(G.N.S) dt. 27
ગાંધીનગર,
રાજ્યના ન્યાયતંત્રના તાબા હેઠળની અદાલતોમાં વિવિધ સંવર્ગની ૩૫૧૬ તેમજ વડી અદાલત ખાતે વિવિધ સંવર્ગની ૭૨૨ નવી જગ્યાઓ મંજૂર કરાઈ
ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ-૨૦૨૩નો તા.1-7-2024 થી અમલ થશે
- રાજ્યની તમામ પ્બલીક પ્રોસીકયુટર કચેરીમાં વીડીયો કોન્ફરન્સની સુવિધા ઉપલબ્ધ થશે
- ગત વર્ષે સબઓર્ડિનેટ કોર્ટ દ્વારા કુલ ૧૬,૮૭,૨૦૭ કેસોનો નિકાલ થયો
- વર્ષ ૨૦૧૯ થી ૨૦૨૩ સુધીમાં ૧૫,૨૨૩ લોક અદાલત યોજાઈ; જેમાં ૫૬,૭૨,૬૯૮ કેસો હાથ ધરાયા
*વિધાનસભા ગૃહ ખાતે કાયદા વિભાગની અંદાજપત્રીય માંગણીઓ ગૃહમાં પસાર
ગુજરાતમાં કાયદા અને વ્યવસ્થા થકી સર્વને ન્યાય આપી રામરાજ્યની સ્થાપના કરવી એ અમારી સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય છે, તેમ વિધાનસભા ગૃહ ખાતે કાયદા વિભાગની અંદાજપત્રીય માંગણીઓનો જવાબ આપતા કાયદા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.
મંત્રી શ્રી પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ન્યાયતંત્ર તે લોકશાહી પ્રણાલીનો એક મહત્વનો આધાર સ્તંભ છે. આઝાદીના અમૃતકાળમાં અગ્રેસર રહેલ ગુજરાતમાં છેવાડાનાં ન્યાયવાંચ્છુંકો ઝડપથી ઘરઆંગણે ન્યાય મેળવી શકે તેવી સુદ્રઢ ન્યાય વ્યવસ્થા સુસ્થાપિત થાય તે કાયદા વિભાગનો મુખ્ય હેતુ છે.
મંત્રીશ્રીએ જાહેરાત કરતા કહ્યું કે, રાજ્યમાં આવેલી તમામ પ્બલીક પ્રોસીકયુટર એટલે કે સરકારી વકિલશ્રીઓની કચેરીમાં રાજ્ય સરકાર દ્વારા વીડીયો કોન્ફરન્સની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેનાથી રાજ્યની કોઈપણ સરકારી વકિલની કચેરીમાંથી ક્રિમીનલ કેસમાં પોલીસ શાહેદો તથા સરકારી શાહેદો જે જિલ્લામાં ક્રિમીનલ કેસ ચાલતો હશે તેમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પોતાની જુબાની આપી શકશે.
તેમણે ઉમેર્યું કે, રાજ્યમાં જિલ્લા અને સત્ર ન્યાયયાધીશથી લઈને સિવિલ જજ અને જે.એમ.એફ.સી સુધીના કેડરની કુલ ૧૧૮૫ કોર્ટ અસ્તિત્વમાં છે. છેલ્લા એક વર્ષની અંદર સબઓર્ડિનેટ કોર્ટ દ્વારા કુલ ૧૬,૮૭,૨૦૭ કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત અગાઉ ક્યારેય નહોતી એટલી સંખ્યામાં આજે ગુજરાત રાજ્યમાં દરેક પ્રકારના કાયદા માટે વિવિધ કોર્ટ રાજ્ય સરકાર દ્વારા નામદાર હાઇકોર્ટના પરામર્શમાં મંજુર કરીને કાર્યરત કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં વિવિધ કાયદા હેઠળ ૪૧૮ સ્પેશિયલ કોર્ટની સ્થાપના કરવામાં આવી છે.
મંત્રીશ્રીએ લોક અદાલતોની વિગતો આપતા ઉમેર્યું કે, વર્ષ ૨૦૧૯ થી ૨૦૨૩ દરમિયાન ૧૫,૨૨૩ લોક અદાલત યોજાઈ હતી, જેમાં ૫૬,૭૨,૬૯૮ કેસો હાથ ધરવામાં આવ્યા હતા. આ ઉપરાંત રાજ્યભરમાં વર્ષ ૨૦૧૯ થી ૨૦૨૩ દરમિયાન કુલ ૯૧,૬૦૪ થી વધુ લીગલ લીટરસી કેમ્પ યોજવામાં આવેલ હતા. જેમાં કુલ ૧૨,૪૧,૬૯,૨૯૩ લાભાર્થીઓને લાભ મળેલ છે.
