Home ગુજરાત ગાંધીનગર ગુજરાતમાં ચોમાસા દરમિયાન કોઈપણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે તૈયાર રહેવા...

ગુજરાતમાં ચોમાસા દરમિયાન કોઈપણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે તૈયાર રહેવા વહીવટીતંત્રને જરૂરી સૂચનો કરતાં મુખ્ય સચિવ શ્રી રાજકુમાર

28
0

(જી.એન.એસ) તા. 20

ગાંધીનગર,

ચોમાસા દરમિયાન સંભવિત કુદરતી આપત્તિ સામે ગુજરાતનું વહિવટીતંત્ર સંપૂર્ણ સુસજ્જ, રાજ્યમાં એનડીઆરએફ ની ૧૫ તેમજ એસડીઆરએફ ની ૧૧ કંપની તૈયાર 

મુખ્ય સચિવ શ્રી રાજકુમારે રાજ્યના તમામ વિભાગો અને કેન્દ્રીય સુરક્ષા એજન્‍સીઓ, લશ્‍કરની ત્રણેય પાંખના પ્રતિનિધિઓ, કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો સહિત વહિવટી તંત્રના તમામ અધિકારીશ્રીઓ સાથે આજે ગાંધીનગર ખાતે બેઠક યોજી ચોમાસા દરમિયાન સંભવિત આપત્તિના સામના માટેના આગોતરા આયોજન અને સજ્જતાની સમીક્ષા કરી હતી.

મુખ્ય સચિવશ્રીએ કહ્યું હતું કે, આપત્તિ વ્યવસ્થાપનના ભાગરૂપે રાજ્યના ગ્રામીણ  વિસ્તારમાં આપદા મિત્રોને તાલીમ આપી સજ્જ કરાશે. ભૂતકાળમાં જે વિસ્તારમાં વધુ વરસાદ થયો હોય તેવા વિસ્તારોની પણ અત્યારથી સમીક્ષા કરીને આગામી ચોમાસા માટે જરૂરી તૈયારીઓ કરી લેવી જોઈએ જેથી અગમચેતીના ભાગરૂપે નુકસાન અટકાવી શકાય. શહેરી વિસ્તારોમાં જૂના-જોખમી મકાનોની સ્થળ તપાસ કરાવી અત્યારથી જ તેને ખાલી કરાવવા જોઈએ જેથી જાનહાની ટાળી શકાય. ચોમાસાની તૈયારી સંદર્ભે વિવિધ સ્થળે મોકડ્રીલ યોજવા તેમજ ચોમાસા દરમિયાન સરદાર સરોવર, ઉકાઈ સહિતના ડેમોમાં પાણીની સ્થિતિ અંગે અગાઉથી વિગતો મેળવવા તેમણે વહીવટીતંત્રને સૂચનાઓ આપી હતી.

  ગાંધીનગર ખાતે યોજાયેલી ‘‘પ્રિ મોનસુન પ્રિપેર્ડનેસ’’ અંગેની બેઠકના અઘ્યક્ષસ્થાનેથી મુખ્ય સચિવશ્રીએ જણાવ્યું હતું કે, સંભવિત આપત્તિના સામના માટેની જેટલી આગોતરી સજ્જતા કેળવાય તેટલી ઝડપથી આપણે રાહત-બચાવની કામગીરી કરી શકીશું જેથી ઓછામાં ઓછું નૂકસાન થાય તેવી સ્થિતિનું નિર્માણ થઇ શકશે. તેમણે તમામ વિભાગોને આપત્તિ વ્યવસ્થા૫ન પ્લાન જરૂરી ફેરફાર સાથે તૈયાર રાખવા જણાવી, રાજ્ય વહિવટી તંત્ર, કેન્દ્ર સરકારની કચેરીઓ, સુરક્ષા એજન્સીઓ વચ્ચે અસરકારક સંકલન રાખવા પર પણ ભાર મૂક્યો હતો. વધુમાં, તેમણે રાજ્યમાં આવેલા શેલ્ટરહોમમાં સુવિધાઓ ચકાસવા તેમજ તાલુકા સ્તરેથી તાલુકા-ગામડાઓ વચ્ચે માહિતીનું આદાન-પ્રદાન યોગ્ય થાય તે અંગે તંત્રને તાકીદ કરી હતી.

તેમણે ઉમેર્યું કે, સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજ્યમાં એનડીઆરએફ ની ૧૫ તેમજ એસડીઆરએફ ની ૧૧ ટીમો ઉપલબ્ધ રહેશે જેને જરૂરિયાત પ્રમાણે તહેનાત કરી શકાશે. આ ટીમો પૂરતી બોટ, લાઈફ જેકેટ તથા અદ્યતન કમ્યુનિકેશનની સુવિધાઓથી સજ્જ હશે.

કેન્દ્રીય હવામાન વિભાગના અધિકારીએ આગામી ચોમાસાની વિસ્તૃત માહિતી આપતા કહ્યું હતું કે,સંભવિત તા. ૩૧ મે-૨૦૨૪ની આસપાસ કેરળ ખાતે ચોમાસાનું આગમન થશે જેથી આ વર્ષે ગુજરાતમાં દર વર્ષ કરતાં વહેલું ચોમાસું આવવાની શક્યતા છે. હવામાન ખાતા દ્વારા આગામી સમયમાં દર સપ્તાહે વરસાદ વિશે જરૂરી વિગતો આપવામાં આવશે.

  સમીક્ષા બેઠકમાં રાજ્યના સબંધિત વિભાગો જેવા કે, ગૃહ, સિંચાઈ, પાણી-નાગરિક પુરવઠા, આરોગ્ય, જીએસડીએમએ, સરદાર સરોવર, માર્ગ અને મકાન, બંદરો અને વાહન વ્યવહાર, વન, કૃષિ અને પશુપાલન તેમજ કેન્દ્રીય સુરક્ષાદળો દ્વારા ચોમાસાની તૈયારી સંદર્ભે  સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-એસઈઓસી ના સંકલનમાં વિગતવાર પ્રેઝન્ટેશન રજૂ કરાયા હતા.

આ બેઠકમાં વિવિધ વિભાગોના ઉચ્ચ સનદી અધિકારીઓ, માહિતી, ઇસરો, સેનાની ત્રણેય પાંખના અધિકારીઓ, બીએસએફ, કોસ્ટ ગાર્ડ, એનડીઆરએફ, દૂરદર્શન, ઓલ ઇન્ડિયા રેડિયો, ભારતીય રેલવે તથા વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleબનાસકાંઠાના દીઓદરમાં ઓટો રિક્ષા અને ગાડી વચ્ચે અકસ્માત, 1 મહિલાનું મોત
Next articleલોકસભા ચૂંટણી 2024: પાંચમા તબક્કામાં  57% થી વધુનું મતદાન થયું