Home ગુજરાત ગાંધીનગર ગુજરાતમાં PM જન-ધન યોજના હેઠળ લાભાર્થીઓની સંખ્યા 1.87 કરોડને પાર, 1 કરોડ...

ગુજરાતમાં PM જન-ધન યોજના હેઠળ લાભાર્થીઓની સંખ્યા 1.87 કરોડને પાર, 1 કરોડ 41 લાખથી વધુ RuPay કાર્ડ જારી કરવામાં આવ્યા

13
0

દેશના કુલ 53.13 કરોડ જન-ધન ખાતાઓમાં ₹2,31,235 કરોડથી પણ વધારે બેલેન્સ, અસંખ્ય લોકોને મૂળભૂત નાણાકીય સેવાઓ મળી

PMJDY હેઠળ 11.59 લાખ બૅન્કમિત્ર દેશમાં સરળ અને સુલભ બૅન્કિંગ સર્વિસ પહોંચાડી રહ્યા છે

(જી.એન.એસ) ગાંધીનગર,તા.૩૧

ભારતના લોકોની સુખાકારીમાં વધારો થાય એ ઉદ્દેશથી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે અનેક વિકાસલક્ષી યોજનાઓ અમલમાં મૂકી છે. આવી જ એક મહત્વપૂર્ણ યોજના 10 વર્ષ પહેલાં આપણા દૂરંદેશી વડાપ્રધાન શ્રી દ્વારા શરુ કરવામાં આવી હતી જેણે દેશના લોકોને સશક્ત બનાવવામાં સીમાચિહ્નરૂપ ફાળો આપ્યો છે. આ યોજના એટલે પ્રધાનમંત્રી જન-ધન યોજના. છેલ્લા દસ વર્ષમાં નાણાકીય સમાવેશના આ રાષ્ટ્રીય મિશનનું અભૂતપૂર્વ પરિણામ જોવા મળ્યું છે અને હાલ 53 કરોડથી પણ વધુ લોકો મૂળભૂત નાણાકીય સેવાઓનો લાભ લઈ રહ્યા છે. ગુજરાતમાં પ્રધાનમંત્રી જન-ધન યોજના હેઠળ લાભાર્થીઓની સંખ્યા 1.87 કરોડને પાર થઈ ગઈ છે અને ખાતાઓમાં ₹9,681 કરોડથી પણ વધારે બેલેન્સ નોંધાયું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર આ યોજનાનો લાભ ગુજરાતના વધુને વધુ નાગરિકો સુધી પહોંચે એવા સતત પ્રયાસ કરી રહી છે.

PM જન-ધન યોજના હેઠળ લાભાર્થીઓની સંખ્યા 10 વર્ષમાં 53 કરોડને પાર

28 ઓગસ્ટ, 2014ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારે દેશના તમામ લોકોને મૂળભૂત નાણાકીય સેવાઓ જેવી કે બૅન્ક ખાતા, ઉધાર, ચૂકવણીઓ, બચત અને થાપણો, ક્રેડિટ, વીમા અને પેન્શન વગેરે સરળતાથી મળી રહે તેવા ઉદ્દેશથી પ્રધાનમંત્રી જન ધન યોજના શરૂ કરી હતી. આ મહત્વાકાંક્ષી યોજના હેઠળ ખોલવામાં આવેલા ખાતાઓની સંખ્યા 10 વર્ષમાં 53 કરોડને પાર થઈ ગઈ છે. મહત્વની વાત એ છે કે આમાંથી અડધાથી વધુ ખાતા દેશની નારી શક્તિના છે. દેશના કુલ જન-ધન ખાતાઓમાં હવે કુલ બેલેન્સ ₹2,31,235 કરોડ થઈ ગયું છે. આ યોજના હેઠળ 11.59 લાખ બૅન્કમિત્ર દ્વારા દેશમાં બ્રાંચલેસ બૅન્કિંગ સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે.

પીએમ જન-ધન: વિશ્વની સૌથી મોટી નાણાકીય સમાવેશની પહેલ

પ્રધાનમંત્રી જન-ધન યોજના વિશ્વની સૌથી મોટી નાણાકીય સમાવેશની પહેલ બની ગઈ છે. આ યોજનાના કારણે અસંખ્ય લોકો માટે બૅન્કની સુવિધા સુલભ બની છે. ખાસ તો, ગરીબ લોકોને સસ્તા દરે રેમિટન્સ, ક્રેડિટ, વીમો, પેન્શન, બૅન્કિંગ, સેવિંગ્સ અને ડિપોઝિટ અકાઉન્ટ્સ સહિતની વિવિધ નાણાકીય સેવાઓ ઉપલબ્ધ બની છે.

