સાંપા ગામના વિવિધ વિસ્તાર, ગ્રામ પંચાયત કચેરી તેમજ આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઇ કામગીરીનું નિરીક્ષણ કરતા જિલ્લા કલેકટરશ્રી
(જી.એન.એસ) તા. 17
ગાંધીનગર,
જિલ્લા કલેકટરશ્રીએ સોલંકીપુરા ગામ ખાતે પ્રાકૃતિક કૃષિ અંગે ખેડૂતો સાથે સંવાદ કર્યો : ગીર ગૌ શાળાની મુલાકાત લીઘી
ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના સાંપા ગામની મુલાકાત આજરોજ જિલ્લા કલેકટર શ્રી મેહુલ દવેએ લીઘી હતી. તેમણે સાંપા ગામમાં આવેલી પૌરાણિક વાવની સ્વચ્છતા અને વિકાસ કરવાની વાત પર ભાર મુકયો હતો.
ગાંધીનગર જિલ્લા કલેકટર શ્રી મેહુલ દવેએ સાંપા ગામની મુલાકાત લીઘી હતી. આ મુલાકાત દરમ્યાન તેમણે તલાટી કચેરી ખાતે રોજમેળ, ખાતાવહી, સામાન્ય દફતર તેમજ ગામ નમૂનાની ચકાસણી કરી હતી. તેમજ ગામના સરપંચ, ઉપ સરપંચ અને ગામના અગ્રણીઓ સાથે બેઠક કરી હતી. ગ્રામજનો દ્વારા રજૂ કરવામાં આવેલા વિવિધ પ્રશ્નોની રજૂઆત ધ્યાન પૂર્વક સાંભળી હતી. જેમાંથી મોટા ભાગના પ્રશ્નનો હલ તત્વરિત લાવવાની બાહેધરી પણ કલેકટરશ્રીએ આપી હતી. તેની સાથે કલેકટર શ્રી મેહુલ દવેએ ગ્રામજનોને ગામના વિકાસમાં, સ્વચ્છતા, શિક્ષણ કે અન્ય બાબતના પ્રશ્નો હોય તો દહેગામ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારીશ્રીને ઘ્યાને મુકવા પણ ભારપૂર્વક ગ્રામજનોને જણાવ્યું હતું.
ગાંધીનગર જિલ્લા કલેકટર શ્રી મેહુલ દવેએ ગામના સરપંચ અને આગેવાનો સાથે ગામની મુલાકાત લીધી હતી. ગામની મુલાકાત દરમ્યાન તેમણે ગામમાં સ્વચ્છતા હમેંશા રહે તે વાત પર ખાસ ભાર મુકવા માટે તલાટી અને સરપંચશ્રીને જણાવ્યું હતું. તેમજ ગામના આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઇને ત્યાં સારવાર અર્થે આવેલા દર્દીઓ સાથે વાતચીત કરીને આરોગ્ય સેવાનો સાચો તાગ મેળવ્યો હતો. તેમણે આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર સાથે વાત કરી હતી. તેમજ નિયમિત ઓ.પી.ડી. રજિસ્ટરની ચકાસણી કરી હતી. એટલું જ નહી અહીં સારવાર માટે આવેલા દર્દીઓને ખબર- અંતર પૂછીને અહીં મળતી આરોગ્ય સેવાથી તેઓ સંતુષ્ટ છે કે નહીં તેની ખાતરી પણ કરી હતી.
ગાંધીનગર જિલ્લા કલેકટર શ્રી મેહુલ દવેએ સાંપા ગામમાં આવેલી પૌરાણિક સાંપાની વાવની મુલાકાત લીઘી હતી. આ સ્થળના વિકાસ માટેની દરખાસ્ત કરવા માટે સંબંધિત અધિકારીને જણાવ્યું હતું. પૌરાણિક વાવના વિકાસ થાય તે માટે તેનો પ્રચાર- પ્રસાર કરવા તલાટીને ભારપૂર્વક જણાવ્યું હતું. વાવની આસપાસના વિસ્તારમાં નિયમિત સફાઇ થાય તેની તકેદારી રાખવા માટે તેમજ સાઇન બોર્ડ લગાવવા પણ સૂચના આપી હતી. પૌરાણિક વાવનો યોગ્ય વિકાસ કરવામાં આવશે, તો પર્યટક સ્થળ બની રહેશે. જેના થકી ગ્રામજનોને ફાયદો થશે.
જિલ્લા કલેકટરશ્રીએ દહેગામના સોલંકીપુરા ગામ ખાતે વિજય પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાત લીઘી હતી. તેમણે ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ પધ્ધતિ અંગે વાર્તાલાપ કરી વઘુને વઘુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તેવો અનુરોધ કર્યો હતો. તેમણે ખેડૂતો સાથે વિજય ફાર્મ ખાતેની ગીર ગૌશાળાની પણ મુલાકાત લીધી હતી. પ્રાકૃતિક કૃષિ અભિયાન અંતર્ગત દરેક ગામમાં ૭૫ ખેડૂતો પ્રાકૃતિક કરતા થાય તે માટે પ્રાકૃતિક કૃષિની સઘન તાલીમ આપવા તેમજ વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તે પ્રકારના પ્રયત્નો હાથ ધરવા સંબંધિત અધિકારીને સૂચના આપી હતી. વિજય પ્રાકૃતિક કૃષિ ફાર્મના પ્રગતિશીલ ખેડૂત શ્રી મૃગેશભાઈ પટેલ અને નિલેશભાઈ પટેલ દ્વારા પ્રાકૃતિક કૃષિ અંગેના પોતાના અનુભવો રજૂ કરવામાં આવ્યા હતા.
આ મુલાકાત દરમ્યાન કલેકટરશ્રી સાથે દહેગામ મામલતદાર શ્રી રોનક કપૂર સહિત સ્થાનિક અધિકારીઓ અને ગામના અગ્રણીઓ જોડાયા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.