(જી.એન.એસ) તા. 7
જુનાગઢ/પાવાગઢ,
૨.૩ કિલોમીટર લાંબો ગિરનાર રોપ-વે વિશ્વના સૌથી લાંબા રોપ-વેમાંથી એક
ચાર વર્ષમાં ૩૦ લાખથી વધુ પ્રવાસીઓએ ગિરનાર રોપ-વેની સુવિધાનો લાભ લીધો
રાજ્યમાં ગિરનાર, પાવાગઢ અને અંબાજી ખાતે યાત્રાળુઓ ઉડનખટોલાની સુવિધા ઉપલબ્ધ
દેશ-વિદેશના પ્રવાસીઓ માટે ગુજરાત હંમેશા આકષર્ણનું કેન્દ્ર રહ્યું છે. રાજ્યમાં ગિરનાર,પાવાગઢ અને અંબાજી ખાતે પર્વતો પર આવેલા યાત્રાધામો સુધી પહોંચવા ગત વર્ષે ૪૭.૬૪ લાખથી વધુ યાત્રાળુઓએ સલામત રીતે ઉડનખટોલાનો આંનદ માણ્યો છે,જેમાં જાન્યુઆરીથી
ડિસેમ્બર-૨૦૨૪ દરમિયાન, પાવાગઢમાં ૨૪.૪૭ લાખથી વધુ પ્રવાસીઓએ, ગિરનારમાં ૭.૫૭ લાખથી વધુ જ્યારે અંબાજી રોપ-વેનો ૧૫.૫૯ લાખથી વધુ એમ કુલ ૪૭.૬૪ લાખથી વધુ યાત્રાળુઓએ રોપ-વેની સેવાનો લાભ લીધો છે. જે ગુજરાતના યાત્રાધામો અને પ્રવાસન સ્થળોની લોકપ્રિયતા દર્શાવે છે. આ યાત્રાળુઓના આગમનથી આ વિસ્તારના યુવાઓને સારા પ્રમાણમાં રોજગારી પણ ઉપલબ્ધ થઇ રહી છે.
ગુજરાતના ઐતિહાસિક શહેર જૂનાગઢમાં આવેલો ગિરનાર રોપ-વે એન્જિનિયરિંગનો એક અસાધારણ પરાક્રમ સાથે જ આધ્યાત્મિકતા અને કુદરતી વૈભવનો પ્રવેશદ્વાર છે.૨.૩ કિલોમીટર લાંબો આ રોપ-વે વિશ્વના સૌથી લાંબા રોપ-વેમાંથી એક છે, જે ગિરનાર પર્વતોની જમીનથી ૩,૬૬૦ ફૂટની ઊંચાઈએ આવેલા પવિત્ર માં અંબાજીના મંદિર સાથે જોડે છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ઓક્ટોબર ૨૦૨૦માં આ રોપ-વેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ચાર વર્ષ દરમિયાન ૩૦ લાખથી વધુ મુલાકાતીઓએ રોપ-વેની આ સેવાનો આનંદ માણી સલામત,અનુકૂળ અને અવિસ્મરણીય મુસાફરીનો અનુભવ કર્યો છે. રોપ-વેના ૩૧ આધુનિક કેબિન પ્રતિ કલાક ૧,૦૦૦ મુસાફરોનું પરિવહન કરે છે,જેમાં ૦૯ મિનિટની આ આકર્ષક રાઈડ ભવ્ય ગિરનાર પર્વતોના મનોહર દૃશ્યો દર્શાવે છે.
ગિરનાર પર્વતો અનેક પવિત્ર મંદિરોનું નિવાસસ્થાન છે. જેમાં ગુરુ દત્તાત્રેય મંદિર, ગોરખનાથ મંદિર અને ઐતિહાસિક જૈન મંદિરોનો સમાવેશ થાય છે. રોપ-વે પાયાથી ૫,૦૦૦ પગથિયાં ઉપર સ્થિતમાં અંબાજી મંદિર સુધી યાત્રાળુઓને સરળતાથી પહોંચવાની સુવિધા આપે છે,જેનાથી મુશ્કેલ ચઢાણની દુવિધા દૂર થાય છે અને તે યાત્રાળુઓ અને પ્રવાસીઓ બંને માટે એક આદર્શ પસંદગી બન્યું છે. ચોમાસાની ઋતુમાં મુલાકાતીઓ ગિરનારના પર્વતો પર ફરવાનો વધારે આનંદ માણે છે,જ્યાં વાદળો પરિભ્રમણ કરે છે અને પ્રકૃતિનું મનોહર સૌંદર્ય જોવા મળે છે. આ સાથે જ નવરાત્રી, જન્માષ્ટમી અને શ્રાવણ માસમાં પણ ગિરનારમાં યાત્રાળુઓનો વધુ ધસારો જોવા મળે છે. સોમનાથ મંદિર અને ગીર સિંહ અભયારણ્યની નિકટતા તેને સંપૂર્ણ સાંસ્કૃતિક અને કુદરતી અનુભવ મેળવવા માંગતા પ્રવાસીઓ વચ્ચે આ સ્થળ વધારે લોકપ્રિય બન્યું છે.
વધુમાં ગિરનાર,પાવાગઢ અને અંબાજી રોપ-વે દરેકમાં વેઇટિંગ હોલ,ફૂડ કોર્ટ, ફેમિલી એન્ટરટેનમેન્ટ સેન્ટર, ફર્સ્ટ એઈડ સર્વિસ, વ્હીલચેર, લોકર,પીવાનું પાણી,શૌચાલય અને માતૃ સંભાળ કક્ષ જેવી વિવિધ અનેક સુવિધાઓ ઉપલબ્ધ છે. ગિરનાર રોપ-વે સવારે ૦૭ થી સાંજે ૦૫ કલાક સુધી,પાવાગઢ રોપ-વે સવારે ૦૬ થી સાંજે ૦૫:૪૫ કલાક સુધી જ્યારે અંબાજી રોપ-વે સવારે ૦૭ થી સાંજે ૦૬ કલાક સુધી યાત્રીઓ માટે ચાલુ રહે છે. યાત્રીઓને સાંસ્કૃતિક અનુભવ થાય તે માટે ડિસેમ્બરથી માર્ચ દરમિયાનનો સમય શ્રેષ્ઠ હોય છે. આ સમયગાળા દરમિયાન વિદ્યાર્થીઓને ટિકિટ્સ પર ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવે છે.
આ અંગે વધુ માહિતી માટે customercare@ushabreco.com પર ઈમેલ અથવા ટોલ ફ્રી નંબર ૧૮૦૦-૨૦૨-૪૦૫૦ પર સંપર્ક કરી શકાશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.