Home ગુજરાત ગાંધીનગર ગુજરાત વિધાનસભામાં નશાબંધી સુધારા વિધેયક સર્વાનુમતે પસાર

ગુજરાત વિધાનસભામાં નશાબંધી સુધારા વિધેયક સર્વાનુમતે પસાર

16
0

દારૂની હેરાફેરીમાં પકડાયેલા વાહનોની હરાજી કરીને તે નાણાનો ઉપયોગ ગરીબ-મધ્યમ પરિવારોને અપાતા યોજનાકિય લાભો પાછળ કરાશે

(જી.એન.એસ) ગાંધીનગર,તા.૨૨

દેશના તમામ જૂના કાયદાઓનું સર્વગ્રાહી મૂલ્યાંકન કરવામાં આવે અને સમયની માંગ સાથે સમાજહિતને કેન્દ્રમાં રાખીને કાયદામાં જરૂરી ફેરફારો કરવામાં આવે તેવો વિચાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વ્યક્ત કર્યો છે. જે અનુસંધાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં દારૂબંધીના કાયદામાં પોલીસ પ્રક્રિયા સરળ કરવા અને ગુનેગારોને અંકુશમાં રાખવા ઉપરાંત દારૂની હેરફેર કરતા વાહનો બીજી વાર ઉપયોગમાં ન થાય અને રાષ્ટ્રીય સંપતિ પોલીસ સ્ટેશનમાં પડી પડી ભંગાર ન થાય તે મુખ્ય હેતુ સાથે નશાબંધી અધિનિયમમાં આ સુધારો તૈયાર કરવામાં આવ્યો છે.  હર્ષ સંઘવીએ કહ્યું કે, આ પ્રકારના વાહનોની હરાજી કરીને તેના નાણાનો ઉપયોગ સમાજ હિત- સરકારી યોજનાઓ પાછળ કરનારુ ગુજરાત સમગ્ર દેશનું પ્રથમ રાજ્ય બનશે. રાજ્યમાં કરોડો રૂપિયાના વાહનો ભંગાર થઈ જાય છે તેનું સૌથી વધુ નુકશાન દેશને થઈ રહ્યું છે. આવા ભંગાર થયેલા વાહનોની હરાજી બાદ જો‌ કોઈ વ્યક્તિ નામદાર કોર્ટમાંથી નિર્દોષ સાબિત થાય, તેનું વાહન હરાજીમાં વેચાઈ ગયું હોય તો જે તે માલિકને હરાજીમાં મળેલી રકમ વ્યાજ સાથે પરત આપવામાં આવશે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ જ્યારે ગુજરાતના ગૃહરાજ્યમંત્રી હતા, ત્યારથી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ છેલ્લા ૨૫ વર્ષથી રાજ્ય સરકારે વખતો-વખત જૂના પણ પ્રવર્તમાન કાયદામાં ફેરફારો કરીને લીગલ ફ્રેમવર્ક વધુ મજબૂત બનાવ્યું છે. તાજેતરમાં લેન્ડ ગ્રેબીંગ અને ગુજસીટોક જેવા કાયદાઓ લાવીને ગુનેગારો ગુનો કરતાં પહેલા ડરે તેવો માહોલ ઉભો કર્યો છે. અદાલતમાં પણ કેસો સાબિત થાય અને ગુનેગારોને કાયદાનુસારની કડકમાં કડક સજા થાય તે માટે ગુના સાબિતીના દરમાં ૩૦% જેટલા સુધારાને લક્ષ્ય બનાવીને કન્વિકશન ઇમ્પ્રુવમેન્ટ પ્લાન અને ડિરેક્ટર ઓફ પ્રોસિક્યુશન જેવી વ્યવસ્થાઓ અમલમાં મૂકવામાં આવી છે.  ગુજરાત એક એવું રાજ્ય છે કે જેની એક બોર્ડરે મધ્યપ્રદેશ, બીજી બાજુ રાજસ્થાન અને ત્રીજી બાજુ મહારાષ્ટ્ર છે. દીવ જેવા કેન્દ્રસાશિત શાસિત પ્રદેશો છે. અને આ બધા રાજ્યોની અંદર નશાબંધીની નીતિ નથી. ગુજરાત નશાબંધીની નીતિને વરેલું છે તેવા સંજોગોમાં આટલી વિશાળ સરહદ સાથે જોડાયેલા અન્ય રાજ્યોમાંથી પણ ગુજરાતની સરહદમાં દારુ ન પ્રવેશે એ માટે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. દારૂની