ખાસ નોંધ : ગુજરાતી ન્યૂઝ સર્વિસ (G.N.S) અને ચાર રાજ્યોના લઘુ અને મધ્યમ અખબારોના ૧૪૨ જિલ્લાઓમાં કાર્યરત ૪૦૦થી વધુ પત્રકારો દ્વારા કરાયેલું ફિલ્ડ સર્વેક્ષણ તથા ૨૦૦થી વધુ અખબારોના વરિષ્ઠ સંપાદકો દ્વારા કરાયેલા વિશ્લેષણની સાથે દેશના રાજકીય પંડિતોના પોતાના અનુભવના આકલનને આધારે તમામ રાજકીય પાસાઓ ને ધ્યાન માં રાખીને આ એક્ઝીટ પોલ તૈયાર કરાયો છે.
(જીએનએસ) ગાંધીનગર તા. ૭
આગામી લોકસભા ચૂંટણી માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૦૧૪ની જેમ ફરીથી ૫૪૩માથી ઐતિહાસિક ૨૮૨ બેઠકો મેળવીને ફરી દિલ્હી ની ગાદી સર કરશે કે કેમ તેના રાજકીય સમીકરણો આજે સંપન્ન પાંચ રાજ્યો ના પરિણામ પર આધાર રાખે છે ત્યારે રાજકીય નિરીક્ષકો શતરંજની બાજી બિછાવીને પોતપોતાની રીતે મૂલ્યાંકન કરી રહ્યાછે. ૨૦૧૪ સુધીનું ભારત અને ૨૦૧૪થી ૨૦૧૮ સુધીના મોદી ના ભારત ની વચ્ચે જમીન આસમાન નો તફાવત જોવા મળી રહ્યો છે. તે સમયે તેમણે આપેલા ચૂંટણી વચનો લગભગ પાંચ વર્ષના આરે તેમની સામે વિવિધ માધ્યમો દ્વારા મૌન ધારણ કરી સામે આવ્યા છે. અને જાણે કે તેઓ પૂંછી રહ્યાછે કે રોજગારી, રામ મંદિર, કાશ્મીર માટે ૩૭૦ મી કલમ રદ્દ કરવી, સમાન નાગરિક ધારો, આતંકવાદ , નક્ષલવાદ, મહિલા સુરક્ષા કાળું નાણું વગેરે. આપેલા વચનોમાંથી કેટલા પૂરા થયા તેનો જવાબ શોધી રહ્યાછે. જો કે તેના જવાબો વડાપ્રધાન મોદી આપે તે પહેલા ૪-૫ વર્ષમાં તેમના નેતૃત્વ માં રચાયેલી કેન્દ્ર સરકારમાં ચૂંટણી વચનો કેટલા પૂરા થયા તે કરતાંય જે કામો કરવા જોઈતા નહોતા એવા નિર્ણયો જેમ કે જીએસટી , નોટબંધી, બજાર મંદી, મોંઘવારી જેવા મુદ્દાઓ ને જોઈએ તો પાંચ રાજ્યોની ચૂંટણીમાં જે રાજકીય ચિત્ર ઉપસી રહ્યું છે તે ભાજપ અને મોદી માટે શુભ સંકેત તો નથી જ.
મધ્યપ્રદેશમાં મોદી-શિવરાજનો જાદુ ઓસર્યો…!?, કોંગ્રેસની બહુમતિ તરફ….?
