(જી.એન.એસ) તા. 19
ગાંધીનગર,
ગાંધીનગર જિલ્લામાં બંધ પડેલા ટયુબવેલ કે બોરવેલમાં બાળક પડી જવાના કારણે થતાં અકસ્માત બને નહિ તેની ખાસ તકેદારી રાખવા માટે ગાંધીનગર જિલ્લા કલેકટર શ્રી મેહુલ દવે દ્વારા જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ નોડલ અધિકારીની નિમણૂક માટે આદેશ કર્યા છે.
બંધ પડેલા ટયુબવેલ અને બોરવેલમાં બાળકો પડી જવાની ઘટના બનતી હોય છે. આ પ્રકારની ઘટના ન બને તે માટે ભારત સરકાર દ્વારા ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. જે અનુસંધાને ગાંધીનગર જિલ્લા કલેકટર શ્રી મેહુલ દવે દ્વારા ભારત સરકારની સૂચનાના અનુસરણ માટે તેમજ સમગ્ર કામગીરીના સંકલન માટે ગાંધીનગર જિલ્લાના નોડલ અધિકારી તરીકે નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ( મહેસુલ)ની નિમણુંક કરવામાં આવી છે.
જ્યારે જિલ્લા કક્ષાએ કામગીરી માટે નોડલ અધિકારી તરીકે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ તથા સિંચાઇ વિભાગ ( પંચાયત) ગાંધીનગરના કાર્યપાલક ઇજનેરશ્રી, તમામ તાલુકાના નોડલ અધિકારી તરીકે તાલુકા વિકાસ અધિકારીશ્રી અને ગ્રામ્ય કક્ષાના નોડલ અધિકારી તરીકે તમામ તલાટી કમ મંત્રીની નિમણુંક કરવામાં આવી છે.
નોડલ અધિકારી તરીકે નિમણુંક પામેલા તમામ અધિકારીશ્રીઓએ તેમના અધિકારક્ષેત્રમાં આવતાં બોર-કુવાઓ બાબતે કોઇ દુર્ધટના ન બનવા પામે તે માટે સલામતીના તમામ પગલા લેવાનું પણ કલેકટરશ્રીએ જણાવ્યું છે. તેમજ ચાલુ બાંધકામ હેઠળ અને બંધ બોર કે કુવાઓની ફરતે જરૂરી બેરીકેટીંગ તથા યોગ્ય જણાય તેવા જરૂરી સમાલતીના પગલા લેવા માટે પણ તમામ નોડલ અધિકારીઓને સૂચના આપી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.