(જી.એન.એસ) તા. 19
ગાંધીનગર,
રાજ્યના ખેડૂતોને સમૃદ્ધ અને સ્વનિર્ભર બનાવવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર દ્વારા એક પછી એક સતત ખેડૂત હિતલક્ષી નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન બાગાયતી પાકોનું વાવેતર અને ઉત્પાદન વધ્યું છે. બાગાયતી ઉપજોનો બગાડ અટકાવવા તેમજ ખેડૂતોને સારો બજાર ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકારે નવી યોજના અમલમાં મૂકી છે. રાજ્ય સરકારે બાગાયતી ખેતી કરતા ખેડૂતો પોતાના ઉત્પાદનો સારી રીતે સંગ્રહ કરી શકે તે માટે ૧૦,૦૦૦ મેટ્રિક ટન ક્ષમતા સુધીના કોલ્ડ સ્ટોરેજ ઉભા કરવા અંગેની નવી યોજના અમલમાં મૂકી છે.
કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે યોજના અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજ્યમાં બાગાયતી પાકો માટે કોલ્ડ સ્ટોરેજ વધારવાની દિશામાં રાજ્ય સરકાર દ્વારા નવી યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ ૫,૦૦૦ મેટ્રિક ટનથી મોટા અને ૧૦,૦૦૦ મેટ્રિક ટન ક્ષમતા સુધીના કોલ્ડ સ્ટોરેજ ઉભા કરવા માટે એકમદીઠ ખર્ચના મહત્તમ ૫૦ ટકા સહાય, મહત્તમ રૂ. ૩૭૯ લાખ સુધીની સહાય આપવામાં આવશે. જે લાભાર્થીઓને ક્રેડીટ લીંક બેક એન્ડેડ સબસીડી તરીકે સહાય ચૂકવવામાં આવશે. આ નવી યોજના માટે રાજ્ય સરકાર દ્વારા કુલ રૂ. ૫૦ કરોડની માતબર રકમ ફાળવવામાં આવી છે.
મંત્રી શ્રી પટેલે ઉમેર્યું હતું કે, બાગાયતી પાકો ખૂબ જ ઝડપથી બગડી જતા હોવાથી, કાપણી પછીના વ્યવથાપન અંતર્ગત પાકનો સંગ્રહ અથવા તેનું મૂલ્યવર્ધન કરવું અતિઆવશ્યક છે. કોલ્ડ સ્ટોરેજમાં બાગાયતી પાકોની ગુણવત્તા લાંબા સમય સુધી જળવાઈ રહેતી હોવાથી, ખેડૂતો તેમની ઉપજના સારા બજાર ભાવ મેળવીને આર્થિક નુકશાનથી બચી શકે છે. એટલા માટે જ, અગાઉ રાજ્ય સરકાર દ્વારા બાગાયતી પાકોના સંગ્રહ માટે ૫,૦૦૦ મેટ્રીક ટન સુધીની ક્ષમતાવાળા કોલ્ડ સ્ટોરેજ ઉભા કરવા માટે સહાય આપવામાં આવી હતી. પરંતુ રાજ્યમાં વધી રહેલા બાગાયતી ખેતીના વ્યાપ અને ઉત્પાદનને ધ્યાને રાખીને નવી યોજના અંતર્ગત કોલ્ડ સ્ટોરેજની સંગ્રહ ક્ષમતામાં વધારો કરવામાં આવ્યો છે.
આ યોજનાનો અમલ થવાથી રાજ્યમાં વાર્ષિક બાગાયતી પેદાશોના સંગ્રહ માટે ૧.૨૫ લાખ મેટ્રીક ટન સંગ્રહ ક્ષમતાની માળખાકીય સુવિધાઓ ઉભી કરી શકાશે તથા રોજગારીની નવી તકો પણ ઉભી થઇ શકશે. જેના પરિણામે શાકભાજી, ફળ, મસાલા અને ફૂલ જેવા બાગાયતી પાકો ઉપરાંત પ્રોસેસ્ડ શાકભાજી/ફળ પાકોની સંગ્રહ ક્ષમતામાં વધારો થશે, તેવો મંત્રીશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.