મધ્યપ્રદેશ,રાજસ્થાન અને છત્તીસગઢમાં બીજેપી ની સરકાર છે. એક્ઝીટ પોલ નિર્દેશ કરે છે કે આ ત્રણેય રાજ્યોમાં સત્તા પરિવર્તન ની લહેર દેખાઈ રહી છે. કોંગ્રેસ પૂર્ણ બહુમતિ સાથે સત્તા માં ફરી આરૂઢ થતી જણાઈ રહી છે. મધ્યપ્રદેશ માં એક્ઝીટ પોલ પ્રમાણે કોંગ્રેસ ને ૪૫ ટકા વોટનો હિસ્સો મળવાની શકયતા છે તો બીજેપી ને ૪૧ ટકા અને અન્ય પક્ષો ના ખાતા માં ૧૪ ટકા વોટ મળે તેમ જણાઈ રહ્યું છે. મધ્યપ્રદેશ માં વિધાનસભાની કૂલ ૨૩૦ બેઠકો છે. તેથી બહુમતિ માટે કોઈપણ પાર્ટીએ ઓછામાં ઓછી ૧૧૬ બેઠકો જીતવી પડે. એક્ઝીટ પોલ પ્રમાણે બેઠકો ના મામલે કોંગ્રેસ બીજેપીને પછાડતી હોય તેમ દેખાઈ રહ્યું છે. મધ્યપ્રદેશમાં કોંગ્રેસનો પંજો બહુમતિનાં આંકડાને સ્પર્શ કરે તેમ છે. કોંગ્રેસ ના ભાગે ૧૧૩ થી ૧૧૮ બેઠકો મળે તેમ છે. જ્યારે બીજેપીનાં કમળની પાંખડીઓ ૧૦૨થી ૧૦૬ બેઠકો સુધી જ પસરી ને સમેટાઈ જાય તેમ છે. આ ઉપરાંત અન્ય પક્ષોને ૯ થી ૧૧ બેઠકો મળે તેમ છે. આ એક્ઝીટ પોલ અનુસાર આગામી વિધાનસભામાં સત્તાપક્ષ બીજેપી ને કોંગ્રેસ આંચકો આપી શકે છે.
મધ્યપ્રદેશ માં જો લોકસભા ચૂંટણીની વાત કરીએ તો આ રાજ્યમાં બીજેપીના ભાગે વધારે મતોની ટકાવારી જણાઈ રહી છે.એક્ઝીટ પોલ અનુસાર બીજેપીને ૪૧ ટકા વોટ, કોંગ્રેસને ૪૫ ટકા અને અન્યોને ૧૪ ટકા વોટ ફાળે જાય તેમ છે. ૨૦૧૯ની લોકસભા ચૂંટણી પહેલા આ ત્રણ રાજ્યોમાં મધ્યપ્રદેશ , રાજસ્થાન અને છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી માં બીજેપી અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો છે.
મધ્યપ્રદેશમાં છેલ્લા ૧૫ વર્ષ થી બીજેપી સત્તામાં છે પરંતુ એક્ઝીટ પોલ મુજબ આ વખતે રાજકીય મિજાજ બદલે બદલે મેરે સરકાર નજર આ રહે હૈ ..ની જેમ લોકોનો મિજાજ બદલાતો દેખાઈ રહ્યો છે. કોંગ્રેસ અને બીજેપી ની વચ્ચે કટોકટ ની ટક્કર છે અને શિવરાજ ના હાથમાંથી સત્તા સરકતી જણાઈ રહી છે. જો કે બીજેપી કરતા કોંગ્રેસ ૫ ટકા વોટ સાથે આગળ રહે તેમ છે. અન્યોના હિસ્સામાં ૧૪ ટકા વોટ જાય તેમ છે.
છત્તીસગઢમાં જોગી-માયા કોંગ્રેસના વિજય રથને રોકે તો રમણસિંહનો ચમત્કારિક બચાવ..?
છત્તીસગઢ માં પણ બીજેપી છેલ્લા ૧૫ વર્ષથી સત્તામાં છે. એક્ઝીટ પોલ પ્રમાણે , મધ્યપ્રદેશની જેમ છત્તીસગઢ માં હવે બીજેપી અને સત્તા વચ્ચે છત્તીસ નો આંકડો સર્જાય તો નવાઈ નહિ. સત્તા બીજેપી ના હાથમાંથી નીકળતી જણાઈ રહી છે. જો કે કોંગેસ અને બીજેપી ની વચ્ચે માત્ર ૩ ટકા મતોનું અંતર છે. અને તેને જોતા અજીત જોગી અને માયાવતીનો પક્ષ કોંગ્રેસ ની બાજી બગાડીને મુખ્યમંત્રી રમણસિંહ ને રાજકીય લાભ અપાવી શકે તેમ છે પરતું સુક્ષ્મ રીતે જોતા તેની સંભાવના ખુબજ ઓછી છે.
