(જી.એન.એસ)તા.4
સુરેન્દ્રનગર,
હિન્દુ ધર્મમાં નવરાત્રીના પર્વનું વિશેષ મહત્વ છે અને નવરાત્રી દરમ્યાન લોકો ભક્તિમાં લીન બને છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા સુપ્રસિધ્ધ યાત્રાધામ ખાતે પણ નવરાત્રીના પ્રથમ નોરતે સવારથી ભક્તોની ભીડ ઉમટી પડી હતી અને સવારથી સાંજ સુધી હજારોની સંખ્યામાં પ્રથમ દિવસે ભક્તોએ ચામુંડા માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ અંગે મળતી માહિતી મુજબ ચોટીલા ખાતે બિરાજમાન ચામુંડા માતાજીના દર્શનનું વિશેષ મહત્વ છે અને પુનમ સહિત બારે મહિના મોટીસંખ્યામાં ભક્તો ચામુંડા માતાજીના દર્શને ઉમટી પડે છે જેમાં નવરાત્રી દરમ્યાન ચામુંડા માતાજીના દર્શનનું વર્ષોથી મહત્વ ચાલ્યું આવે છે અને દર વર્ષે નવરાત્રી દરમ્યાન લાખોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડે છે ત્યારે નવરાત્રીના પ્રારંભે સવારથી જ ચામુંડા માતાજીના દર્શનાર્થે ભીડ જોવા મળી હતી જ્યારે ચોટીલા મંદિર ડુંગર ટ્રસ્ટ દ્વારા નવરાત્રીમાં ભક્તોના ઘસારાને ધ્યાને લઈ દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ પગથીયાના દ્વાર સવારના 4-30 વાગ્યે ખોલવામાં આવ્યા હતા. જો કે અગાઉથી જ ભક્તો રાતથી ચામુંડા માતાજીના ડુંગર નીચેના પટાંગણમાં આવી પહોંચ્યા હતા અને પગથીયાના દ્વારા ખુલતા જ ડુંગર પર બીરાજમાન ચામુંડા માતાજીના દર્શન કરવા નીકળી પડયા હતા. જ્યારે સવારની આરતીનો સમય પણ ફેરફાર કરીને નવરાત્રી દરમ્યાન 5-00 વાગ્યાનો કરવામાં આવ્યો છે ત્યારે ભક્તોએ ચામુંડા માતાજીની આરતીનો પણ લાભ લીધો હતો. સુરેન્દ્રનગર જીલ્લા સહિત આસપાસાના અમદાવાદ, રાજકોટ, મહેસાણા, બનાસકાંઠા, પંચમહાલ સહિતના જીલ્લાઓમાંથી તેમજ બહારના રાજ્યમાંથી પણ ભક્તો ચામુંડા માતાજીના દર્શન કરવા ઉમટી પડયા હતા. આ ઉપરાંત નવરાત્રી દરમ્યાન ચોટીલા પગપાળા ચાલીને માતાજીના દર્શનનું પણ મહત્વ રહેલું છે ત્યારે પદયાત્રીઓ પગપાળા સંઘમાં માતાજીની ઘજા અને વાજતે ગાજતે દર્શનાથે આવી પહોંચ્યા હતા અને સમગ્ર માહોલ ભક્તિમય બન્યો હતો. ચોટીલા ચામુંડા માતાજી દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે ત્યારે નવરાત્રીના નવ દિવસ દરમ્યાન લાખોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડે છે અને મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થે આવતા તમામ ભક્તો માટે મહાપ્રસાદ સહિત રહેવાની પણ સુવિધાઓ પુરી પાડવામાં આવે છે તેમજ નવરાત્રીની ભીડને ધ્યાને લઈ ચોટીલા પોલીસ ટીમ દ્વારા પણ તળેટી વિસ્તારથી લઈ ડુંગર સુધી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને ભક્તોને કોઈ હાલાકી ન પડે તે માટે તમામ વ્યવસ્થાઓ પણ ઉભી કરવામાં આવી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.