્જરી, જીએઆર ૧૩, મહીસાગર, જીએઆર ૧૪, અને જીઆર ૨૧ જેવી જાતોનું વાવેતર કરવું જોઈએ. ડાંગરની રોપણી જુલાઇ માસના પ્રથમ પખવાડિયામાં કરવી જોઈએ. શક્ય હોય ત્યાં જુલાઇના પ્રથમ પખવાડીયામાં ફેરરોપણી કરવાથી ડાંગરના પાકમાં ગાભમારાની ઇયળ, બદામી ચૂસીયાં અને સફેદ પીઠવાળા ચૂસીયાંનો ઉપદ્રવ ઘટાડી શકાય છે.
ખેતી નિયામકની કચેરીની માર્ગદર્શિકામાં જણાવ્યા અનુસાર ગાભમારાની ઈયળને કાબુમાં રાખવા ધરૂવાડિયામાં કારટેપ હાઈડ્રોક્લોરાઈડ ૪-જી દાણાદાર દવા, ૪-૫ કિ.ગ્રા પ્રતિ વીઘા મુજબ ધરુ નાખ્યા બાદ પંદરમાં દિવસે ધરૂવાડિયામાં રેતી સાથે મિશ્ર કરી આપવી જોઈએ. ડાંગરની ફેરરોપણી કરતી વખતે ધરૂના પાનની ટોચો કાપી નાખી રોપણી કરવી જેથી પાનની ટોચ ઉપર રહેલાં ઇંડાના સમૂહનો નાશ કરી શકાય. ડાંગરના ચૂસિયાનો ઉપદ્રવ જોવા મળે તો, તરત જ ક્યારીમાંથી પાણી નિતારીને કોરુ કરવાથી જીવાત નાશ પામે છે.
આ ઉપરાંત ડાંગરમાં કટવોર્મ લશ્કરી ઇયળના નિયંત્રણ માટે ધરૂવાડિયામાં સમયાંતરે પાણી ભરવાથી ઇયળો જમીનમાંથી બહાર આવશે અને પક્ષીઓ દ્વારા ખવાઈ જશે. ત્યારબાદ જરૂરી નિતાર વ્યવસ્થા ગોઠવવી અને ધરૂવાડિયાની ફરતે એકાદ ફૂટ ઉંડી ખાઇ ખોદવાથી ઇયળોનો પાક ઉપર પ્રવેશ અટકાવી શકાય છે. કોઈ પણ પાકમાં રોગના નિયંત્રણ માટે ખેડૂતોએ રોગમુક્ત, તંદુરસ્ત અને પ્રમાણિત બિયારણનો ઉપયોગ કરવો અને નાઇટ્રોજનયુક્ત ખાતરોનો ભલામણ કરતા વધારે વપરાશ કરવો નહિ. ખેતરની આજુ-બાજુના શેઢાપાળા પરનું ઘાસ કાઢીને શેઢાને ચોખ્ખા રાખવાથી રોગોને ઘટાડી શકાય છે.
ડાંગરમાં કરમોડી-ખડખડિયો બ્લાસ્ટનાં નિયંત્રણ માટે રોગ પ્રતિકારક શક્તિ ધરાવતી જાતો જેવી કે જીએઆર ૧, જીએઆર ૨, જીએઆર ૩, જીએઆર ૧૩, મહીસાગર, જીએઆર ૧૪, જીઆર ૨૧, જીએઆર ૨૨, જીઆર ૭, જીઆર ૧૦૧, જીઆર ૧૦૨, જીઆર ૧૦૪, જીઆર ૧૨, નર્મદા અને જીઆર ૬ જાતોનું વાવેતર કરવું જોઈએ. આ ઉપરાંત પર્ણચ્છેદ કહોવારો શીથ રોટ માટે મસુરી, જીઆર ૧૨, જીઆર ૧૦૪, જીએઆર ૧, જીએઆર ૨, જીએઆર 3, જીએઆર ૧૩, મહીસાગર, જીએઆર ૧૪, જીએઆર રર, આઈઆર ૬૪, જીએનઆર ૩, જીએનઆર ૬, જીઆર ૧૫ અને જીઆરએચ ૨ જેવી રોગ પ્રતિકારક જાતોની વાવણી કરવી જોઈએ.