હેરફેર વાહન વગર શક્ય નથી. મોટા ભાગના કિસ્સામાં પોલીસ દ્વારા જે દારૂ પકડવામાં આવ્યો હોય તે દારૂના જથ્થાની કિંમતથી અનેક ગણી વધુ કિંમત તે વાહનની હોય છે. જો આ વાહન છૂટી જાય તો તેનો ફરી વખત ગુનામાં ઉપયોગ થવાની શક્યતા રહેલી હોય છે. દારૂની હેરફેરના કેસોમાં છેલ્લા બે વર્ષમાં પોલીસ દ્વારા ૨૨,૪૪૨ વાહનો જપ્ત કરવામાં આવ્યા છે અને તે પૈકી આશરે ૭૨૧૩ વાહનો પોલીસ સ્ટેશન ખાતે હજુ પડતર છે. આ પ્રકારની વાહનોની હરાજી કરવાની સત્તા DySP કક્ષાના અધિકારીને સોંપવામાં આવી છે. મંત્રીએ ગૃહમાં વધુમાં જણાવ્યું કે, આજની સ્થિતિએ ગુજરાતમાં અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં આ પ્રકારના ગુનાઓમાં ૩૦૦ જેટલી લકઝુરીયસ કાર જપ્ત થયેલી પડી છે. આ કાયદામાં સુધારો થવાથી આ કારની હરાજીમાં કરોડોની રકમ પ્રાપ્ત થશે જે હજારો ગરીબ પરિવારો પાછળ ઉપયોગમાં લેવાશે. લાંબા સમય બાદ કોર્ટના આખરી ચુકાદા બાદ વાહન પરત કરવાનો હુકમ થયા બાદ પણ વાહન માલિક વાહન છોડાવવા આવતા નથી કારણ કે, લાંબા સમય બાદ વાહનની હાલત ખુબ જ બિસ્માર થઇ ગઇ હોય છે જેથી માલિકને તે છોડાવવામાં કોઈ રસ રહેતો નથી અને તેથી પણ પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડમાં જપ્ત કરેલા વાહનોનો ભરાવો ઓછો થતો નથી. વાહનો લાંબા સમય સુધી બંધ હાલતમાં બિનઉપયોગ સ્થિતિમાં પડ્યા રહેતા હોઈ વાહનો ખરાબ થઇ જવાથી વાહનોની વેલ્યુમાં સતત ઘટાડો થતો હોય છે. ઉપરાંત જપ્ત કરેલ વાહનોની જાળવણીનાં તેમજ જપ્ત કરાયેલ વાહનો રાખવા માટે જગ્યાનો પણ પ્રશ્ન ઉદભવે છે.  આ પરિસ્થિતિ નિવારવા સમય મર્યાદામાં મોટી સંખ્યામાં જપ્ત કરેલ વાહનોનો યોગ્ય અને ઝડપી નિકાલ કરવો જરૂરી છે. આ તમામ મુદ્દાઓને ધ્યાને લઇ પ્રવર્તમાન નિયમમાં સુધારો કરવો ખુબ જ જરૂરી અને અનિવાર્ય હોઈ આ બિલ લાવવામાં આવ્યુ છે. આ કાયદો ૨૦ લીટરથી વધારે દારુ પકડાય તેવા વાહનો માટે છે. નાના માણસોને કોઈપણ જાતનું કોઈ નુકશાન કે હેરાનગતિ ન થાય તે બાબતે સરકાર સંપૂર્ણ સંવેદનશીલ છે. દારૂના મોટા પાયે વેપાર કરતા બુટલેગરોના વાહનો જપ્ત કરીને તેની હરાજી કરી આ રકમનો ઉપયોગ નાગરિકોને અપાતા યોજનાકિય લાભોમાં કરવા આ બિલ લાવવામાં આવ્યુ છે. હાલ રાજયમાં ગૌવંશના હેરફેરના કાયદા માટે વાહનોની હરાજી કરવાની જોગવાઈ છે. તેમાં વાહનોની હરાજી કેવી રીતે કરવી તેની માર્ગદર્શિકા છે. આ માર્ગદર્શિકા અને અન્ય મુદ્દાઓ ધ્યાને લઈને આના માટે નવા નિયમો બનાવવામાં આવશે. ગુજરાત નશાબંધી (સુધારા) વિધેયક વિધાનસભા ગૃહમાં પસાર કરવામાં આવ્યુ હતું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરાજકોટ, દ્વારકા અને જામનગર હાર્ટ એટેકનાં બનાવ
Next articleસર્વોટેક પાવર સિસ્ટમ્સ કેરળ સરકાર માટે 12 EV ચાર્જિંગ સ્ટેશન સ્થાપશે