Home ગુજરાત ઉત્તર ગુજરાત ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઇન્ડિયન ઓડિટ એન્ડ એકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટના નવા કાર્યાલયનું...

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઇન્ડિયન ઓડિટ એન્ડ એકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટના નવા કાર્યાલયનું ભૂમિપૂજન કર્યું

12
0

CAG ગિરીશ ચંદ્ર મુર્મૂની પ્રેરક ઉપસ્થિતિ

ગુજરાતે સુદૃઢ નાણાકીય વ્યવસ્થાપનથી પ્રજાના નાણાંનો વિકાસકામો માટે સુચારું ઉપયોગ કર્યો છેઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

IAAD કચેરી ગાંધીનગર ખાતે સ્થળાંતર થતાં રાજ્ય સરકારના વિભાગો અને AG વચ્ચે સંવાદ-સંકલન વધશે અને સમય-નાણાની બચત થશેઃ CAG ગિરીશ ચંદ્ર મુર્મૂ

૧૭૮૬૦ ચો. મી.માં નિર્માણ થનારું નવું ભવન અત્યાધુનિક સુવિધાઓ સાથેનું પર્યાવરણને અનુકૂળ ગ્રીન બિલ્ડિંગ હશે

(જી.એન.એસ),તા.૧૨

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે ઇન્ડિયન ઓડિટ એન્ડ એકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટના નવા કાર્યાલયનું ભૂમિપૂજન કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, CAG અને સરકાર સામસામે હોવાની વર્ષો જૂની માન્યતા બદલીને CAG સરકાર સાથે સાથે રહે તેમજ CAGના સૂચનોને પોઝિટિવ એપ્રોચથી સ્વીકારવાની કાર્યપ્રથા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકારે અપનાવી છે. મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, વડાપ્રધાન મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી હતાં ત્યારથી કેગ દ્વારા કરવામાં આવતાં ઓડિટના સૂચનને હંમેશા હકારાત્મક રીતે લીધા છે. એટલું જ નહિ, સુદૃઢ નાણાંકીય વ્યવસ્થાપનથી પ્રજાના નાણાનો વિકાસકામો માટે સુચારું ઉપયોગ કર્યો છે. તેના પરિણામે આજે ગુજરાતે તમામ ક્ષેત્રોમાં અભૂતપૂર્વ પ્રગતિ સાધી છે. વર્ષ ૧૯૯૫માં રાજ્યનું બજેટ માત્ર ૧૨ હજાર કરોડ રૂપિયા હતું તે વધીને આ વર્ષે ૩ લાખ કરોડથી પણ વધુનું થયું છે, જે રાજ્યના નાણાંકીય વ્યવસ્થાપન અને કરકસરપૂર્વકના વહીવટની સાબિતી છે.

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ગત એપ્રિલમાં ૧.૮૭ લાખ કરોડનું રેકોર્ડબ્રેક જીએસટી કલેક્શન સૂચવે છે કે દેશના દરેક ક્ષેત્રમાં ધંધા રોજગારનું પ્રમાણ સારું છે.  ઉદ્યોગ-વ્યવસાય માટે જરૂરી એવી વીજળી, પાણી અને તમામ પ્રકારની કનેક્ટિવિટી પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. તાજેતરના ભારત સરકારના એક અહેવાલ મુજબ ગુજરાત સૌથી વધુ રોજગારી પૂરું પાડતું રાજ્ય છે. રાજ્ય સરકાર દ્વારા યોજાતી વાયબ્રન્ટ ગુજરાત સમિટે દેશ અને દુનિયાને ઉદ્યોગ-ધંધા માટે સક્ષમ પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આજે દુનિયાનો દરેક દેશ ભારત સાથે બિઝનેસ કરવા ઈચ્છે છે અને એમાંય ગુજરાત ઉદ્યોગ-વ્યવસાય માટે મોસ્ટ ફેવર્ડ ડેસ્ટિનેશન રહ્યું છે એમ તેમણે જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ અત્યાર સુધી અમદાવાદ અને રાજકોટ એમ બે સ્થળે કાર્યરત AG ઓફિસ હવે પાટનગર ગાંધીનગરમાં આવનારા દિવસોમાં કાર્યરત થશે. તેથી પરસ્પર સંકલન વધુ સક્ષમ-ઝડપી બનશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો. 

ભારતના નિયંત્રક અને મહાલેખાપરીક્ષક ગિરીશ ચંદ્ર મુર્મૂએ પ્રસંગોચિત ઉદબોધનમાં કહ્યું કે, ઇન્ડિયન ઓડિટ એન્ડ એકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટની કચેરીનું ગાંધીનગર ખાતે સ્થળાંતર થવાથી રાજ્ય સરકાર અને વિભાગ વચ્ચે સંવાદ-સંકલન વધશે અને સમય-નાણાની બચત થશે. તેમજ રાજ્ય સરકાર અને વિભાગ વચ્ચે સમયસર જવાબ રજૂ કરવા અને ચર્ચા કરવા માટે સમય ઘટશે. આથી ઓડિટ સંબંધિત અગાઉના પડતર પ્રશ્નોનું પણ વહેલી તકે નિરાકરણ આવશે. તેમજ પરસ્પર પત્ર-વ્યવહાર અને તાલમેલ અંગેની કઠણાઈ ઘટશે તથા અધિકારીઓના સમય, ઊર્જા અને પ્રવાસ ખર્ચમાં પણ બચત થશે. ગિરીશ ચંદ્ર મુર્મૂએ વધુમાં કહ્યું હતું કે, નિર્માણ થનારું નવું ભવન અત્યાધુનિક સુવિધાઓ સાથેનું પર્યાવરણને અનુકૂળ ગ્રીન બિલ્ડિંગ હશે. આ કાર્યાલય રાજ્ય સરકારના લગભગ ૫૦ હજાર જેટલા કર્મચારીઓનું પીએફ પણ સંભાળે છે અને સરકારી તિજોરીનું વાર્ષિક નિરીક્ષણ પણ કરે છે. ઇન્ડિયન ઓડિટ એન્ડ એકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટના નવા કાર્યાલયના બાંધકામ માટે રાજ્ય સરકાર દ્વારા ૧૭૮૬૦ ચોરસ મીટર જમીન આપવા બદલ મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો. આ પ્રસંગે ગાંધીનગરના ધારાસભ્ય રીટા પટેલ, ગાંધીનગર શહેરના મેયર હિતેશ મકવાણા, મુખ્ય સચિવ રાજકુમાર તથા એકાઉન્ટન્ટ જનરલ વિજય કોઠારી તથા અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleદિલ્હીમાં યુવતિની લાશના 7 થી 8 ટુકડા મળ્યા, 3 જિલ્લાની પોલીસ અને અધિકારીઓ ઘટનાસ્થળે પહોચ્યાં
Next articleનિફ્ટી ફયુચર ૧૯૬૦૬ પોઈન્ટ મહત્વની સપાટી…!!!