Home ગુજરાત ગુજરાત સેમિકનેક્ટ કોન્ફરન્સ-૨૦૨૫નો ગાંધીનગરમાં પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

ગુજરાત સેમિકનેક્ટ કોન્ફરન્સ-૨૦૨૫નો ગાંધીનગરમાં પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

6
0

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લિડરશીપમાં ગુજરાત સેમિકન્ડક્ટરની ગ્લોબલ ડિમાન્ડ સપ્લાય ચેઈનમાં મહત્વપૂર્ણ ભુમિકા માટે સજ્જ થઈ રહ્યું છે: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

ત્રિ-દિવસીય કોન્ફરન્સમાં દેશ-વિદેશના ૧૫૦૦થી વધુ પ્રતિનિધિઓ- ૨૫૦ જેટલા એક્ઝીબિટર્સ- ૬ કંટ્રી સ્પેસીફિક રાઉન્ડ ટેબલ- ૭ જેટલા પેનલ ડિસ્કસન્સ

(જી.એન.એસ.) તા.5

:મુખ્યમંત્રીશ્રી:

* અવસરોની ભૂમિ ગુજરાતને વિકાસની અસીમ સંભાવનાઓ સાથે હાઈટેક મેન્યુફેક્ચરીંગ રિવોલ્યુશન કેન્દ્ર બનાવવાની નેમ છે.

* ડેડિકેટેડ સેમિકન્ડક્ટર પોલિસીના અમલ સાથે ગુજરાતે ઈલેક્ટ્રોનીક એન્ડ સેમિકન્ડક્ટર સંલગ્ન સ્ટેટ ઓફ ધ આર્ટ ફેસીલીટીઝ વિકસાવી છે.

* કોન્ફરન્સના પ્રારંભે ૮ જેટલા એમ.ઓ.યુ. સંપન્ન થયા

* નેધરલેન્ડના રાજદુત સહિત સેમિકન્ડક્ટર ક્ષેત્રના વૈશ્વિક અગ્રણીઓ કોન્ફરન્સમાં સહભાગી

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, સેમિકન્ડક્ટરની ગ્લોબલ ડિમાન્ડ સપ્લાય ચેઈનનો મહત્વપૂર્ણ હિસ્સો બનવા ગુજરાત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વીઝનરી લીડરશીપમાં સજ્જ થઈ રહ્યુ છે.

આ સંદર્ભમાં તેમણે ઉમેર્યું કે, આધુનિક વિકાસના આ યુગમાં સેમિકન્ડક્ટર વગર કોઈપણ ઔદ્યોગિક વિકાસની કલ્પના કરવી અસંભવ છે. ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ અને સેમિકન્ડક્ટર સાથે સંલગ્ન અનેક સ્ટેટ ઓફ ધ આર્ટ ફેસીલીટીઝ સાથે દેશમાં સેમિકન્ડક્ટર યુનિટ્સની સ્થાપના માટે પહેલી પસંદ બન્યું છે.

મુખ્યમંત્રીશ્રી રાજ્ય સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ આયોજિત ગુજરાત સેમીકનેક્ટ કોન્ફરન્સ-૨૦૨૫ અને પ્રદર્શનીનો ગાંધીનગરમાં પ્રારંભ કરાવતા સંબોધન કરી રહ્યા હતા.

આ ત્રિ-દિવસીય કોન્ફરન્સમાં વિવિધ દેશોના અને ભારતના મળીને ૧૫૦૦થી વધુ પ્રતિનિધિઓ, ૨૫૦થી વધુ એકઝીબિટર્સ સહભાગી થઈ રહ્યા છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની આ કોન્ફરન્સમાં પ્રેરક ઉપસ્થિતિમાં સેમિકન્ડક્ટર અને ફેબ ક્ષેત્રમાં રોકાણો માટેના ૮ એમ.ઓ.યુ., સેમિકન્ડક્ટર સપ્લાય ચેઈન કોમ્પેડીયમનું વિમોચન તેમજ ધોલેરા ખાતે નિર્માણ થનારી હોસ્પિટલ, ઇન્ટરનેશનલ સ્કૂલ અને ફાયર સ્ટેશનના ઈ-ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં સેમિકન્ડક્ટર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ અને ડ્રોન ટેકનોલોજી જેવા ઉભરતા ક્ષેત્રોમાં ભારતની વૈશ્વિક સ્થિતિ દિવસે દિવસે મજબૂત થતી જાય છે.

ગુજરાતે ભારત સરકારની પેટ્રન પર ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ મિશન કાર્યરત કરીને મજબૂત ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ઈકોસિસ્ટમ વિકસાવવી છે તેની પણ ભૂમિકા મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.

