Home ગુજરાત ગાંધીનગરમાં સ્વ. શેઠ શ્રી જીવણભાઈ માધાભાઈ ચૌધરીની ૨૪મી પુણ્યતિથિએ રાજ્યપાલ શ્રી આચાર્ય...

ગાંધીનગરમાં સ્વ. શેઠ શ્રી જીવણભાઈ માધાભાઈ ચૌધરીની ૨૪મી પુણ્યતિથિએ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના વરદહસ્તે તેજસ્વી વિદ્યાર્થીઓ અને સમાજની વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન-અભિવાદન કરાયું

25
0

જે સમાજની દીકરીઓ શિક્ષિત અને સંસ્કારીત હોય એ સમાજની પ્રગતિ નિશ્ચિત છે : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

શિક્ષણ, સ્વાસ્થ્ય અને સંસ્કાર જીવનમાં અનિવાર્ય છે : સંઘર્ષ અને દુઃખ વ્યક્તિનું ઘડતર કરે છે : સમસ્યાઓને સંભાવનામાં બદલતાં શીખો‌

(જી.એન.એસ),તા.૨૧

ગાંધીનગર,

ગાંધીનગરમાં સ્વ. શેઠ શ્રી જીવણભાઈ માધાભાઈ ચૌધરીએ અખિલ આંજણા કેળવણી મંડળની સ્થાપના કરીને કન્યા કેળવણીનું જે બીજ વાવ્યું હતું તે આજે વટવૃક્ષ બની ગયું છે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, જે સમાજની દીકરીઓ શિક્ષિત અને સંસ્કારીત હોય એ સમાજની પ્રગતિ નિશ્ચિત છે.

સ્વ. શેઠ શ્રી જીવણભાઈ માધાભાઈ ચૌધરીની ૨૪મી પુણ્યતિથિના ઉપક્રમે ગાંધીનગરમાં તેજસ્વી વિદ્યાર્થીઓ અને સમાજની વિશિષ્ટ વ્યક્તિઓના સન્માન-અભિવાદન સમારોહમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, સંતાનોને ઉત્તમ શિક્ષણ આપો, તેમનું સ્વાસ્થ્ય ઉત્તમ રહે તેવું આયોજન કરો. એટલું જ નહીં, તેમનામાં ઉત્તમ સંસ્કારોનું સિંચન પણ થવું જોઈએ. શિક્ષણ, સ્વાસ્થ્ય અને સંસ્કાર જીવનમાં અનિવાર્ય છે.

હરિયાણામાં એક કન્યા ગુરુકુળ સહિત પાંચ ગુરુકુળનું સંચાલન કરી રહેલા અને ૩૫ વર્ષ સુધી આચાર્ય તરીકે શિક્ષણકાર્ય સાથે ઘનિષ્ઠતાથી જોડાયેલા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, ગ્રામીણ ક્ષેત્રની દીકરીઓએ ક્ષોભ કે સંકોચ વિના શ્રેષ્ઠ શિક્ષણ હાંસલ કરવું જોઈએ. જે પરિશ્રમી અને મહેનતુ છે તેના માટે કંઈ જ અસંભવ નથી. હીનભાવના રાખ્યા વિના મહેનત કરો. સંઘર્ષ જ વ્યક્તિને મહાનતા સુધી લઈ જાય છે. સંઘર્ષ અને દુઃખ વ્યક્તિનું ઘડતર કરે છે. સમસ્યાઓને સંભાવનામાં બદલતાં શીખો‌

દીકરીઓએ હંમેશા ઘરમાં માતા-પિતા અને શાળામાં ગુરુજનોની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. એમ કહીને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, માતા-પિતા અને ગુરુથી હિતકારી જીવનમાં બીજું કોઈ નથી. જે સંતાનો માતા-પિતા અને ગુરુની વાતનું પાલન કરે છે તેનું સદૈવ કલ્યાણ થાય છે. વિદ્યાર્થી અવસ્થામાં દીકરીઓએ હૃદયને બદલે મનનું કહ્યું કરવું જોઈએ. આ અવસ્થામાં મગજથી લીધેલા નિર્ણયો લાંબા ગાળે લાભદાયી નીવડે છે.

કન્યાઓએ દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી છે. યુનિવર્સિટીઓના કુલાધિપતિ તરીકે દીક્ષાંત સમારોહમાં જવાનું થાય ત્યારે જોઉં છું કે, ૮૦ ટકા ગોલ્ડ મેડલ્સ દીકરીઓ લઈ જાય છે. એમ કહીને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કન્યા કેળવણીને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. મહિલાઓને આરક્ષણ આપવામાં આવ્યું છે. વૈદિક કાળમાં મહિલાઓનું જે મહત્વ હતું એવું જ પુનઃ આઝાદીના અમૃતકાળમાં છે. દીકરીઓએ દેશનું ગૌરવ અને ગરીમા વધાર્યાં  છે તેમણે કહ્યું કે, જીવનમાં લક્ષ ઊંચું રાખશો તો ઊંચાઈઓને આંબી શકશો.

જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત સાહિત્યકાર શ્રી રઘુવીરભાઈ ચૌધરી, પદ્મશ્રી દેવેન્દ્રભાઈ પટેલ, સાહિત્યકાર શ્રી કેશુભાઈ દેસાઈ અને શેઠ શ્રી જે. એમ. ચૌધરી ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ગં.સ્વ. હેમલત્તાબેન જીવણભાઈ ચૌધરી અને મંત્રી શ્રી જેસંગભાઈ ચૌધરી આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા. શ્રી અખિલ આંજણા કેળવણી મંડળના અધ્યક્ષ શ્રી હરિભાઈ ચૌધરીએ આ પ્રસંગે કહ્યું હતું કે, અત્યારે ૭,૦૦૦ જેટલી દીકરીઓ આ સંસ્થામાં શિક્ષણ મેળવી રહી છે. અત્યાર સુધીમાં ૫૨,૮૬૮ દીકરીઓ આ સંસ્થામાંથી શિક્ષણ મેળવીને જીવનમાં આગળ વધી છે. જેમાં મોટાભાગની ગામડાની, ખેડૂતોની અને પશુપાલકોની દીકરીઓ છે. તેમણે એમ પણ કહ્યું કે, ચૌધરી સમાજના વિદ્યાર્થીઓ માટે નજીકના ભવિષ્યમાં ગાંધીનગરમાં આઈ.એ.એસ. ટ્રેનિંગ સેન્ટર ભવન શરૂ કરાશે. તેમણે રાજ્યપાલશ્રીના પ્રાકૃતિક કૃષિ અભિયાનની પ્રશંસા કરીને રાજ્યપાલશ્રીનો આભાર માન્યો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના વરદહસ્તે કાગવડ ખાતેથી ખોડલધામ કેન્સર હોસ્પિટલનું ભૂમિપૂજન
Next articleદિવ્યાંગ પણ દિવ્ય : અમદાવાદના દિવ્યાંગ યુવાન ઓમ વ્યાસે આયોધ્યા ખાતે રામરક્ષા સ્ત્રોત કંઠસ્થ કરી સુંદર પરફોર્મન્સ રજૂ કર્યું