Home ગુજરાત ગાંધીનગર ગાંધીનગરમાં સૌપ્રથમ “બિમસ્ટેક યુથ સમિટ”નો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ

ગાંધીનગરમાં સૌપ્રથમ “બિમસ્ટેક યુથ સમિટ”નો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ

19
0

વિશ્વ બંધુત્વની ભારતની પ્રતિબદ્ધતા બિમસ્ટેકના વ્યાપ અને સક્રિયતામાં જોવા મળી રહી છે: શ્રી ભૂપેન્દ્ર પટેલ

(જી.એન.એસ) તા. 8

ગાંધીનગર,

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી BIMSTEC Youth Summit “બિમસ્ટેક યુથ સમિટ”નો પ્રારંભ કેન્દ્રીય ખેલકૂદ અને યુવા કાર્યક્રમોના મંત્રી ડો. મનસુખ માંડવીયાની પ્રેરક ઉપસ્થિતિમાં કરાવ્યો હતો.

બે ઑફ બંગાલ ઇનીશિએટિવ ફૉર મલ્ટી-સેક્ટોરલ ટેક્નિકલ એન્ડ ઇકોનૉમિક કોઑપરેશન (BIMSTEC-બિમસ્ટેક) રાષ્ટ્રોના યુવાઓની આ પાંચ દિવસીય પ્રથમ સમિટ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી યોજાઈ રહી છે. બિમસ્ટેકના સભ્ય દેશોની યુવાશક્તિનું યોગદાન ‘સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ-૨૦૩૦’ ‘Sustainable Development Goals-2030’સાકાર કરવામાં પ્રેરિત કરવાના સામૂહિક વિચારમંથન માટે આ સમિટ યોજવામાં આવી છે.

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ ભારતનો વિકાસ અભિગમ હરહંમેશ સમગ્ર માનવજાતના કલ્યાણ કેન્દ્રિત રહ્યો છે. ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પ ઉપરાંત વિશ્વ કલ્યાણની ભાવના પર પણ તેમણે એટલો જ ભાર મૂક્યો છે.

આ સંદર્ભે મુખ્યમંત્રીશ્રીએ વૈક્સીન મૈત્રી અભિયાન, તુર્કીમાં ઑપરેશન દોસ્ત અને યુક્રેનમાં ઑપરેશન ગંગાનું ઉદાહરણ આપતા કહ્યું હતું કે, આવા ઉદાહરણો જ વૈશ્વિક સ્તર પર સૌના સાથ-સૌના વિકાસ માટે ભારતની પ્રતિબદ્ધતા દર્શાવે છે. ભારતે હંમેશાં પોતાના નાગરિકોની સુરક્ષા સાથે અન્ય દેશોના નાગરિકોની પણ મદદ કરી છે. વિશ્વબંધુ તરીકે ભારતની આ જ પ્રતિબદ્ધતા બિમસ્ટેકના વ્યાપ અને સક્રિયતામાં પણ જોવા મળી રહી છે, તેમ તેમણે જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, વિશ્વને નવી દિશા આપનારા વિચાર પુરુષ – મહાત્મા ગાંધી, અખંડ ભારતના નિર્માતા એકતા પુરુષ – સરદાર પટેલ અને એક ભારત-શ્રેષ્ઠ ભારત માટે સમર્પિત વિકાસ પુરુષ – વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જન્મભૂમિ પર બિમસ્ટેક યૂથ સમિટનું આયોજન એ ‘રાઇટ જૉબ એટ રાઇટ પ્લેસ’-Right Job at Right Placeનું ઉત્તમ ઉદાહરણ છે.

પ્રો-પિપલ ગુડ ગવર્નન્સ

સમિટ અંગે મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, બિમ્સટેક યુથ સમિટમાં સામુહિક વિકાસ માટે ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઈન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેક્નોલોજીઝ, સ્ટાર્ટઅપ્સ તથા સાયબર-સિક્યોરિટી વિષયો પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે.

ગુજરાતે આ બધી મોડર્ન ટેક્નોલોજીના ઉપયોગથી પ્રો-પિપલ ગુડ ગવર્નન્સનું ઉત્કૃષ્ટ દ્રષ્ટાંત રજૂ કર્યું છે.

