Home ગુજરાત કોર્ટ કહેશે કે હું લાચાર છું, તો પ્રજા કોની પાસે ન્યાય માંગવા...

કોર્ટ કહેશે કે હું લાચાર છું, તો પ્રજા કોની પાસે ન્યાય માંગવા જશે?

510
0

(જી.એન.એસ.,પ્રશાંત દયાળ) તા.26
તા. 21 ડિસેમ્બર 2018નો દિવસ ગુજરાત માટે ખાસ કરી મહત્વનો દિવસ હતો. ગુજરાતના બહુ ચર્ચિત સોહરાબુદ્દીન શેખ અને તુલસીરામ પ્રજાપતિના બનાવટી એન્કાઉન્ટર કેસનો મુંબઈની ખાસ સીબીઆઈ કોર્ટે ચુકાદો જાહેર કર્યો. ચુકાદો આપતા ખાસ જજ શર્માએ કહ્યુ સોહરાબ, તેની પત્ની કૌસર અને તુલસીરામના મોતનું મને દુખ છે. ત્રણ ત્રણ વ્યક્તિઓના મોત થયા છે તે હકિકત નકારી શકાય તેમ નથી. જેઓ મૃત્યુ પામ્યા છે તેમના પરિવાર પ્રત્યે મારી સહાનુભુતી છે પણ હું લાચાર છુ કારણ મારી પાસે પુરાવા નહીં હોવાને કારણે હું તમામ 22 આરોપીઓને નિર્દોષ છોડી મુકુ છું. આ ચુકાદાને કારણે ગુજરાત અને દેશની ભાજપ સરકારનું ખુશ થવુ સ્વભાવીક છે. જે પોલીસ અધિકારીઓ નિર્દોષ છુટ્યા તેઓ પણ આનંદ મનાવતા હતા. પરંતુ આ દેશના લાખો લોકો જેમને કેસ સાથે દુર દુર સુધી કોઈ સંબંધ ન્હોતો તેઓ સ્તબ્ધ હતા. આવુ કેવી રીતે બની શકે તેવો પ્રશ્ન બધાના મનમાં એક સાથે જન્મયો, જે કદાચ સમય સાથે શાંત થઈ જશે.
2005માં ગુજરાત પોલીસની એક ટીમ હૈદરાબાદ થઈ સાંગલી જાય છે. એક બસમાંથી તે રાજસ્થાનના ગેંગસ્ટર સોહરાબુદ્દીન શેખ અને તેના સાગરીત તુલસીરામ પ્રજાપતિને બસમાંથી નીચે ઉતારે છે. આ વખતે બસમાં મુસાફરી કરતી સોહરાબની પત્ની કૌસર પોલીસને સવાલ કરે છે કે મારા પતિને ક્યાં લઈ જાવ છો? તે રડે અને પતિ સોહરાબ સાથે પોતાને પણ લઈ જવાની જીદ કરે છે. પોલીસ સોહરાબ-કૌસર અને તુલસીને લઈ નિકળે છે અને રસ્તામાં વલસાડથી તુલસીને અલગ કરી તેને રાજસ્થાનન પોલીસને સોંપી દેવામાં આવે છે. અમદાવાદ લાવવામાં આવેલા સોહરાબને ગુજરાત પોલીસ અને રાજસ્થાન પોલીસ નારોલ હાઈવે પાસે ઉભો રાખી ગોળી મારી તેને મારી નાખે છે. પોલીસ દાવો કરે છે કે સોહરાબ આતંકવાદી હતો અને નરેન્દ્ર મોદીને મારવા આવ્યો હતો અને અથડામણમાં માર્યો ગયો.
અમદાવાદ-ગાંધીનગરના ફાર્મ હાઉસમાં રહેલી કૌસર પોતાના પતિ સોહરાબની હત્યાથી અજાણ છે. તે પતિ ક્યાં છે તેવું પુછ્યા કરે છે. પોલીસને લાગે છે કે કૌસર તેમની મુશ્કેલી બનશે અને તેની પણ હત્યા કરી તેની લાશને ડી. જી. વણઝારાના ગામમાં જઈ સળગાવી દેવામાં આવે છે. બરાબર એક વર્ષ બાદ આ કેસની તપાસ કરી રહેલી સીઆઈડી ક્રાઈમ તુલસીરામની પૂછપરછ માટે રાજસ્થાન જેલમાં પહોંચે તે પહેલા તુલસી પોલીસ જાપ્તામાંથી ભાગ્યો તેવી પોલીસ જાહેરાત કરે છે અને અંબાજી પાસે તેને ગોળી મારી તેને પણ મારી નાખવામાં આવે છે. 2010માં સીબીઆઈ ગાંધીનગર પહોંચે છે. દેશમાં પહેલી વખત બન્યુ કે પોલીસના બનાવટી એન્કાઉન્ટર કેસમાં ગુજરાતના તત્કાલીન ગૃહમંત્રી અમિત શાહ અને રાજસ્થાનના તત્કાલીન ગૃહમંત્રી ગુલાબચંદ કટારીયા આરોપી બને છે. કુલ 38 લોકો આરોપી બને છે.
