(જી.એન.એસ),તા.૧૭
ગાંધીનગર,
ગાંધીનગર શહેરમાં ભૂગર્ભ ગટરમાં મેઈનહોલની સફાઈ માટે સફાઇ કામદારોને ઉતરવું ન પડે તે માટે સાબરમતી ગેસ કંપનીએ સીએસઆરના ભાગરૂપે ત્રણ વર્ષ પહેલા મ્યુનિ.કોર્પોરેશનને બેન્ડીકેટ રોબોટ ભેટમાં આપ્યો હતો. મ્યુનિ.ના સત્તાધિશોએ રોબોટને ઉપયોગમાં લીધો જ નહીં અને રોબોટ છેલ્લા એક- દોઢ વર્ષથી વપરાયા વિનાનો પડી રહ્યો છે, હવે રોબોટના મેઇન્ટેનન્સ પાછળ 15.50 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. રોબોટને ઉપયોગમાં લેવા માટે રીપેરીંગ અને મેઇન્ટેનન્સ કરવું પડે તેવી સ્થિતિ સર્જાઇ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગર શહેરમાં ભૂગર્ભ ગટરમાં ઉતરીને સફાઇ કરતા સફાઇ કર્મચારીઓના અપમૃત્યુના બનાવ અટકાવવા માટે સાબરમતી ગેસ કંપની દ્વારા રૂપિયા 38 લાખ રૂપિયાની કિંમતનો રોબોટ ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનને આપવામાં આવ્યો હતો. તે સમયે તત્કાલિન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં આ રોબોટનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતું. અને ગાંધીનગર મ્યુનિ,કોર્પોરેશનને રોબોટ સોંપવામાં આવ્યો હતો. ગાંધીનગર આવા રોબોટનો ઉપયોગ કરનાર રાજ્યનું સુરત પછીનું બીજું શહેર બન્યું હતું. જોકે ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શરૂઆતના સમયમાં થોડા સમય માટે આ રોબોટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો ત્યારબાદ છેલ્લા દોઢ વર્ષથી રોબોટને ખૂણામાં મૂકી દેવામાં આવ્યો હતો.
હવે એકાએક ગટરની સફાઇ માટે મ્યુનિ.ના સત્તાધિશોને રોબોટ યાદ આવ્યો છે પરંતુ છેલ્લા એક- દોઢ વર્ષથી તેનો ઉપયોગ થયો નહીં હોવાથી ઉપયોગમાં લેતા પહેલા તેનું મેઇન્ટેનન્સ કરવું જરૂરી હોવાથી તેના એક વર્ષના મેઇન્ટેન્સ માટેનું 15.50 લાખનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. જેને મંજૂરી આપવામાં આવી છે. જેથી હવે ટૂંક સમયમાં શહેરમાં ગટરની સફાઇ રોબોટ મારફતે કરવામાં આવશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.