Home ગુજરાત ગાંધીનગર ગુજરાતમાં આવતી કુદરતી આપદાના સમયે આપત્તિ વ્યવસ્થાપન અને સુચારુ સંકલનનું કેન્દ્ર એટલે...

ગુજરાતમાં આવતી કુદરતી આપદાના સમયે આપત્તિ વ્યવસ્થાપન અને સુચારુ સંકલનનું કેન્દ્ર એટલે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC)

18
0

(જી.એન.એસ) તા. 11

ગાંધીનગર,

ગુજરાત રાજ્યમાં આવતી કોઈપણ આપદા સામે મક્કમતાથી લડવા માટે ગુજરાત સરકારનું સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) તમામ અદ્યતન તકનીકો સાથે સુસજ્જ છે. ધરતીકંપ હોય, વાવાઝોડું હોય, પૂર હોય કે પછી હીટવેવ, નાગરિકોની સુરક્ષા માટે ગાંધીનગર ખાતે આવેલું સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર આપત્તિના સમયે ૨૪x૭ કાર્યરત રહીને રાજ્યના દરેક નાગરિકની સલામતી સુનિશ્ચિત કરવાનું કામ છે.

ગુજરાતમાં આવતી દરેક આપદાઓથી નાગરીકો અને પશુઓની સલામતી સુનિશ્ચિત કરવા ઉપરાંત રાહત બચાવ, સ્થળાંતર અને તાત્કાલિક સહાય પહોંચાડવા જેવી અનેક બાબતોનું એક જ સ્થળેથી સંકલન થઇ શકે તે પ્રકારની વ્યવસ્થાની જરૂર વર્તાઈ હતી. આપત્તિના સમયે સમગ્ર રાજ્યની પરિસ્થતિનો તાગ મેળવી એક જ સ્થળેથી તેની સમીક્ષા થઇ શકે તે માટે ‘ગુજરાત રાજ્ય આ૫ત્તિ વ્યવસ્થા૫ન મંડળની’ ૨ચના કરી, આ૫ત્તિ વ્યવસ્થા૫નનું સ્વતંત્ર માળખું કાર્યાન્વિત કરવામાં આવ્યું છે. ત્યારથી લઈને આજ સુધી રાજ્યમાં આવેલી તમામ આપદાઓમાં SEOC ઝડપી રિસ્પોન્સ, અસરકારક સંકલન અને બચાવ કાર્યો માટેનું કેન્દ્ર બન્યું છે.

         SEOCની સ્થાપના થઇ ત્યારથી લઈને આજ સુધી રાજ્યમાં આવેલી આપદાઓ સમયે થતી કેઝ્યુઆલીટીમાં સતત ઘટાડો આવ્યો છે. ગત વર્ષે રાજ્ય પર બિપોરજોય વાવાઝોડાની આપત્તિ આવી ત્યારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ SEOCએ વિવિધ વિભાગો સાથે સંકલનમાં રહીને રાહત બચાવ અને આપત્તિ વ્યવસ્થાપનની તમામ કામગીરી સુનિશ્ચિત કરી હતી. આ દરમિયાન મુખ્યમંત્રીશ્રી અને મુખ્ય સચિવશ્રીએ SEOC ખાતે સમયાંતરે ઉપસ્થિત રહીને અસરગ્રસ્ત વિસ્તારોમાં વહીવટી તંત્ર અને વિવિધ વિભાગો દ્વારા કરાયેલી વ્યવસ્થાની સતત સમીક્ષા કરી હતી. પરિણામે બિપોરજોય વાવાઝોડા દરમિયાન રાજ્યમાં ઝીરો કેઝ્યુઆલીટી સુનિશ્ચિત કરી શકાઈ હતી.

સચેત પોર્ટલ અને હેલ્પલાઈન નંબરની અદ્યતન સુવિધા

રાજ્યમાં આવતી કોઇપણ આપદા અંગે નાગરિકોને સતર્ક કરવા માટે કેન્દ્ર દ્વારા “સચેત પોર્ટલ”ની અદ્યતન સુવિધા વિકસાવવામાં આવી છે. આ પોર્ટલના માધ્યમથી SEOC દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોના અથવા સમગ્ર રાજ્યના નાગરિકોને સતર્ક કરવા માટે માસ એસ.એમ.એસ કરીને સાવચેત કરવામાં આવે છે.