એક્ઝીટ પોલ પ્રમાણે મુખ્યમંત્રી રમણસિંહ ની સત્તાની વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે. અજીત જોગી દ્વારા કોંગ્રેસ માં બળવો કરીને અલગ પક્ષની રચના પણ બીજેપી ને લાભ અપાવી શકે તેમ જણાતું નથી. ૨૦૧૩નાં પરિણામો ની રીતે જોઈએ તો બીજેપી ને નુકશાન અને કોંગ્રેસ ને ફાયદો થઇ રહ્યો છે. આ રીતે કોંગ્રેસ પૂર્ણ બહુમતિ સાથે સત્તામાં ફરીથી આવી શકે તેમ છે. એક્ઝીટ પોલ પ્રમાણે બીજેપી ને છત્તીસગઢ માં ૩૯ ટકા વોટ શેર તો કોંગ્રેસ ને ૪૨ ટકા અને અન્યો ને ૧૯ ટકા વોટ શેર મળે તેમ છે. બેઠકોનું ગણિત માંડીએ તો છત્તીસગઢ વિધાનસભામાં કૂલ ૯૦ બેઠકો છે. તેમાંથી કોંગ્રેસને ૪૪થી ૫૦ , બીજેપી ને ૩૬થી ૩૯ અને અન્યોના ભાગે ૪થી ૭ બેઠકો મળે તેમ છે.
રાજસ્થાનમાં પરિવર્તન ની લહેર , કોંગ્રેસ ની સત્તાવાપસી નિશ્ચિત…?
રાજસ્થાન માં એક વખત કોંગ્રેસ તો એક વખત બીજેપી ની સતા ની પરંપરા આ વખતે પણ જણાઈ રહી છે. રાજસ્થાન માં પણ મધ્યપ્રદેશ અને છતીસગઢ ની જેમ કોંગ્રેસ જોરમાં હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. એક્ઝીટ પોલ પ્રમાણે, રાજ્યમાં સત્તા પરિવર્તન ની લહેર દેખાઈ રહી છે.કોંગ્રેસ પાંચ વર્ષ પછી ફરી સત્તામાં પાછી ફરી રહી હોય તેવું ચિત્ર બની રહ્યું છે. વસુંધરા રાજે ના નેતૃત્વ હેઠળ ની સરકારને મોટું રાજકીય નુકશાન ઉઠાવવું પડે તેમ છે. કોંગ્રેસ ને ૪૯ ટકા વોટ શેર મળી શકે તેમ છે ત્યાં બીજેપી માત્ર ૩૮ ટકા વોટ શેર સાથે સંકોચાતી જણાય છે. અન્ય પક્ષો ને ૧૩ ટકા વોટ શેર મળવાની શક્યતા છે. જો બેઠક પ્રમાણે ગણતરી કરીએ તો ૨૦૦ બેઠકો ધરાવતી વિધાનસભામાં કોંગ્રેસ ના ફાળે ૧૧૭થી ૧૨૦ બેઠકો મળે તેમ છે. જ્યારે બીજેપી ને ૭૧થી ૭૭ બેઠકો મળે તેમ છે. આ ઉપરાંત ૬ થી ૯ બેઠકો અન્યો ને ફાળે જાય તેમ છે.
તેલંગાનામાં ટીઆરએસ નિષ્ફળ , કોંગ્રેસ ટીડીપી ની સરકાર બનવાની શક્યતા…?