તેમણે ઉમેર્યું કે, ગુજરાતે ડેડીકેટેડ સેમિકન્ડક્ટર પોલિસી ૨૦૨૨માં જ અમલી કરી દીધી છે. એટલું જ નહિ, ધોલેરામાં સેમિકન્ડક્ટર ઉદ્યોગોના વિશાળ વિકાસની સંભાવનાઓ ઓળખી લઈને પ્લગ એન્ડ પ્લે ફેસીલીટીઝ સાથે દેશના પહેલા ગ્રીન ફિલ્ડ સ્માર્ટ સિટી તરીકે તેનો વિકાસ શરૂ કર્યો છે તેમ પણ શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં એ.આઈ., મશીન લર્નિંગ અને એનાલીટીક્સ જેવી ટેકનોલોજી અને ઉદ્યોગ તથા સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા ગ્લોબલ કેપેબિલીટી સેન્ટર પોલીસી પણ જાહેર કરવામાં આવી છે તેની વિગતો આપી હતી.

મુખ્યમંત્રીશ્રીએ સેમિકન્ડક્ટર સેક્ટરમાં હાઇટેક મેનપાવર તૈયાર કરવાની દિશામાં ગુજરાત તેજ ગતિએ આગળ વધ્યું છે તેની ભૂમિકા આપતા કહ્યું કે, ટેક્સટાઇલ, ફાર્મા, ડાયમંડ, કેમિકલ એન્ડ પેટ્રોલ કેમિકલ્સ, સીરામીક, રીન્યૂએબલ એનર્જી જેવા ક્ષેત્રમાં ગુજરાત વૈશ્વિક કેન્દ્ર બન્યું છે.

હવે, અવસરોની ભૂમી ગુજરાતને વિકાસની અસીમ સંભાવનાઓ સાથે ઇનોવેશનમાં વૈશ્વિક સહભાગીતાથી હાઈટેક મેન્યુફેક્ચરિંગ રિવોલ્યુશન કેન્દ્ર બનાવવાની નેમ છે એમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ કોન્ફરન્સની સફળતા માટે શુભેચ્છાઓ આપતા એવી અપેક્ષા દર્શાવી હતી કે ત્રિ-દિવસીય કોન્ફરન્સના ચર્ચા સત્રો, પેનલ ડિસ્કશન્સનો નિષ્ક્રર્ષ સેમિકન્ડક્ટર ક્ષેત્રને નવી ઊંચાઈએ લઈ જવાનો માઈલસ્ટોન બનશે.

ભારતમાં નેધરલેન્ડના રાજદૂત શ્રીયુત મારીસા ગેરાર્ડ્સ જણાવ્યું હતું કે, ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતને વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવા કરેલા સંકલ્પને સાકાર કરવામાં સેમિકન્ડક્ટર ક્ષેત્ર ખૂબ જ મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે. સેમિકન્ડક્ટર ક્ષેત્રે રહેલી ક્ષમતાઓને ઉજાગર કરીને ગુજરાતને ભારતનું સેમિકન્ડક્ટર હબ બનાવવાની દિશામાં “ગુજરાત સેમિકનેક્ટ કોન્ફરન્સ” મહત્વપૂર્ણ ફાળો આપશે. ભારતને ટેક્નોલોજી ક્ષેત્રે નવી ઊંચાઇએ લઇ જવામાં સેમિકન્ડક્ટર ક્ષેત્ર ખૂબ જ અગત્યનો ભાગ ભજવી રહ્યું છે.

ભારત અને નેધરલેન્ડ વચ્ચેના સંબંધો વધુ મજબૂત બની રહ્યા છે. ભારત એ નેધરલેન્ડનો સૌથી વિશ્વાસપાત્ર મિત્ર દેશ છે. નેધરલેન્ડ સેમિકન્ડક્ટર ઉત્પાદનનું પાવર હાઉસ છે, જ્યારે ભારત સેમિકન્ડક્ટર ક્ષેત્રે સૌથી ઝડપથી વિકાસ પામનારો દેશ બન્યો છે, તેમાં પણ ગુજરાતની ભૂમિકા ખૂબ જ મહત્વની સાબિત થઇ છે. આ બંને દેશો પ્રતિયોગીતા નહીં, પરંતુ સહભાગીતા સાથે સેમિકન્ડક્ટર ક્ષેત્રે નવી ક્રાંતિ લાવશે, તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

મુખ્ય સચિવ શ્રી પંકજ જોશીએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું કે, છેલ્લા અનેક વર્ષોથી ગુજરાત દેશના મેન્યુફેક્ચરીંગ હબ તરીકે પ્રસ્થાપિત થયેલુ છે. સુદ્રઢ નાણાંકીય વ્યવસ્થાપન, વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોકાણ માટેની શ્રેષ્ઠતમ સુવિધાઓ અને વિવિધ ઔદ્યોગિક પોલિસીઓના પરિણામે આજે ગુજરાત સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ હબ બન્યું છે. ધોલેરા સેમીકોન સીટી તેમજ સાણંદ GIDC સેમિકન્ડક્ટર પેકેજીંગ હબ તરીકે વિકાસ પામી રહ્યું છે.