ધરુ નાખતા પહેલા બીજને ૧ કિ.ગ્રા દીઠ ૨-૩ગ્રા. કાર્બેન્ડેઝીમ ૫૦ વે.પા.નો પટ આપવો જોઈએ. ગલત અંગારીયો અથવા ફોલ્સ સ્મટના નિયંત્રણ માટે બીજને વાવતા પહેલાં ૨.૦ ટકા મીઠાના દ્રાવણમાં ૧૦ મિનીટ બોળવાથી ઉપર તરતા હલકા અને અંગારિયા વાળા રોગીષ્ટ બીજ દૂર કરી નાશ કરવો અને ૧ કિ.ગ્રા. બીજ દીઠ ૨-૩ગ્રા. કાર્બેન્ડેઝીમ ૫૦ વે.પા. અથવા ૨૫ ગ્રામ થાયરમ ૭૫ ડબલ્યુ.એસ.નો પટ આપવો જોઈએ, જેથી આ રોગને અસરકારક રીતે કાબુમાં લઇ શકાય. જ્યાં દર વર્ષે આ રોગ આવતો હોય તેવા વિસ્તારમાં બે વર્ષ સુધી ડાંગરનો પાક ન લેતા પાકની ફેરબદલી કરવી હિતાવહ છે.
ડાંગરનો પર્ણચ્છેદ સુકારો શીથ બ્લાઇટ રોગના નિયંત્રણ માટે ડાંગરની રોપણી પહેલા ઈકડનો લીલો પડવાશ, છાણિયું ખાતર અથવા જુદા-જુદા કોઈ પણ ખોળ જમીનમાં આપવા તેમજ ડાંગરના છોડની પહોળા ગાળે રોપણી કરવી પાનનો સુકારો-ઝાળ અથવા બેક્ટેરિયલ બ્લાઈટ રોગના નિયંત્રણ માટે રોગપ્રતિકારક જાતો જેવી કે મસુરી, ગુર્જરી, જીએઆર ૧૩, જી.આર ૧૪, મહીસાગર, જીઆર ૨૧, જીએઆર ૨૨ની વાવણી કરવાથી પાકને બચાવવી શકાય છે.
આ ઉપરાંત પાનના સુકારા માટે ૨૫ કિ.ગ્રા. બીજ ને ૨૪ લિટર પાણીમાં ૬ ગ્રામ સ્ટ્રેપ્ટોસાયક્લિન વાળા દ્રાવણમાં ૮ થી ૧૦ કલાક બોળીને છાંયે સૂકવી કોરા કરીને વાવવાં અને લોહતત્વની ઉણપથી થતો ધરૂનો કોલાટ પીળીયો રોગ અને ઝીંક તત્વની ઉણપથી થતો ત્રાંબિયો રોગના નિયંત્રણ માટે ધરૂવાડીયામાં સેન્દ્રીય ખાતરો જમીનમાં અવશ્ય નાખવું જોઈએ. જે જમીનમાં ઝીંક તત્વની ઉણપ દર વર્ષે જણાતી હોય ત્યાં રોપણી અગાઉ જમીનમાં ધાવલ કરતી વખતે ૧૨.૫ કિ./હે. દીઠ ઝીંક સલ્ફેટ પાયાના ખાતર સાથે પંખીને આપવું જોઈએ.
વધુમાં, ધરૂવાડિયામાં ધરૂનો કોલાટ અથવા પિળિયો રોગને નિયંત્રણ માટે પાણી ભરવાની પૂરતી સગવડ ન હોય તો ૧૦લી. પાણીમાં ૪૦ ગ્રા. ફેરસ સલ્ફેટ અથવા હીરાકણી+૨૦ ગ્રા. ચુનાના મિશ્ર દ્રાવણનો આગલી રાત્રે ચૂનાનું દ્રાવણ બનાવી બીજા દિવસે નિતર્યા પાણીનો ઉપયોગ કરી ધરૂવાડિયાના પાન ઉપર છંટકાવ કરવો, ત્યારબાદ જરૂર જણાય તો એક વખત ૫૦ કિ.ગ્રા/હે. નાઈટ્રોજનનો વધારાનો હપ્તો એમોનિયમ સલ્ફેટ ખાતરના રૂપમાં આપવાથી રોગને અસરકારક રીતે કાબુમાં લઇ શકાય છે. વધુમાં દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલા લેબલ મુજબ જે તે પાક માટે, આપવામાં આવેલ ડોઝ અને જે તે રોગ-જીવાત માટેની દવા છે તે ભલામણ મુજબ અનુસરવા જણાવવામાં આવ્યું છે, તેમ યાદીમાં વધુમાં જણાવાયું હતું.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.