મોટા રાજ્ય આંધ્રપ્રદેશ નું વિભાજન કરીને નવા બનેલા તેલંગાના રાજ્ય ની વિધાનસભા ચૂંટણીમાં ૭ ડીસેમ્બર ના રોજ મતદાન પછી જે રાજકીય ચિત્ર ઉપસી રહ્યું છે તે જોતા કોંગ્રેસ –ટીડીપી અને સીપીઆઈ ની મિલીજુલી સરકાર બનવાની શક્યતા છે. આ ત્રણ પક્ષો ને મળીને અંદાજે ૬૭ બેઠકો મળે તેમ છે. જેમાં કોંગ્રેસ ને ૪૫થી ૪૮ અને ટીડીપી ને ૧૫થી 17 બેઠકો મળી શકે. બંને પાર્ટીઓ વચ્ચે પ્રિ પોલ જોડાણ હોવાથી બંનેને મળીને ૬૨ થી ૬૫ બેઠકો મળી શકે જે બહુમતિ માટે જરૂરી એવી ૬૦ બેઠકો કરતાં વધારે છે અને જો તેમ થાય તો ટીઆરએસને પાંચ વર્ષ વિરોધ પક્ષની ભૂમિકા નિભાવવાની નોબત આવી શકે છે.
આજે રાજસ્થાન ની સાથે તેલંગાણા માં પણ મતદાનની પ્રકિયા હાથ ધરાઈ હતી. હાલમાં ૧૧૯ બેઠકો ધરાવનાર વિધાનસભામાં ટીઆરએસની સરકાર છે.મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ દ્વારા વહેલી ચૂંટણી યોજવાની ઉતાવળ કરવામાં આવી પરંતુ ફરીથી સરકાર બનાવવાની તેમની આશા સફળ થતી હોય તેમ જણાતું નથી. જે મતોનો ઝુકાવ જોવા મળી રહ્યો છે તેને જોતા એવા નિર્દેશો મળી રહ્યાછે કે કેસીઆર ની કાર હવે તેમના ઘર ભણી વળી ગઈ છે. લાલ બિરાદર ની સાથે ટીડીપી ની સાયકલ બેસીને પંજા ના નેતાઓ સરકાર બનાવવા જી રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળે છે.
લોક ઝુકાવ કે રુઝાન જોવા મળે છે તેના પર વિશ્વાસ રાખીએ તો કોંગ્રેસને ૪૫થી ૪૮ બેઠકો , સાયકલ વાળી પાર્ટી ટીડીપી ને અંદાજે ૧૫થી 17 અને લાલ બિરાદર ને ૨ બેઠકો મળી શકે. અન્ય રાજકીય પક્ષો પર નજર નાંખીએ તો ટીઆરએસ ને ૩૮થી ૪૩ , બસપા ને કામ સે કામ ૧ બેઠક , બીજેપી ને માત્ર ૫ બેઠકો મળી શકે તેમ છે. અકબર ઓવૈસીની પાર્ટી ને ૪ બેઠકો મળી શકે. બીજેપી એ તો કેસીઆર ની સાથે મળીને સરકાર બનાવવાની રણનીતિ બનાવી હતી. અને તેના ભાગ પ્રમાણે મુખ્યમંત્રી કેસીઆર દ્વારા નિયત સમય પહેલા ચૂંટણી યોજવા મંત્રીમંડળની ની બેઠક વહેલી સવારે બોલાવી ને તેમાં વિધાનસભા ભંગ નો ઠરાવ મુક્યો હતો. ચાર રાજ્યોની સાથે તેલંગાના માં પણ ચૂંટણી જલ્દી યોજવા માં ચૂંટણી પંચે પણ સાથ આપ્યો પરંતુ લોકોનો હાલમાં મિજાજ જોતા વહેલી ચૂંટણી ની કેસીઆર ની વાત ગળે ઉતરતી નથી.
૧૧ ડીસેમ્બર ના રોજ મતો ની ગણતરી સાથે એ સ્પષ્ટ થઇ જશે કે કેસીઆર ની કાર કઈ તરફ ફરે છે અને કોંગ્રેસ –ટીડીપી ને કયો જનાદેશ મળ્યો છે. તેલંગાના માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી નો જાદુ કેટલો અને કેવો ચાલ્યો એ પણ નક્કી થઇ જશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.