Home ગુજરાત કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ નેશનલ હાઈવે પરના જાંબુઆ-પોર-બામણગામ પાસેના સાંકડા...

કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ નેશનલ હાઈવે પરના જાંબુઆ-પોર-બામણગામ પાસેના સાંકડા પુલને ચાર માર્ગીય બનાવવા રૂ. ૧૦૦૦ કરોડ મંજૂર કર્યા

103
0

(જી એન એસ) તા. ૨

વડોદરા

વધ્યું વડોદરાનું અભિમાન : રૂ. ૪૮ કરોડના ખર્ચે નવનિર્મિત વિવિધ પ્રકલ્પોની મળી ભેટ

દુમાડ જંક્શન નવનિર્મિત ફ્લાયઓવર બ્રિજ-દેણા અંડરપાસનું કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીના હસ્તે લોકાર્પણ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સબળ નેતૃત્વમાં નેશનલ હાઈવે નિર્માણથી ગુજરાતમાં શ્રેષ્ઠ કનેક્ટિવિટી અને વિકાસને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકાર કટિબદ્ધ: કેન્દ્રીય મંત્રી ગડકરી

રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરિયોજનાઓથી ગુજરાત વિકાસના માર્ગે અગ્રેસર રહેશે, અમેરિકા જેવા રસ્તા બનાવીશું : નીતિન ગડકરી

વર્ષો જૂની ટ્રાફિક સમસ્યાથી છૂટકારો, અનેક માનવ જિદંગીઓ બચશે: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી

રાત-દિવસ કામ કરીને માત્ર ૨૧ મહિનામાં જ બંને ફ્લાયઓવર બ્રિજ અને અંડરપાસનું કામ પૂર્ણ કરી વડોદરાને મોટી રાહત આપી છે: સાંસદ રંજનબેન ભટ્ટ

બે રાષ્ટ્રીય રાજમાર્ગ પરિયોજનાઓનું લોકાર્પણ કરવા માટે વડોદરા આવેલા કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ વડોદરામાં નેશનલ હાઈવે પર અન્ય સુધારકાર્ય અને નવી પરિયોજનાઓની જાહેરાત કરી હતી. વડોદરાની હદમાં આવતા નેશનલ હાઈવે પરના જાંબુઆ-પોર-બામણગામ પાસેના સાંકડા પુલને ચાર માર્ગીય બનાવવા માટે અને છાણી જંક્શન પર અંડરપાસના નિર્માણ માટે કેન્દ્રીય મંત્રીએ મંજૂરી આપી છે.

કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ગૃહ અને વાહનવ્યવહાર રાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી, વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ અને સાંસદ રંજનબેન ભટ્ટની ઉપસ્થિતિમાં વડોદરા નજીક નેશનલ હાઈવે પર આવેલા દુમાડ અને દેણા ચોકડી પર નવનિર્મિત ફ્લાયઓવર બ્રિજ અને દેણા અંડરપાસ તેમજ સર્વિસ રોડ સહિત રૂ. ૪૮ કરોડના ખર્ચે તૈયાર થયેલા વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું હતું.

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરિયોજનાઓથી ગુજરાત વિકાસના માર્ગે દેશમાં અગ્રેસર રહેશે. ગુજરાત સાથે જ સમગ્ર દેશમાં વર્ષ-૨૦૨૪ ના અંત સુધી અમેરિકા જેવા રસ્તાઓ અને વૈશ્વિક સ્તરની આંતરમાળખાકીય સુવિધા હશે, તેમ ગૌરવસહ તેમણે જણાવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સબળ નેતૃત્વમાં નેશનલ હાઈવે નિર્માણથી ગુજરાતમાં શ્રેષ્ઠ કનેક્ટિવિટી અને વિકાસને પ્રોત્સાહન આપવા માટે આ સરકાર કટિબદ્ધ હોવાનું તેમણે કહ્યું હતું.

અમદાવાદ-વડોદરા નેશનલ હાઈવે પર છાણી જંક્શન પર અંડરપાસના નિર્માણ માટે મંજૂરી આપતા નીતિન ગડકરીએ કહ્યું હતું કે, ઝડપથી જ કામ શરૂ કરી દેવામાં આવશે. આ ઉપરાંત વડોદરાથી વાપી સુધીના નેશનલ હાઈવે પર આવતા તમામ પુલને ચાર માર્ગીય બનાવવામાં આવશે. નર્મદા અને તાપી નદી પર વધારે ૧-૧ પુલ બનાવવા માટે રૂ. ૧૦૦૦ કરોડની મંજૂરીની તેમણે જાહેરાત કરી હતી.

કેન્દ્રીય મંત્રીએ ઉમેર્યું હતું કે, પવિત્ર યાત્રાધામ અને શ્રીકૃષ્ણની નગરી દ્વારકામાં રૂ. ૧૨૦૦ કરોડના ખર્ચે સિગ્નેચર બ્રિજનું નિર્માણકાર્ય ચાલી રહ્યું છે, જે આગામી જન્માષ્ટમી સુધીમાં પૂર્ણ કરવામાં આવશે.

