Home ગુજરાત ઉત્તર ગુજરાત છે દસ ગુંઠા જમીન…? તો કમાઈ લો વર્ષે રૂપિયા ૧૨ લાખ…

છે દસ ગુંઠા જમીન…? તો કમાઈ લો વર્ષે રૂપિયા ૧૨ લાખ…

54
0

કંઈક નવું કરવાની તમન્ના હોય અને સુઝ હોય તો આ શક્ય બને…


દસ ગુંઠા જેટલી ખેતીની જમીન હોય… કંઈક કરવાની ઈચ્છા હોય…થોડી સૂઝ હોય…અને યોગ્ય માર્ગદર્શન હોય તો મહિને ૧,૦૦,૦૦૦ એટલે કે વર્ષે રૂપિયા ૧૨ લાખ આસાનીથી કમાઈ શકાય…વાત છે અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના જીવણપુરા ગામના ખેડૂત ધરમશીભાઈ કરશનભાઈ પટેલની…


અમદાવાદથી થોડે દૂર વસેલા જીવણપુરા ગામમાં વસતા ધરમશીભાઈ આમ તો છેલ્લા લગભગ ૪૫ વર્ષથી ખેતી કરે છે, પણ ચીલાચાલુ ખેતી.. કોઈ બદલાવ નહી અને કોઈ નાવીન્ય પણ નહી…ખેતીમાંથી જોઈએ તેટલું વળતર નહતું મળતું એટલે કચ્છમાંથી ૩૫ ભેંસો લાવીને તબેલો શરુ કર્યો… જાત મહેનત કરતા પણ, આટલા મોટા તબેલા માટે કામ કરવાવાળા માણસોની પણ જરૂર પડતી. તબેલા માટે જોઈએ તેવા અને જોઈએ તેટલા માણસો મળતા નહી..ભેંસોનું દૂધ અમદાવાદ ભરાવતા..પણ મહેનતના પ્રમાણમાં પૈસા મળતા નહી..એટલે કંઈક નવુ કરવાનો વિચાર ધરમશીભાઈ સતત કરતા રહેતા…


તેવા સમયે ધરમશીભાઈનો નાનો ભાઈ દશરથભાઈલશ્કરમાંથી નિવૃત્ત થઈને ઘરે આવ્યો..દેશ અને વિદેશમાં જવારાના ઉપયોગ વિષે તેણે ધરમશીભાઈને વાત કરી… અમદાવાદ શહેરમાં પણ લોકોની સ્વાસ્થ્ય પ્રત્યે વધેલી જાગૃતિ અને જવારાના જ્યુસના વધેલા વપરાશને ધ્યાને લઈને જવારા વાવવા અને તેના વેચાણમાટે વિચાર કર્યો… અમદાવાદ જિલ્લાની ખેતીવાડી શાખાનો સંપર્ક કરી માર્ગદર્શન મેળવ્યું…અમદાવાદમાં મહત્તમ જગાએ બાગબગીચાઓમાં સવારે ચાલવા આવતા લોકોમાં જવારાનો જ્યુસ પીવાનો શોખ અને વૃત્તિ વિકસ્યા હોવાના પગલે ધરમશીભાઈના જવારા વાવવાના વિચારને પીઠબળ મળ્યું… અને શરુ થઈ મહિને રૂપિયા એક લાખ એટલે કે વર્ષે રૂપિયા ૧૨ લાખ કમાવાની સફર…


શરુઆતમાં તો ધરમશીભાઈ તેમના મકાનના કમ્પાઉન્ડમાં પડતર જમીનમાં જવારા વાવવા લાગ્યા…રોજ સવારે ઘંઉ વાવવા… એક સપ્તાહ પછી તેના જવારા કાઢવા…અને બઝારમાં વેચવા… આ ધરમશીભાઈનો નિત્ય ક્રમ બની ગયો… ધીમે ધીમે જવારાનો ખપ વધતો ગયો તેમ તેમ તેની માંગ વધતી ગઈ… માંગ સામે પુરવઠો વધારવો પડે તેવા અર્થશાસ્ત્રના નિયમને ધરમશીભાઈએ કોઠાસૂઝથી અમલમાં મુક્યો….શરુઆતમાં તો ખેતરમાં પ્લાસ્ટીકની કોથળીના ચાદરા બનાવીને પ્રયોગ શરુ કર્યો… ધીમે ધીમે તેમાં પણ બદલાવ લાવતા ગયા.. જેમ જેમ ખેતીવાડી શાખાના નિષ્ણાતોનું માર્ગદર્શન મળતું ગયું, તેમ તેમ તેમાં જરૂરિયાત અનુસાર ફેરફાર કરતા ગયા…


