(જી.એન.એસ)તા.૭
ચણા, રાઈ, લસણ, જીરું, ઘઉં, ધાણા, ડુંગળી અને મેથી જેવા શિયાળુ પાકનું વાવેતર કરતા ખેડૂતોએ સાવચેતી રાખવી જરૂરી
બીજને સ્ફુરણ માટે ગરમ તાપમાન અનુકુળ ન હોવાથી વધુ તાપમાનમાં વાવેતર ટાળવું; પાકને સાંજના સમયે વારંવાર હળવું પિયત આપવું ગ્લોબલ વોર્મિંગના પરિણામે વાતાવરણમાં અનેક બદલાવો જોવા મળી રહ્યા છે. રાજ્યના ખેડૂતો અને તેમનો પાક ગ્લોબલ વોર્મિંગ અને બદલાતા વાતાવરણનો ભોગ ન બને તે માટે રાજ્ય સરકારની ખેતી નિયામક કચેરી દ્વારા ખેડૂતો માટે એક વિશેષ એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. દિવાળી પછી શરુ થતી રવિ સિઝનમાં રાજ્યભરના ખેડૂતોએ રવિ પાકોના વાવેતરની શરૂઆત કરી છે અથવા વાવેતર શરુ કરવાની તૈયારી કરી રહ્યા છે. પરંતુ ગુજરાતમાં અત્યારે દિવસ દરમિયાન તાપમાન વધુ રહેતું હોવાથી ખેડૂતોએ વાવેતર સમયે વિશેષ સાવચેતી રાખવી જરૂરી છે. ખેડૂતોએ શિયાળુ પાકના વાવેતર માટે ચણા, રાઈ, લસણ, જીરું, ઘઉં, ધાણા, ડુંગળી અને મેથી પાકનો ઉચ્ચ ગુણવત્તા ધરાવતો બીજવારો અગાઉથી જ મેળવી લેવો જોઈએ, તેમ એડવાઈઝરીમાં જણાવાયું છે. રવિ પાકના બીજને સ્ફુરણ માટે ગરમ તાપમાન અનુકુળ ન હોવાથી દિવસના વધારે તાપમાન અથવા ગરમ તાપમાનના સમયગાળા દરમિયાન રવિ પાકોનું વાવેતર ટાળવું હિતાવહ છે. રવિ પાકોની વાવેતર અવસ્થામાં ઉગાવા પર અસર ના થાય તે માટે વધારે તાપમાનની અસર સામે પાકને સાંજના સમયે વારંવાર હળવું પિયત (શક્ય હોય તો ફુવારાથી) આપવું જોઈએ. આ અગચેતીના પગલાને અનુસરીને ખેડૂતો નુકશાનને નિવારી શકશે, તેમ એડવાઈઝરીમાં વધુમાં જણાવાયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સરકારની MEGHDOOT મોબાઈલ એપ્લીકેશનના માધ્યમથી રાજ્યભરના ખેડૂતો કૃષિ હવામાન એડવાઇઝરી સેવાઓ અને હવામાન વિભાગની ખેડૂતો માટેની આગાહી સરળતાથી જાણી શકશે. ખેડૂતો આ એપ્લીકેશનની મદદથી સ્થળ, પાક અને પશુધન માટેની સલાહ સ્થાનિક ભાષામાં મેળવી શકશે. મેઘદૂત એપ્લીકેશન આ લીંક પર ક્લિક કરીને ડાઉનલોડ કરી શકાશે: https://play.google.com/store/apps/details?id=com.aas.meghdoot&hl=en_IN
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.