Home દુનિયા - WORLD જી-20 સમિટમાં પ્રધાનમંત્રીનો UN પર કટાક્ષ, અમેરિકા-યુરોપને આપી શિખામણ

જી-20 સમિટમાં પ્રધાનમંત્રીનો UN પર કટાક્ષ, અમેરિકા-યુરોપને આપી શિખામણ

31
0

ઈન્ડોનેશિયાના બાલીમાં જી-20 સમિટ દરમિયાન પ્રધાનમંત્રીએ કહી આ વાત

પીએમ નરેન્દ્ર મોદીએ ઈન્ડોનેશિયાના બાલીમાં જી-20 સમિટ દરમિયાન કહ્યું કે દુનિયાની સમસ્યાઓને પહોંચી વળવામાં સંયુક્ત રાષ્ટ્ર સંઘ નિષ્ફળ રહ્યું છે. આપણે તેમાં પૂરતો સુધારો કરી શક્યા નથી. નામ લીધા વગર પ્રધાનમંત્રીએ અમેરિકા અને યુરોપના દેશોને શિખામણ આપતા કહ્યું કે આપણે એનર્જીના સપ્લાય પર કોઈ પણ પ્રકારના પ્રતિબંધોને પ્રોત્સાહન આપવું જોઈએ નહીં.

રશિયા યુક્રેન બાદ અમેરિકા અને યુરોપના દેશ અનેક પ્રકારના પ્રતિબંધ લગાવી રહ્યા છે. તેનો ઉલ્લેખ પણ પીએમ મોદીએ કર્યો છે. તેમણે કહ્યું કે દુનિયાને જી-20 પાસેથી ખુબ આશાઓ છે. પીએમ મોદીએ કહ્યું કે ક્લાઈમેટ ચેન્જ, કોવિડ મહામારી, યુક્રેનનો ઘટનાક્રમ અને તેની સાથે જોડાયેલી વૈશ્વિક સમસ્યાઓએ મળીને દુનિયામાં તબાહી મચાવી દીધી છે. ગ્લોબલ સપ્લાય ચેન્સ વેર વિખેર થઈ ગઈ છે.

સમગ્ર દુનિયામાં જિંદગી માટે જરૂરી ચીજોના સપ્લાયનું સંકટ બનેલું છે. દરેક દેશના ગરીબ નાગરિકો માટે પડકાર વધુ ગંભીર છે. તેઓ પહેલેથી જીવનમાં ઝઝૂમી રહ્યા હતા. તેમની પાસે બેવડા માર સામે ઝૂઝવાની આર્થિક ક્ષમતા નથી. પીએમ મોદીએ કહ્યું કે આપણે એ વાતને સ્વીકારવામાં જરાય સંકોચ કરવો જોઈએ નહીં કે સંયુક્ત રાષ્ટ્ર જેવી મલ્ટીલેટરલ સંસ્થાઓ આ મુદ્દાઓ પર નિષ્ફળ રહી છે અને આપણે બધા તેમાં જરૂરી સુધારો કરવામાં પણ નિષ્ફળ રહ્યા છીએ. આથી આજે જી-20 પાસે વિશ્વને વધુ અપેક્ષાઓ છે, આપણા સમૂહની પ્રાસંગિકતા વધી છે.

પીએમએ કહ્યું કે આપણે યુક્રેનમાં સંઘર્ષ વિરામ અને ડિપ્લોમેસીના રસ્તે પાછા ફરવાનો રસ્તો શોધવો પડશે. ગત શતાબ્દીમાં બીજા વિશ્વ યુદ્ધે વિશ્વમાં કેર વર્તાવ્યો હતો. ત્યારબાદ તે સમયના નેતાઓએ શાંતિનો રસ્તો પકડવાનો ગંભીર પ્રયત્ન કર્યો. હવે અમારો વારો છે. પોસ્ટ-કોવિડ કાળ માટે એક નવા વર્લ્ડ ઓર્ડરની રચના કરવાની જવાબદારી આપણા ખભે છે. તેમણે કહ્યું કે સમયની માંગણી છે કે આપણે વિશ્વમાં શાંતિ, સદભાવ અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ઠોસ અને સામૂહિક સંકલ્પ દેખાડીએ. મને વિશ્વાસ છે કે આગામી વર્ષ જ્યારે જી20 બુદ્ધ અને ગાંધીની પવિત્ર ભૂમિ પર મળશે ત્યારે આપણે બધા સહમત થઈને, વિશ્વને એક મજબૂત શાંતિ સંદેશ આપીશું.

જી20ના મંચથી પીએમ મોદીએ કહ્યું કે મહામારી દરમિયાન ભારતે પોતાના 1.3 બિલિયન નાગરિકોની ફૂડ સિક્યુરિટી સુનિશ્ચિત કરી. આ સાથે જ અનેક જરૂરિયાતવાળા દેશોને પણ ખાણી પીણીનો સામાન સપ્લાય કર્યો. ફૂડ સિક્યુરિટીના સંદર્ભમાં ફર્ટિલાઈઝર્સની વર્તમાન અછત પણ એક મોટું સંકટ છે. આજે ફર્ટિલાઈઝર્સની અછત કાલની ફૂડ ક્રાઈસિસ છે. જેનું સમાધાન વિશ્વ પાસે નહીં હોય. તેમણે કહ્યું કે આપણે ખાતર અને ખાદ્યાન્ન બંનેની સપ્લાય ચેન્સને સ્થિર અને આશ્વાસ્ત રાખવા માટે પરસ્પર સહમતિ બનાવવી જોઈએ.

ભારતમાં સતત ફૂડ સિક્યુરિટી માટે આપણે નેચરલ ફાર્મિંગને પ્રોત્સાહન આપી રહ્યા છીએ અને મિલેટ્સ જેવા પૌષ્ટિક અને પરંપરાગત આહારને ફરીથી લોકપ્રિય બનાવી રહ્યા છીએ. મિલેટ્સથી વૈશ્વિક માલન્યૂટ્રિશિયન અને ભૂખમરાનું પણ સમાધાન થઈ શકે છે. આ અગાઉ પીએમ મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે પણ મુલાકાત કરી. બંને નેતાઓ ગળે મળ્યા અને ઉષ્માસભર હાથ મિલાવ્યા.

પ્રધાનમંત્રી કાર્યાલયે તેની તસવીરો શેર કરી છે, જેમાં બંને નેતા હાથ મિલાવી રહ્યા છે. પીએમ ઓફિસે ટ્વીટમાં લખ્યું છે કે પીએમ મોદી અને જો બાઈડેન બાલીમાં જી-20 સમિટ દરમિયાન મળ્યા. જી-20 ફૂડ અને એનર્જી સિક્યુરિટી પર કામ કરી રહ્યા છે. આ ઉપરાંત પીએમ મોદી ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનને પણ મળ્યા. રવિવાર રાતે પીએમ મોદી બાલી પહોંચ્યા હતા. જ્યાં પરંપરાગત રીતે તેમનું સ્વાગત થયું.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભારતીય શેરબજારમાં બેતરફી અફડાતફડીના અંતે દરેક ઉછાળે સાવચેતીનો માહોલ યથાવત્…!!
Next articleમિઝોરમમાં પથ્થરની ખાણ ધસી પડી, 12 મજૂરો ફસાઈ ગયા, 8 મજૂરોના મૃતદેહો મળ્યા