આ ઉપરાંત આપત્તિના સમયે નાગરીકો રાહત-બચાવ માટે ઈમરજન્સી ઓપરેશન સેન્ટરને સીધો સંપર્ક કરી શકે તે માટે જિલ્લા અને તાલુકા કક્ષાએ પણ ‘ઈમરજન્‍સી ઓપરેશન સેન્‍ટર’ કાર્યરત કરીને હેલ્પ લાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે. રાજ્યનો કોઇપણ નાગરિક રાજ્યકક્ષાએ ૫૧૯૦૦/૧૦૭૦ અને જિલ્લા કક્ષાએ ૧૦૭૭ ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર પર ફોન કરીને કોઇપણ આપત્તિ અંગેની માહિતી આપી શકે છે. આ હેલ્પલાઈન સેન્ટરને ૨૪x૭ કાર્યરત કરવામાં આવ્યું છે, જેથી મુશ્કેલીના સમયે નાગરિકોને ત્વરિત સહાય પહોંચાડી શકાય.

SEOCનું વિવિધ વિભાગો સાથેનું સંકલન

         આપદાના સમયે સૌથી મહત્વની કામગીરી વિવિધ વિભાગો સાથેના સંકલનની હોય છે. SEOC સંબંધિત તમામ વિભાગો સાથે સંકલન કરવા માટેના કેન્દ્ર તરીકે કાર્ય કરે છે. ભારતીય હવામાન વિભાગ સાથે સંકલન કરીને SEOC દ્વારા વરસાદ, ભૂકંપ અને હીટવેવ જેવી આપદાઓ અંગે અન્ય વિભાગોને સાવચેત કરવામાં આવે છે. આપદાના સમયે રાહત-બચાવ કામગીરી માટે નેશનલ ડીઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) અને સ્ટેટ ડીઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) સાથે સંકલન કરીને ટીમ ડીપ્લોયમેન્ટ પ્લાન તૈયાર કરવામાં આવે છે. જરૂર પડ્યે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ, નેવી અને બોર્ડર સિક્યુરીટી ફોર્સ સાથે પણ SEOC દ્વારા સંકલન કરવામાં આવે છે.

         રાજ્યમાં આપદાના સમયે અન્ન પુરવઠો, પાણી પુરવઠો, વીજ પુરવઠો અને યાતાયાત સુવિધા ખોરવાય નહિ તે માટે તેમજ જો ખોરવાય તો તુરંત જ તેને પૂર્વવત કરી શકાય તે માટે SEOC દ્વારા અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ, જળસંપત્તિ વિભાગ, ઊર્જા વિભાગ અને GSRTC સાથે સતત સંકલન કરવામાં આવે છે. આ ઉપરાંત નાગરીકો અને પશુઓની સલામતી સુનિશ્ચિત કરવા તેમજ તેમનું સ્થળાંતર કરવા માટે શહેરી વિકાસ વિભાગ, પંચાયત વિભાગ, મહેસૂલ વિભાગ અને પશુપાલન વિભાગ સાથે SEOC સંકલન કરે છે.

આપદાના સમયે પ્રાથમિક સારવાર સુવિધાઓ માટે આરોગ્ય વિભાગ, ખેડૂતોના પાક સુરક્ષા માટે કૃષિ વિભાગ, કાયદો અને વ્યવસ્થા સુનિશ્ચિત કરવા ગૃહ વિભાગ, જંગલો-અભયારણ્યોમાં વસતા જાનવરોની સલામતી માટે વન વિભાગ, રોડ-રસ્તા-પુલની મરામત માટે માર્ગ અને મકાન વિભાગ તથા રાજ્યના બંદરો પર જહાજોની સલામતી સુનિશ્ચિત કરવા ગુજરાત મેરીટાઈમ બોર્ડ સાથે પણ SEOC સંકલન કરે છે.

આમ, રાજ્યમાં જયારે પણ કોઈ આપદા આવે ત્યારે SEOC વિવિધ વિભાગો સાથે સુદ્રઢ સંકલન કરીને ઝીરો કેઝ્યુઆલીટી અને સૌની સલામતીનો એપ્રોચ અપનાવે છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના આગવા મોડલ અને સુચારુ આપત્તિ વ્યવસ્થાપનની કાર્યક્ષમતાને પરિણામે ગુજરાત આજે આપત્તિ વ્યવસ્થાપન ક્ષેત્રે દેશમાં અગ્રેસર છે. રાજ્યમાં SEOCની સ્થાપનાથી ગુજરાત આજે દરેક આપદા સામે મક્કમતા અને સુસજ્જતા સાથે લડી રહ્યું છે અને સાથે જ અન્ય રાજ્યોને પણ પ્રેરણા આપી રહ્યું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભાજપ, કોંગ્રેસ કાર્યકરોનો પથ્થરબાજી મામલો: સેશન્સ કોર્ટે કોંગ્રેસના 5 કાર્યકરોના જામીન નામંજૂર કર્યા
Next articleમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાતે ઓસ્ટ્રેલિયાની ડીકીન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રીયુત પ્રોફેસર ઇયાન માર્ટીન, ઓસ્ટ્રેલિયાના કોન્‍સ્યુલેટ જનરલ શ્રીયુત પોલ મર્ફી