ગુજરાત આજે ફ્યુચરિસ્ટિક ટેક્નોલોજીઝના વિકાસ અને વિનિયોગ સાથે ગેટવે ટુ ધ ફ્યુચર બનવા માટે સજ્જ છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

બિમ્સટેક સભ્ય દેશોની વર્તમાન અને ભાવિ પેઢીને વધારે નિકટતા

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે વધુમાં કહ્યું હતું કે, બિમસ્ટેકના સભ્ય દેશોની યુવા પ્રતિભાઓને એક સાથે લાવવા માટે “બિમ્સટેક યુથ સમિટ”નો વિચાર પણ વડાપ્રધાનશ્રીએ આપ્યો હતો. ગુજરાતમાં યોજાઈ રહેલી આ સમિટ બિમ્સટેક સભ્ય દેશોની વર્તમાન અને ભાવિ પેઢીને વધારે નિકટતાથી જોડીને વિશ્વ કલ્યાણ માટે સુસજ્જ અને પ્રોત્સાહિત કરશે, તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, BIMSTEC ક્ષેત્રમાં આશરે 1.8 અબજ લોકો વસે છે, જે વૈશ્વિક વસતિના લગભગ 22 ટકા અને 4.5 ટ્રિલિયન ડોલરની સંયુક્ત જીડીપી ધરાવે છે. તે માત્ર પ્રાદેશિક જૂથ જ નથી, પરંતુ તે આર્થિક સમૃદ્ધિ, સુરક્ષા અને સ્થાયી વિકાસ માટે એક સહિયારું વિઝન છે. વર્ષ 2018માં કાઠમંડુમાં ચોથી BIMSTEC સમિટ યોજાઈ હતી, જેમાં ભારતનાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ BIMSTECનાં માળખાની અંદર યુવાનોનાં જોડાણની કલ્પના કરી હતી, જેના પરિણામે આજે આ સમિટની શરૂઆત થઈ છે.

યુવા માનસને સશક્ત બનાવવાની દિશામાં એક પગલું

ડૉ. મનસુખ માંડવિયાએ વધુમાં જણાવ્યું કે, આ શિખર સંમેલન સમગ્ર BIMSTEC દેશોમાં યુવા માનસને સશક્ત બનાવવાની દિશામાં એક પગલું છે. સહયોગને પ્રોત્સાહન આપવું, અનુભવોનું આદાન-પ્રદાન કરવું અને સમગ્ર પ્રદેશમાં યુવાનોની આગેવાની હેઠળના વિકાસને વેગ આપવો તેનો મુખ્ય ઉદ્દેશ્ય છે.

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, આ વર્ષની સમિટની થીમ “યુથ બ્રીજ ફોર ઇન્ટ્રા-બિમ્સ્ટેક એક્સચેન્જ” સમયસર અને મહત્ત્વપૂર્ણ છે. BIMSTEC યુથ બ્રિજ મારફતે પરિવર્તનકારી પ્લેટફોર્મની કલ્પના કરે છે, જે ગતિશીલ, બહુ-ક્ષેત્રીય પ્રાદેશિક યુવા ઇકોસિસ્ટમનું નિર્માણ કરવા પરંપરાગત સાંસ્કૃતિક અને શૈક્ષણિક આદાનપ્રદાનથી આગળ વધશે. તેમણે કહ્યું કે, ઉદ્યોગસાહસિકતા, રમતગમત, શૈક્ષણિક સંસ્થાઓ અને ટેકનોલોજીને સંકલિત કરીને આ પહેલ ભવિષ્ય માટે તૈયાર નેટવર્ક ઊભું કરશે, જે BIMSTECનાં તમામ દેશોમાં યુવાન નેતાઓને સશક્ત બનાવશે.