તેમણે કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની રાહબરી હેઠળ ડીઝીટલાઈઝેશનને કોર્ટોમાં વેગ આપવા માટે તથા અદાલતી પ્રક્રિયામા ઈઝ ઓફ ડુઈંગના ભાગરૂપે અમારી સરકાર દવારા ઈ-કોર્ટ મીશન મોડ પ્રોજેકટ હેઠળ રૂા. ૨૦ કરોડ ફાળવેલ છે. જેનાથી રાજ્યની અલગ અલગ અદાલતોને ડીઝીટલાઈઝેશનથી કાર્યરત કરવા અલગ અલગ ઉપકરણો અને સંશાધનો પુરા પાડવામા આવશે.
આ ઉપરાંત રાજ્યના ન્યાયતંત્રની તાબાની અદાલતોમા જુદા-જુદા સંવર્ગની કુલ ૩૫૧૬ જગ્યા તેમજ નામદાર વડી અદાલત ખાતે જુદા-જુદા સંવર્ગની કુલ ૭૨૨ નવી જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે. આ જગ્યાઓ ભરાવાના કારણે રાજ્યના લોકોને ન્યાય મેળવવામાં થતાં વિલંબને નિવારી શકાશે અને સ્થાનિક કક્ષાએ જ ન્યાય સુલભ કરી શકાશે.
મંત્રી શ્રી પટેલે ઉમેર્યું કે, અંગ્રેજોના સમયથી ચાલી આવતા આઈ.પી.સી. અને સી.આર.પી.સી. અને એવીડેન્સ એક્ટની જગ્યાએ ન્યાયિક પ્રક્રિયાને વેગ આપવા ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૦૨૩ અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ ૨૦૨૩નો તા. 1-7-2024 થી અમલ થશે.
તેમણે કહ્યું હતું કે, ચેરિટી તંત્ર દ્વારા સાર્વજનિક ટ્રસ્ટોની પ્રજાલક્ષી કામગીરી સત્વરે થાય તે માટે સાર્વજનિક ટ્રસ્ટો પોતાની મિલકત ટ્રસ્ટના હેતુઓને પુરા કરવા માટે મિલકત વેચાણ/ભાડા પટ્ટે વિગેરે અન્વયે તબદીલ કરવાની અરજી કરે ત્યારે મહત્તમ રકમ ટ્રસ્ટને મળી શકે પારદર્શક કાર્યવાહી થાય તે હેતુથી તેમજ આવી કાર્યવાહી વધુ પારદર્શક પધ્ધતિથી સમગ્ર રાજયમાં જોઇ શકાય તે માટે પ્રવર્તમાન સમયમાં ટેક્નોલોજીનો ઉપયોગ કરીને મિલકતનું યોગ્ય મૂલ્યાંકન થઇ શકે તે આશયથી ધી ગુજરાત પબ્લીક ટ્રસ્ટ એક્ટ, ૧૯૫૦ની કલમ-૩૬ હેઠળની કાર્યવાહી ઓનલાઇન ઇ-ઓક્શન પોર્ટલ મારફતે હાથ ધરવામાં આવશે.
મંત્રીશ્રીએ કહ્યું કે, રાજ્ય સરકાર દ્વારા ન્યાયતંત્રને ઈન્ફ્રાસ્ટ્રકચર બાબતે હમેશાં પ્રાથમિકતા આપી છે. ભવિષ્યમાં અત્યાધુનિક અને દરેક સુવિધાથી સજ્જ જિલ્લા કોર્ટ, તાલુકા કોર્ટ અને ફેમીલી કોર્ટ બિલ્ડીંગનું નિર્માણ પામે તથા ન્યાયિક અધિકારીશ્રીઓના રહેણાંકો માટે ક્વાર્ટર બની રહે તે હેતુસર સર્વ-સમાવિષ્ટ બજેટ ફાળવણી કરવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે કાયદા વિભાગની અંદાજપત્રીય માંગણીઓ ગૃહમાં પસાર થઈ હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.