(જી. એન. એસ) તા. 18
ગાંધીનગર,
ગાંધીનગરના માધવગઢ ગામના રહીશ કિરણભાઈ વાળંદને સ્વામિત્વ યોજના અંતર્ગત મળેલા પ્રોપર્ટી કાર્ડ થકી મળ્યો પોતાની મિલકતનો ખરો હક
ડ્રોન દ્વારા ગ્રામીણ મિલકતોનું સર્વેક્ષણ કરી GIS આધારિત નકશા તૈયાર કરવાની છે આ યોજના
દેશની 60 ટકા વસ્તી ગ્રામીણ વિસ્તારોમાં રહે છે. ગામડાંમાં ઘણા વર્ષોથી વસતા લોકોને જમીની સ્તરે ઘર અને મિલકત હોવા છતાં મોટાભાગના ગ્રામજનો પાસે પોતાના ઘરોના માલિકી હકના દસ્તાવેજો હોતા નથી. ગામમા રહેતા લોકોને આર્થિક રીતે શક્તિશાળી બનાવવા માટે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘Survey of Villages and Mapping with Improvised Technology in Village Areas’ (SVAMITVA) યોજનાની શરૂઆત કરી હતી. આ યોજના અંતર્ગત ગુજરાતમાં ગાંધીનગર જિલ્લાની પાઈલોટ પ્રોજેક્ટ અંતર્ગત પસંદગી કરાઇ છે ત્યારે ગાંધીનગર તાલુકાના માધવગઢ ગામના સ્વામિત્વ યોજનાના લાભાર્થી કિરણભાઈ બકોરભાઈ વાળંદને પ્રોપર્ટીકાર્ડ મળતા ઘણા ખુશ છે. તેઓ જણાવે છે કે ગ્રામીણ સ્તરે મિલકતના પુરાવા હોતા નથી. દરેક ગામમાં આકારણીને આધારે જ જે તે મિલકતની ખરાઈ થતી હોય છે. પ્રોપર્ટી કાર્ડ મળતા પોતાની ખુશી વ્યકત કરતાં તેઓ જણાવે છે કે સ્વામિત્વ યોજનાને લીધે તેમને તેમની મિલકતનું ખરું પ્રમાણ મળ્યું છે. તેઓ વધુમાં જણાવે છે કે મિલકતનું પ્રોપર્ટી કાર્ડ આવવાથી હક દાવો તો મળશે જ પણ બેંક લોન સહિતની નાણાંકીય જરૂરીયાતોમાં સગવડતા પણ મળશે. કિરણભાઈ સરકારનો આભાર માનતા જણાવે છે કે હવે તેઓ ગર્વથી કહી શકે છે કે જે તે જગ્યા અને મિલકત એમની છે.
ઉલ્લેખનીય છે કે આ યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારોની રહેણાંક જમીનનું માપન ડ્રોન ટેક્નોલોજી દ્વારા કરવા માટે ખાનગી મકાનો, છાપરાઓ અને ખુલ્લી જગ્યાઓ પર ચૂનો લગાવવામાં આવે છે. આ જગ્યાઓ પર આવાસીય જમીનની ડ્રોનથી માપણી કરાશે. ડ્રોનથી ગામડાની સરહદની અંદર આવતી દરેક પ્રોપર્ટીનો એક ડિજિટલ નક્શો તૈયાર કરવામાં આવશે. આ સાથે જ રેવન્યૂ બ્લોકની સીમા પણ નક્કી થશે. એટલે કે કયું ઘર કેટલા વિસ્તારમાં છે, તે ડ્રોન ટેક્નોલોજીથી સટીકતાથી માપી શકાશે. ગામડાના દરેક ઘરનું પ્રોપર્ટી કાર્ડ રાજ્ય સરકાર બનાવડાવશે. આ યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૦ થી ૨૦૨૪ દરમિયાન ચાર વર્ષમાં 6 લાખથી વધુ ગામડાઓને કવર કરાશે.
સ્વામિત્વ યોજના હેઠળ ગામડાંમાં વસતા લાખો લોકોને સીધો જ ફાયદો થશે. આ યોજનાથી ચોક્કસ જમીન માપણી થવાથી જમીન રેકોર્ડ સંબંધિત વિવાદો ઓછા થશે. પ્રોપર્ટી કાર્ડનો ઉપયોગ લોન સહાય લેવામાં થઈ શકશે. આ યોજના થકી સંપત્તિની કર આકારણી સરળ બનશે. ડ્રોનના ઉપયોગથી ગ્રામ પંચાયત પાસે હવેથી સચોટ નકશા અને ગામના રેકોર્ડ ઉપલબ્ધ થશે. આ રેકાર્ડનો ઉપયોગ પુનપ્રાપ્તિ, મકાન બાંધકામ માટેની પરવાનગી આપવા, ગેરકાયદેસર વ્યવસાયને દૂર કરવા વગેરે માટે થઇ શકશે. આમ, સ્વામિત્વ યોજના ગ્રામ્યસ્તરે સંપત્તિના રેકોર્ડ નિર્ધારણ માટે સીમાચિહ્નરૂપ સાબિત થશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.