યુવા રમતવીરો માટે નવા માર્ગો ખુલશે

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું, વર્ષ 2036ના ઓલિમ્પિક માટે ભારતની દાવેદારી BIMSTEC સ્પોર્ટિંગ ઇકોસિસ્ટમને વધુ મજબૂત કરશે, વૈશ્વિક સ્તરે રોકાણ આકર્ષિત કરશે, તાલીમ સુવિધાઓમાં વધારો કરશે અને આંતરરાષ્ટ્રીય રમતગમત ભાગીદારીને પ્રોત્સાહન આપશે. તેનાથી યુવા રમતવીરો માટે નવા માર્ગો ખુલશે, ઉત્કૃષ્ટતાને પ્રોત્સાહન મળશે અને રમતગમતમાં પ્રાદેશિક સહયોગ સ્થાપિત થશે.

કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, છેલ્લા દાયકામાં ભારતે નોંધપાત્ર પરિવર્તન કર્યું છે અને આર્થિક વિકાસમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. રાષ્ટ્ર “ફ્રેજીલ ફાઇવ ” અર્થતંત્રોમાંનું એક બનવાથી વિશ્વના “ટોચના પાંચ” અર્થતંત્રોમાંનું એક બનવા તરફ વિકસિત થયું છે. 2030 સુધીમાં 7 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર અને 2047 સુધીમાં ૩૦ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર હાંસલ કરવા પર આપણી નજર છે ત્યારે ભારતની વિકાસગાથા આપણા યુવાનોની આકાંક્ષાઓ, કૌશલ્યો અને નવીનતાથી પ્રેરિત છે.

સામૂહિક વૃદ્ધિ અને વિકાસ માટે તક

ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, ભારત વૈશ્વિક સ્તરે સૌથી યુવાન વસતિ ધરાવતો દેશ છે, જેની સરેરાશ ઉંમર 28 વર્ષ છે અને 35 વર્ષથી ઓછી ઉંમરની વસતિના 65 ટકાથી વધારે છે . એ જ રીતે, BIMSTEC દેશો સામૂહિક રીતે તેમની 60 ટકાથી વધુ વસતી 35 વર્ષથી ઓછી વયના લોકો ધરાવે છે, જેથી સામૂહિક વૃદ્ધિ અને વિકાસ માટે તક પ્રસ્તુત થાય છે.

ડૉ. માંડવિયાએ કહ્યું કે, તાજેતરના વર્લ્ડ ઇકોનોમિક ફોરમના “ફ્યુચર ઓફ જોબ્સ રિપોર્ટ”માં જણાવવામાં આવ્યું છે કે ઓટોમેશન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં ઝડપી પ્રગતિને કારણે 2030 સુધીમાં વૈશ્વિક સ્તરે 170 મિલિયન નવી નોકરીઓનું સર્જન કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે, ત્યારે કુશળ વ્યાવસાયિકોની વૈશ્વિક માંગ વધી રહી છે આ માટે ભારતે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020થી લઈને સ્કિલ ઇન્ડિયા મિશન સુધીના કૌશલ્ય અંતરને દૂર કરવા માટે વિવિધ પહેલ કરી છે.

ભારતીય સ્નાતકોની રોજગારક્ષમતામાં નોંધપાત્ર વધારો

સ્કિલ ઇન્ડિયા યોજના હેઠળ 1.5 કરોડથી વધારે યુવાનોને એઆઇ, રોબોટિક્સ અને ડિજિટલ ટેકનોલોજીની તાલીમ આપવામાં આવી છે અને તેમને ઉદ્યોગ સાથે સંબંધિત કૌશલ્યોથી સજ્જ કરવામાં આવ્યા છે અને તેમને ભવિષ્યના જોબ માર્કેટ માટે તૈયાર કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, આ પહેલોના પરિણામે છેલ્લા એક દાયકામાં ભારતીય સ્નાતકોની રોજગારક્ષમતામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે, જે 2013માં 33.95 ટકાથી વધીને 2024માં 54.81 ટકા થયો છે, જે નોકરીની તત્પરતામાં 61 ટકાનો સુધારો દર્શાવે છે.