ગુજરાતમાં 1.87 કરોડથી વધુ જન-ધન ખાતાઓ ખૂલ્યા

ગુજરાતમાં પ્રધાનમંત્રી જન-ધન યોજના અંતર્ગત લાભાર્થીઓની સંખ્યા 1.87 કરોડથી પણ વધી ગઈ છે. ગ્રામીણ/સેમી-અર્બન સેન્ટરની બૅન્ક શાખાઓમાં લાભાર્થીઓની સંખ્યા 1,12,35,605 છે, જ્યારે શહેરી/મેટ્રો સેન્ટરની બૅન્ક શાખાઓમાં આ સંખ્યા 75,28,872 છે. એટલે કે રાજ્યમાં આ યોજનાના કુલ 1,87,64,477 લાભાર્થીઓ છે. આ લાભાર્થીઓના ખાતામાં ₹9,681 કરોડથી પણ વધારે બેલેન્સ છે અને આ યોજના હેઠળ 1,41,91,805 RuPay કાર્ડ જારી કરવામાં આવ્યા છે.

પ્રધાનમંત્રી જન-ધન યોજના હેઠળ કોણ ખાતું ખોલાવી શકે છે?

પ્રધાનમંત્રી જન-ધન યોજના હેઠળ ભારતમાં રહેતો કોઈપણ નાગરિક, જેની ઉંમર 10 વર્ષ કે તેથી વધારે છે તેઓ જન-ધન ખાતું ખોલાવી શકે છે. જન-ધન ખાતું સાર્વજનિક ક્ષેત્રની બૅન્કો ઉપરાંત ખાનગી બૅન્કમાં પણ ખોલી શકાય છે. જો વ્યક્તિ પાસે બીજું કોઈ બચત ખાતું હોય તો તેને જન-ધન ખાતામાં કન્વર્ટ પણ કરી શકાય છે. જન-ધન ખાતું ખોલવા માટે KYC હેઠળ દસ્તાવેજની ચકાસણી કરવામાં આવે છે. આ સ્કીમ હેઠળ જે વ્યક્તિ પાસે કોઈ અન્ય અકાઉન્ટ ન હોય તેઓ બેઝિક સેવિંગ્સ બૅન્ક ડિપોઝિટ (BSBD) ખાતું કોઈપણ બૅન્ક શાખા અથવા બિઝનેસ કોરસ્પોન્ડન્ટ (બૅન્ક મિત્ર) આઉટલેટમાં ઝીરો બેલેન્સ સાથે ખોલાવી શકે છે. જો ખાતાધારકને ચેકબુકની જરૂર હોય, તો તેણે લઘુત્તમ બેલેન્સ સંબંધિત શરતોને પૂર્ણ કરવાની હોય છે.

પીએમ જન-ધન યોજના હેઠળ ખાતું ખોલવાના લાભો

PM જન-ધન ખાતાઓમાં લઘુત્તમ બેલેન્સ જાળવવાની કોઈ આવશ્યકતા નથી. યોજના હેઠળ ખાતાઓમાં જમા રકમ પર વ્યાજ મળે છે અને લાભાર્થીઓને RuPay ડેબિટ કાર્ડ પણ આપવામાં આવે છે. આ RuPay કાર્ડ સાથે ₹1 લાખનું અકસ્માત વીમા કવર (28.8.2018 પછી ખોલવામાં આવેલા નવા જન-ધન ખાતા માટે ₹2 લાખ) ઉપલબ્ધ છે. પાત્ર ખાતા ધારકોને ₹10,000 સુધીની ઓવરડ્રાફ્ટ (OD) સુવિધા ઉપલબ્ધ છે. આ ઉપરાંત, PM જન-ધન યોજના હેઠળ ખાતાઓ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT), પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY), પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY), અટલ પેન્શન યોજના (APY), માઇક્રો યુનિટ્સ ડેવલપમેન્ટ એન્ડ રિફાઇનાન્સ એજન્સી બૅન્ક (MUDRA) યોજના માટે પાત્ર છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ લોકોના જીવનમાં પીએમ જન-ધન યોજનાના યોગદાન વિશે એક વખત જણાવ્યું હતું કે, આ એક એવી પહેલ છે જેણે ભારતના વિકાસના માર્ગને કાયમ માટે પરિવર્તિત કર્યો છે. આ યોજનાએ અસંખ્ય ભારતીયો માટે નાણાકીય સમાવેશ અને ગૌરવપૂર્ણ જીવન તેમજ સશક્તિકરણને સુનિશ્ચિત કર્યું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભાજપના મહિલા મોરચાના મહામંત્રી ચાર્મી પટેલની પાણીવાળી રીલ્સ સોશિયલ મીડિયામાં વાયરલ
Next articleરાજ્યમાં વરસાદનો વિરામ; છેલ્લા ૨૪ કલાક દરમિયાન સમગ્ર રાજ્યનો સરેરાશ વરસાદ માત્ર ૧.૩૬ એમ.એમ.