“અત્રે ઉલ્લેખનીયછે કે, ઘંઉ એ લગભગ ૨૭ ડિગ્રી તાપમાનમાં થતો પાક છે, એટલે શિયાળા-ચોમાસા સિવાય ઉનાળાની સિઝનમાં પાક લેવો અઘરો થઈ જાય.. એટલે જ ધરમશીભાઈએ નેટહાઉસ બનાવ્યું છે અને તેમાં બારેમાસ જવારા પકવે છે. જો કે ધરમશીભાઈ જવારાના ઉત્પાદનમાં સંપુર્ણપણે ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ કરે છે.
જો કે જવારાના ઉત્પાદન પછી પણ સૌથી મોટો પ્રશ્ન હતો તેના માર્કેટીંગનો…ધરમશીભાઈ કહે છે કે, “હું મુળ તો ગામડાનો ખેડૂત… એટલે આ માર્કેટીંગ શુ કહેવાય ? તે ખબર નહતી પડતી.. એટલે શરુઆતના તબક્કામાં જવારા વિષે હાથેથી કાગળમાં લખીને પેમ્પ્ફ્લેટ બનાવીને અખબારોમાં મૂકતા..તે પ્રયોગ સફળ થયો.. જવારાનું વાવેતર વધતું ગયું.. ખરીદનારા પણા વધતા ગયા.. આજે તો બે મોબાઈલ રાખુ છું..ફોન પરજ ઓર્ડર મેળવું છું..અમદાવાદ શહેરમાં આઠ જેટલા ડીલરને હું સીધા જવારા પહોંચાડુ છુ, અને તેઓ રીટેલરોને પહોંચાડે છે…’એમ” ધરમશીભાઈ ઉમેરે છે.


ધરમશીભાઈએ અમદાવાદમાં સારુ એવું નેટવર્ક સ્થાપ્યું છે. અમદાવાદ ઉપરાંત આણંદ, વડોદરા, ભરુચ અને સૂરતમાં પણ તેમના જવારા જાય છે. કેન્સરની સારવારમાં જવારાનો ઉપયોગ થાય છે. જવારામાં ઓછામાં ઓછા ૧૩ પ્રકારના વિટામીન હોય છે. જવારાનો જ્યુસ પચવામાં અત્યંત સરળ છે અને શરીરની થોડી ઉર્જાથી જ તેનું પાચન થાય છે. હાઈ બ્લડ પ્રેશર, ચામડી, હિમોગ્લોબીનની ઉણપ તથા લોહીના રોગોમાં આ અત્યંત ઉપયોગી છે. આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ધરમશીભાઈ હવે તો જવારાનો પાવડર બનાવીને વેલ્યુ એડીશન કરી છે.
ધરમશીભાઈને જવારાના ઉત્પાદનના શરુઆતના તબક્કામાં ભારે સંઘર્ષ કરવો પડ્યો હતો. માત્ર ૫૦૦ ગ્રામના ઉત્પાદનથી તેમણે શરુઆત કરી હતી. તેમના જવારા ખરીદનાર પણ કોઈ નહતું.. જિલ્લા ખેતી વાડી શાખા દ્વારા તેમને માર્ગદર્શન આપીને તેમને મોટુ બઝાર પુરુ પાડ્યું છે. આજે ધરમશીભાઈ રોજના ૪૦ કિલો જવારાનું ઉત્પાદન કરે છે. ધરમશીભાઈને થોડા સમય પહેલા બેસ્ટ આત્મા ફાર્મર્સ એવોર્ડ પણ મળ્યો છે..
અમદાવાદ જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી હિતેષ પટેલ કહે છે કે, ..”જે રીતે ઓર્ગેનિક ખેતીનું મહત્વ વધ્યું છે તે જ રીતે આયુર્વેદિક ખેતીનું મહત્વ વધ્યું છે. જવારાનો રસ અનેક ગંભીર રોગોમાં ઉપયોગી થાય છે. જવારા એટલે ઘંઉની વાવણી પછીના પ્રથમ પખવાડીયાનું ઉત્પાદન. અમદાવાદ જિલ્લામાં લગભગ ૧.૫૦ લાખ હેક્ટરમાં ઘંઉનું વાવેતર થાય છે, પણ જવારાની ખેતી તરફ હજુ ખેડૂતોનો ઝોક વધ્યો નથી. જો હજી વધુ ખેડૂતો જવારાના ઉત્પાદન તરફ વળે તો તેમને વધુ આર્થિક વળતર મળે…”
…………………………….
હિમાંશુ ઉપાધ્યાય
અમદાવાદ

Previous articleકોઈ ભારતીય વડાપ્રધાનની પાપુઆ ન્યુ ગિનીની આ પ્રથમ મુલાકાત
Next articleવૈષ્ણોદેવી જનારા ભક્તો માટે ભારતીય રેલવે ચલાવી રહી છે સ્પેશિયલ ટ્રેન