કેન્દ્રીય મંત્રીએ વધુમાં જણાવ્યું કે, ભારતની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ યુવાનો-સંચાલિત વિકાસની શક્તિનો વધુ એક પુરાવો છે. ભારત વૈશ્વિક સ્તરે ત્રીજા ક્રમની સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ધરાવે છે. આજે દેશમાં 157,000થી વધુ રજિસ્ટર્ડ સ્ટાર્ટઅપ્સ છે, જેમાંથી 48 ટકામાં ઓછામાં ઓછા એક મહિલા ડિરેક્ટરનો સમાવેશ થાય છે, જે સમૃદ્ધ અને સર્વસમાવેશક સ્ટાર્ટઅપ લેન્ડસ્કેપને પ્રતિબિંબિત કરે છે. તેમણે કહ્યું કે, “મેક ફોર ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ”ને મજબૂત કરવા માટે ભારત પાંચ નેશનલ સેન્ટર્સ ઓફ એક્સલન્સની સ્થાપના કરી રહ્યું છે, જે યુવાનોને આધુનિક ઉત્પાદન કૌશલ્યોથી સજ્જ કરવા વૈશ્વિક કુશળતાનો ઉપયોગ કરે છે.

વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ

ડૉ. માંડવિયાએ જણાવ્યું કે, એમવાય ભારત નામનો એક રાષ્ટ્રીય મંચ સ્થાપિત કર્યો છે.આ પ્લેટફોર્મ પર રાષ્ટ્ર નિર્માણમાં સક્રિયપણે રોકાયેલા 15 મિલિયન યુવાનોની નોંધણી થઈ ચૂકી છે. તેમણે વધુમાં કહ્યું કે, આ વર્ષે જાન્યુઆરીમાં અમે પ્રથમ રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમ “વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ” નું આયોજન કર્યું હતું, જેણે યુવાનોની સક્રિય ભાગીદારી અને યુવા નેતૃત્વને પ્રોત્સાહન આપ્યું હતું. આ સ્પર્ધામાં 30 લાખથી વધુ યુવાનોએ ભાગ લીધો હતો અને પડકારના વિવિધ તબક્કાઓમાં ભાગ લીધો હતો. યુવાન નેતાઓને ભારત માટે તેમના વિચારો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી સમક્ષ પ્રત્યક્ષ રીતે પ્રસ્તુત કરવાની તક મળી.

તેમણે જણાવ્યું કે, ભારત આ સફરમાં અગ્રણી ભૂમિકા ભજવવા માટે પ્રતિબદ્ધ છે, જે પ્રાદેશિક સહકારને મજબૂત કરવા માટે તેની કુશળતા, સંસાધનો અને દ્રષ્ટિકોણ પ્રસ્તુત કરે છે. BIMSTEC એ માત્ર સરકારો સાથે મળીને કામ કરવા વિશે જ નથી – તે લોકોને જોડવા, યુવાનોને સશક્ત બનાવવા અને સહિયારી સમૃદ્ધિના ભવિષ્યનું નિર્માણ કરવા વિશે પણ છે.

પ્રથમ “બિમ્સટેક યુથ સમિટ

આ સમારોહમાં વિદેશ મંત્રાલયના સચિવ(પૂર્વ) જયદીપ મઝુમદારે પ્રથમ “બિમ્સટેક યુથ સમિટ”ના ઉદ્દેશ્ય, જરૂરિયાત અને મહત્વતાની વિસ્તૃત ભૂમિકા આપી હતી. તેમણે સમિટમાં સહભાગી થઈ રહેલા ભારત, બાંગ્લાદેશ, ભૂટાન, મ્યાનમાર, નેપાળ, શ્રીલંકા અને થાઈલેન્ડના પ્રતિનિધિઓનો પરિચય પણ આપ્યો હતો.

કાર્યક્રમના પ્રારંભે CIIના પૂર્વ રાષ્ટ્રીય ચેર શ્રી વિશાલ અગરવાલાએ શાબ્દિક સ્વાગત તેમજ ભારત સરકારના યુવા બાબતો અને રમત ગમત મંત્રાલયના સંયુક્ત સચિવ શ્રી નીતીશકુમાર મિશ્રાએ આભારવિધિ કરી હતી.

ભારત સરકાર અને ગુજરાત સરકારના અધિકારીઓ, ભારત, બાંગ્લાદેશ, ભૂટાન, મ્યાનમાર, નેપાળ, શ્રીલંકા અને થાઈલેન્ડના યુવા પ્રતિનિધિઓ ઉપરાંત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field