ગુજરાત અને રાજસ્થાનના પોલીસ અધિકારીઓ નવ-નવ વર્ષ સુધી જેલમાં રહે છે. તેઓ વિવિધ જેલમાં જામીન મુકે છે, પરંતુ તમામ કોર્ટ કહે છે કે તમારી સામેના પુરાવા જોતા તમને જામીન આપી શકાય નહીં. કેસની તપાસ અને કેસની કાર્યવાહીમાં 13 વર્ષ જેટલો લાંબો સમય પસાર થઈ જાય છે. સુપ્રીમ કોર્ટ માને છે કે ગુજરાતમાં કેસને પ્રભાવીત કરવામાં આવશે, સાક્ષીઓ ડરી જશે, ડરાવવામાં આવશે, લાલચો અપાશે, સાક્ષી પરેશાન થઈ જશે. સુપ્રીમ કોર્ટ કહે છે કેસ ગુજરાતમાં નહીં મુંબઈમાં ચલાવવામાં આવે, પણ 13 વર્ષ પછી મુંબઈ કોર્ટ કહે છે કે તે લાચાર છે કારણ 210 સાક્ષીમાંથી 95 સાક્ષીઓ કોર્ટમાં આવી ફરી ગયા. જજ શર્મા કહે છે સાક્ષીઓ ફરી ગયા, મારી પાસે પુરાવા નથી, હું લાચાર છું. જજ શર્માનો આ લાચાર શબ્દ ઘણુ બધુ કહી જાય છે. કોર્ટમાં એક પછી એક સાક્ષીઓ પોતાના નિવેદન ફેરવી તોળી રહ્યા હતા ત્યારે જજે લાચાર થવાની જરૂર ન્હોતી.
સાક્ષી ક્યા કારણે ફરી રહ્યા છે તેની તપાસ કરી ટ્રાયલ ત્યારે જ રોકી સાક્ષીઓને ન્યાયમાં  ભરોસો બેસે તેવી વ્યવસ્થા કરવાની જરૂર હતી. પણ તેવુ જજ શર્મા કરતા નથી. આખી ટ્રાયલ પુરી થતાં સુધી જજ કોઈક કંઈક બોલશે તેની રાહ જુએ છે. કોર્ટ કહે છે સોહરાબનું મોત ગોળી મારવાને કારણે થઈ છે પણ કોણે મારી તેની ખબર નથી, જ્યારે સોહરાબ મર્યો ત્યારે તેની આસપાસ કોઈ બીજા તો હતા નહીં. પોલીસની એફઆઈઆર પ્રમાણે રાજસ્થાન અને ગુજરાતના જ પોલીસ અધિકારીઓ હતા છતાં ન્યાયની દેવીના આખે પાટા બાંધ્યો હોય છે તેવો જ વ્યવહાર જજ શર્માએ કર્યો. વાત માત્ર એક કેસ પુરતી સીમિત નથી. ગુંડો કાયદો તોડે ત્યારે તેને રોકવા અને ડામવા પોલીસ હોય છે. પરંતુ જ્યારે પોલીસ અને નેતાઓ કાયદો હાથમાં લે અને ત્યારે જજ કહે કે હું લાચાર છું તો પ્રજા ન્યાય માટે કોની અપેક્ષા રાખશે? જજની લાચારીનો અર્થ તેવો પણ થાય કે ટ્રાયલ દરમિયાન સમજાયુ કે આરોપીના પાંજરામાં ઉભા તે જ કસુરવાર છે પણ હું તેમને સજા કરી શકતો નથી અથવા કરવા માગતો નથી તે મારી લાચારી છે.
સોહરાબુદ્દીન અને તુલસીરામ ગુંડા હતા અને તેમની પોલીસે હત્યા કરી પણ સોહરાબની પત્ની કૌસરનો ગુનો એટલો જ હતો કે તે સોહરાબની પત્ની હોવાને કારણે તેની પણ હત્યા થઈ. આ કેસના ચુકાદા પછી એક મોટો વર્ગ તેવુ માને છે કે ગુંડાઓ જ મર્યા છે તેનો લોહી ઉકાળો શુ કરો છો? વાત ગુંડા અને સજ્જનની નથી. વાત જેમને રક્ષણ કરવાનું  છે તેવા નેતાઓ અને પોલીસને આ પ્રકારની ટેવ પડી તો તમને અને મને પણ ઘરમાંથી કાઢી ગોળી મારશે અને કહી દેશે કે આપણે પણ ત્રાસવાદી હતાં.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleલો બોલો….બાબા રામદેવે કહ્યું, કહી ન શકાય આગામી વડાપ્રધાન કોણ હશે?
Next articleહિન્દુ દેવી-દેવતાઓને બની રહ્યા છે મજાકનું સાધન.. હવે હનુમાનજીને બનાવ્યા સાંતાકલોઝ…!