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ગુજરાતને વિકસિત અને સમૃદ્ધ રાજ્ય ગણાવી રાજ્યમાં આગામી સમયમાં અમલમાં આવનારા અનેક હાઈવે પ્રોજેક્ટની જાણકારી આપી હતી. ગ્રીન ફિલ્ડ હાઈ-વેનો આગ્રહ રાખનારા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ગુજરાતના વિકાસમાં આ રાષ્ટ્રીય રાજમાર્ગો અને આંતરમાળખાકીય સુવિધા યોગદાન આપશે તેમ જણાવી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારમાં દેશમાં રાષ્ટ્રીય રાજમાર્ગોની સ્થિતિ અતિસમૃદ્ધ બની હોવાનું જણાવ્યું હતું.

જો ઈન્ફ્રાસ્ટ્રક્ચર સારું નહીં હોય તો વિકાસ નહીં થાય તેવું ભારપૂર્વક જણાવી શ્રી ગડકરીએ કહ્યું કે, સુરક્ષા એ આ સરકારની પ્રાથમિકતા છે. તેમણે સાંસદ રંજનબેન ભટ્ટ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને ગુજરાતમાં ક્યાંય પણ બ્લેક સ્પોટ હોય તો તાકીદે તેમને જાણ કરવા અનુરોધ કર્યો હતો. નીતિન ગડકરીએ કહ્યું કે, મને ટ્રાફિકનું ભારણ અને બ્લેક સ્પોટવાળી જગ્યાની માહિતી આપો, હું સત્વરે સુધારકાર્ય કરાવીશ.

ગુજરાતમાં નેશનલ હાઈ-વે પરના બ્લેક સ્પોટમાં ૮૮ ટકા અને મૃત્યુના પ્રમાણમાં ૨૨ ટકાનો ઘટાડો થયો હોવાનું જણાવી તેમણે માર્ગ અકસ્માતો અને તેમાં મૃત્યુથી દેશને ખૂબ મોટું નુકસાન થતું હોવાનું જણાવ્યું હતું. માર્ગ અકસ્માતો અને તેમાં થતા મૃત્યુના નિવારણ માટે ગુજરાત સરકારે કરેલી પહેલ ‘અકસ્માત નિવારણ સમિતિ’ની કેન્દ્રીય મંત્રીએ પ્રશંસા કરી હતી.

ગૃહ અને વાહનવ્યહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કેન્દ્ર સરકાર અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે, આ પરિયોજનાઓથી માત્ર વડોદરા જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતને બહોળો લાભ મળ્યો છે. ગુજરાતમાં નેશનલ હાઈવે પરના સૌથી મોટા બ્લેક સ્પોટ તેમજ વર્ષો જૂની ટ્રાફિક સમસ્યાનું નિવારણ લાવી દુમાડ-દેણા ચોકડી પર ફ્લાયઓવર બ્રિજ, દેણા અંડરપાસ અને સર્વિસ રોડના નિર્માણથી અનેક માનવ જિદંગીઓ બચશે. તદઉપરાંત પ્રદૂષણ અને હેરાનગતિથી પણ વાહનચાલકોને ખૂબ મોટી રાહત મળશે, તેમ તેમણે ઉમેર્યું હતું.

ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ ઉમેર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર વિશ્વમાં ભારતીયો અને દેશનું નામ ઉજ્જવળ કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સક્ષમ નેતૃત્વમાં સમગ્ર દેશ વિકાસની નૂતન ઉંચાઈઓ સર કરી રહ્યો છે.

પ્રારંભમાં સૌનો આવકાર કરતા સાંસદ રંજનબેન ભટ્ટે વડોદરાવાસીઓને આ અમૂલ્ય ભેટ આપવા બદ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનો આભાર માની અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે, માત્ર ૨૧ માસના ટૂંકા ગાળામાં રાત-દિવસ મહેનત કરીને આ બંને પ્રકલ્પોનું નિર્માણકાર્ય કરાવવા બદલ વડોદરા સહિત સમગ્ર ગુજરાતના વાહનચાલકોને ખૂબ મોટી રાહત મળી હોવાનું તેમણે જણાવ્યું હતું. આ ફ્લાયઓવર બ્રિજ અને અંડરપાસના નિર્માણથી વાહનચાલકોનો સમય અને નાણાનો બચાવ થશે, તેમ તેમણે કહ્યું હતું. વર્ષો જૂની અને ખૂબ મોટી ટ્રાફિક સમસ્યામાંથી કાયમી મુક્તિ બદલ તેમણે વડોદરાવાસીઓને અભિનંદન પાઠવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, દુમાડ ચોકડી પર નિર્મિત ત્રણ કિલોમીટર લંબાઈનો ફ્લાયઓવર બ્રિજ રૂ. ૩૧ કરોડના ખર્ચે અને ૧ કિલોમીટર લંબાઈનો દેણા ફ્લાયઓવર બ્રિજ અને અંડરપાસનું કામ રૂ. ૧૭ કરોડ સહિત કુલ રૂ. ૪૮ કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે ધારાસભ્ય સર્વ યોગેશ પટેલ, કેયુર રોકડીયા, કેતન ઈનામદાર, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, ચૈતન્ય દેસાઈ, અગ્રણી ડો. વિજય શાહ, સતીષ નિશાળીયા, તેમજ નેશનલ હાઈવે ઓથોરિટીના સચિવ સહિત એન. એચ. એ. આઈ. ના અધિકારીઓ ઉપરાંત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

(જી એન એસ)

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleનિફ્ટી ફયુચર ૧૮૮૦૮ પોઈન્ટ મહત્વની સપાટી…!!!
Next articleગુજરાતમાં સ્થપાશે દેશની સૌપ્રથમ લિથિયમ આયન સેલ મેન્યૂફેક્ચરીંગ ગીગા ફેક્ટરી