(જી.એન.એસ) તા. 5
ગાંધીનગર,
ગુજરાતના પશુપાલકોની આવકને બમણી કરવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારથી જ રાજ્ય સરકાર દ્વારા વિવિધ પશુ કલ્યાણના પગલાઓ હાથ ધરવામાં આવ્યા હતા. રાજ્યના પશુપાલકો વધુ આવક મેળવી આર્થિક સમૃદ્ધતા તરફ આગળ વધે અને સ્વનિર્ભર બને તે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારની નેમ છે.
પશુપાલન મંત્રી શ્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં પશુધન માટેની સુદ્રઢ પશુ આરોગ્ય સેવાઓ, સઘન પશુ રસીકરણ, કૃમિનાશક સારવાર ઝુંબેશ અને રોગ નિયંત્રણ માટે રાજ્ય સરકારે છેલ્લા બે દાયકામાં કરેલી કામગીરીના પરિણામે પશુઓમાં ચેપી રોગચાળામાં ધરખમ ઘટાડો થયો છે. ગુજરાતમાં વર્ષ ૨૦૦૨-૦૩ દરમિયાન પશુઓમાં ૧૬૧ પ્રકારના રોગચાળા નોંધાયા હતા, જેની સામે વર્ષ ૨૦૨૩-૨૪માં માત્ર ૨૯ પ્રકારના પશુ રોગચાળા અને વર્ષ ૨૦૨૪-૨૫ના પ્રથમ ત્રિ-માસિક ગાળામાં માત્ર ૦૪ પ્રકારના પશુ રોગચાળા નોંધાયા છે.
મંત્રીશ્રીએ વિગતવાર માહિતી આપતા ઉમેર્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકારની ૧૦૦ ટકા સહાયથી રાજ્યમાં “નેશનલ એનિમલ ડીસીઝ કંટ્રોલ પ્રોગ્રામ” અમલમાં છે. આ પ્રોગ્રામ અંતર્ગત સમગ્ર વર્ષ દરમિયાન રાજ્યના પશુઓને ખરવા-મોવાસા, બૃસેલ્લોસિસ (ચેપી ગર્ભપાત), લમ્પી સ્કીન ડીસીઝ, ગળસૂંઢો અને ઘેટાં બકરાંમાં પી.પી.આર જેવા રોગ સામે રસીકરણ કરી રક્ષિત કરવામાં આવે છે.
મંત્રી શ્રી પટેલે જણાવ્યું હતું કે, નેશનલ એનિમલ ડીસીઝ કંટ્રોલ પ્રોગ્રામના ભાગરૂપે ગુજરાતમાં ચોથા રાઉન્ડ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ ૧૫૪ લાખ પશુઓને ખરવા-મોવાસા રસીકરણ હેઠળ આવરી લેવામાં આવ્યા છે. ખરવા-મોવાસા ઉપરાંત રાજ્યમાં બૃસેલ્લોસિસ રોગ (ચેપી ગર્ભપાત) સામે પણ રસીકરણની કામગીરીના બે રાઉન્ડ પૂર્ણ થયા છે. બૃસેલ્લોસિસ રસીકરણના ત્રીજા રાઉન્ડની રસીકરણની કામગીરી માટે ભારત સરકાર દ્વારા ૭.૫૬ લાખ રસીના ડોઝ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા. જેની સામે રાજ્યમાં આજદિન સુધીમાં કુલ ૫.૫૩ લાખ પશુઓમાં રસીકરણ પૂર્ણ થયું છે. ભારત સરકારના પી.પી.આર. રસીકરણ કાર્યક્રમ અંતર્ગત છેલ્લા ૬ માસમાં કુલ ૪૪ લાખ ઘેટાં-બકરાંનું પણ રસીકરણ કરી પી.પી.આર. રોગ સામે રક્ષિત કરવામાં આવ્યા છે.
મંત્રીશ્રીએ કહ્યું હતું કે, પશુ રોગોના નિયંત્રણ માટે રાજ્યોને સહાય આપવાની યોજના હેઠળ ગુજરાતના ૬૨ લાખ પશુઓનું લમ્પી સ્કીન ડીસીઝ સામે રસીકરણ કરવામાં આવ્યું છે. સાથો સાથ ગળસૂંઢો જેવા જીવલેણ ચેપી રોગ સામે પશુઓમાં રસીકરણ માટે રાજ્ય સરકારે આયોજન કર્યું છે. રાજ્યવ્યાપી અભિયાનના ભાગરૂપે પશુધનને કૃમિનાશક સારવાર હેઠળ વર્ષ ૨૦૨૪-૨૫માં અત્યાર સુધીમાં ૮૮.૭૫ લાખ મોટા પશુઓને આવરી લેવામાં આવ્યા છે.
આ ઉપરાંત ઈયર ટેગીંગ દ્વારા પશુધનને આગવી ઓળખ આપવાની કામગીરીમાં ગુજરાત રાજ્ય અવ્વલ છે. અત્યાર સુધીમાં ૨૪૬ લાખ મોટા પશુઓ અને ૧૧ લાખ ઘેટાં-બકરા મળીને કુલ ૨૫૭ લાખ પશુઓનું ઈયર ટેગિંગ કરીને તેમને ઓળખ આપવામાં આવી છે. સાથે જ ગત ૬ મહિના દરમિયાન રાજ્યના ૩ લાખથી વધુ પશુઓની તેમજ ઘેટા બકરાના ટોળાની ભારત પશુધન પોર્ટલ પર નોંધણી કરવામાં આવી છે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં પશુઓની દૂધ ઉત્પાદકતા વધારીને પશુપાલન અને ડેરી ઉદ્યોગને વેગ આપવા પશુઓની આરોગ્ય સલામતી માટેના વિવિધ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. પશુપાલકોને તેમના ઘર આંગણે વિનામૂલ્યે પશુ સારવારની સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે રાજ્ય સરકાર દ્વારા પશુ દવાખાના ઉપરાંત ફરતા પશુ દવાખાનાની માળખાકીય સવલતોમાં ઉતરોત્તર વધારો કરવામાં આવી રહ્યો છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.