ધોલેરા SIR ખાતે સેમિકન્ડક્ટર ઉપરાંત દરેક ઉદ્યોગોને જરૂરી તમામ સુવિધાઓ પૂરી પાડવા માટે ગુજરાત સરકારે અનેકવિધ પગલાઓ લીધાં છે. ધોલેરા ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાની માળખાકીય સુવિધાઓ, અવિરત વીજ પુરવઠો, ગેસ પુરવઠો, પાણી પુરવઠો, ધોલેરાને સુદ્રઢ કનેક્ટીવીટી પૂરી પાડતો એક્સપ્રેસ-વે, ભીમનાથ રેલ્વે સ્ટેશન અને ગ્રીનફિલ્ડ એરપોર્ટ નિર્માણ પામી રહ્યું છે. કાર્ગો સુવિધાઓ માટે એરપોર્ટ લગભગ જુલાઈ-૨૦૨૫ સુધીમાં કાર્યરત થશે, તેમ મુખ્ય સચિવશ્રીએ ઉમેર્યું હતું. 

આ પ્રસંગે જેટ્રોના ચેરમેન અને સી.ઈ.ઓ. શ્રી ઇશિગુરો નોરિહિકોએ જણાવ્યું હતું કે, એક વિઝનરી નેતૃત્વ હેઠળ ભારત અને ગુજરાતની સેમિકન્ડક્ટર ઇકોસીસ્ટમ ખૂબ જ ઝડપથી વિકાસ પામી રહી છે.  ગુજરાતની સેમિકન્ડક્ટર  ઇકોસીસ્ટમને વધુ મજબૂત બનાવવામાં અમારી કંપની જેટ્રો પણ મહત્વનું યોગદાન આપશે. આજે ગુજરાતમાં ધોલેરા SIR ખાતે વિકસી રહેલી સેમિકન્ડક્ટર ઉદ્યોગોના પરિણામે, ભવિષ્યમાં ધોલેરા દેશના મહત્વપૂર્ણ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરીંગ સેન્ટર તરીકે ઉભરી આવશે.

વિજ્ઞાન અને પ્રૌધોગિકી વિભાગના અગ્ર સચિવ શ્રી મોના ખંધારે કાર્યક્રમમાં સૌનું શાબ્દિક સ્વાગત કરીને ત્રિ-દિવસીય કોન્ફરન્સના હેતુ, ગુજરાતમાં વિકસી રહેલી સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ અને કોન્ફરન્સમાં બે દિવસ દરમિયાન યોજાનાર વિવિધ સત્રો અંગે વિગતવાર માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે, વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતના નિર્માણ માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં સેમિકન્ડક્ટર પોલીસી જેવી અનેકવિધ પોલિસીઓ અમલમાં આવી છે, જે ગુજરાતને દેશના સેમિકન્ડક્ટર હબ બનાવવામાં મદદરૂપ થશે.

આ કાર્યક્રમમાં સેમિકન્ડક્ટર ઉદ્યોગ ક્ષેત્રે નવીનતા અને સહયોગ ઉપરાંત વૈશ્વિક સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ ઇકોસિસ્ટમ વિશે કેન્સ ટેકનોલોજીના મેનેજીંગ ડિરેક્ટર શ્રી રમેશ કન્નન, જેબિલ ગ્લોબલ બિઝનેશ યુનિટના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ શ્રી મેટ ક્રોલી, ઇન્ફિનીઓન ટેક્નોલોજીસ એશિયા પેસિફિકના મેનેજીંગ ડીરેક્ટર શ્રી સી. એસ. ચુઆ, સીજી સેમી પ્રાઇવેટ લિમીટેડના ચેરમેન શ્રી ગીરીશ ચંદ્ર ચતુર્વેદી, માઈક્રોન ટેક્નોલોજીના સીનીયર વાઈસ પ્રેસિડેન્ટ શ્રી ગુરશરણ સિંઘ, SEMI ગ્લોબલના પ્રેસિડેન્ટ શ્રી અજીત મનોચા તેમજ ઈન્ડીયા સેમિકંડક્ટર મિશનના સિ.ઈ.ઓ. શ્રી સુશીલ પાલે પોતાના વિચારો રજૂ કર્યા હતા. આ ઉપરાંત ટાટા ઇલેક્ટ્રોનિકસના મેનેજીંગ ડીરેક્ટર ડૉ. રણધીર ઠાકુર, PSMCના પ્રેસિડેન્ટ માર્ટીન ચુ તેમજ હિમાક્ષ ટેકનોલોજીસના ડીરેક્ટર શ્રી જોર્ડન વુ દ્વારા પ્રેઝેન્ટેશન રજૂ કરવામાં આવ્યુ હતું.

આ સમારોહમાં મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સલાહકાર શ્રી ડૉ. હસમુખ અઢિયા, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ, ભારત અને ગુજરાત સરકારના ઉચ્ચ અધિકારીશ્રીઓ, વિવિધ દેશોમાંથી પધારેલા ડેલીગેટ્સ ઉપરાંત સેમિકન્ડક્ટર ક્ષેત્રના નિષ્ણાતો, ઉદ્યોગકારો અને રોકાણકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field