Home ગુજરાત ગાંધીનગર કેન્દ્રીય મંત્રી શ્રી જયંત ચૌધરીએ 40 કૌશલ્ય અભ્યાસક્રમો ઓફર કરતા NSDC-PDEU સેન્ટરનું...

કેન્દ્રીય મંત્રી શ્રી જયંત ચૌધરીએ 40 કૌશલ્ય અભ્યાસક્રમો ઓફર કરતા NSDC-PDEU સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું

32
0

સેમિકન્ડક્ટર, સોલાર અને સ્માર્ટ ઉત્પાદન જેવા ક્ષેત્રોમાં ઓનલાઇન અને હાઇબ્રિડ કોર્સ ઉપલબ્ધ થશે

(જી.એન.એસ) તા. 21

ગાંધીનગર,

કેન્દ્રીય કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) અને શિક્ષણ રાજ્યમંત્રી શ્રી જયંત ચૌધરીએ ગુજરાતના ગાંધીનગર ખાતે નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NSDC) અને પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી (PDEU) દ્વારા સંયુક્ત રીતે સ્થાપિત સેન્ટર ઓફ એક્સેલન્સ (CoE)નું લોન્ચિંગ કર્યું હતું.

લોન્ચ દરમિયાન સંબોધન કરતા શ્રી જયંત ચૌધરીએ જણાવ્યું કે, “યુનિવર્સિટીઓ ફક્ત શિક્ષણ સંસ્થાઓ નથી – તે એક એવો સેતુ છે જે યુવા માનસને વાસ્તવિક દુનિયાની સતત બદલાતી પરિસ્થિતિઓ સાથે જોડે છે. તેમને ટેક્નિકલ સજ્જતા અને વૈવિધ્યસભર જ્ઞાન પ્રદાન કરીને, તેઓ વિદ્યાર્થીઓનો વિવેચનાત્મક રીતે વિચારવા, નવીનતામાં ઝંપલાવવા અને અસરકારક રીતે અનુકૂલન પ્રાપ્ત કરવા માટે સશક્ત બનાવે છે. યુવા વિકાસની આ યાત્રામાં, ગુજરાત એક પથદર્શક રાજ્ય તરીકે ઉભરી આવ્યું છે. ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉદ્યોગો સાથે ભાગીદારી અને સર્વાંગી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરીને યુનિવર્સિટીઓ એવા વિદ્યાર્થીઓનું ઘડતર કરી રહી છે જેઓ તેમની કારકિર્દી માટે સજ્જ હોવાની સાથે વિચારશીલ, સર્જનાત્મક અને રાષ્ટ્રનિર્માણ માટે પ્રતિબદ્ધ પણ છે.”

તેમણે એ પણ જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં યુનિવર્સિટીઓને ઉદ્યોગોની જરૂરિયાત અનુસાર વિદ્યાર્થીઓને કૌશલ્યની તાલીમ મળે તે સુનિશ્વિત કરવું જોઇએ. “આપણે યુનિવર્સિટીઓને ઇનોવેશન માટે સક્ષમ બનાવવાની છે. તે દેશના વિકાસમાં યોગદાન આપશે. અત્યારે ખાનગી કંપનીઓ ઘણી રીતે ઇનોવેશન કરે છે પણ તે સ્વભાવિકપણે તેમના ફાયદા માટે હશે. પણ જ્યારે યુનિવર્સિટી ઇનોવેશન કરે છે, તો તે દેશને ફાયદો કરે છે.”

CoE વિશેષ તાલીમ પૂરી પાડવા માટે અદ્યતન ઉત્પાદન ક્ષમતાઓ ધરાવતી પ્રયોગશાળાઓથી સજ્જ હશે. આ સેન્ટર સેમિકન્ડક્ટર ઉત્પાદન, નવીનીકરણીય અને બિન-નવીનીકરણીય ઊર્જા, ડિજિટલ એજ, સ્માર્ટ ઉત્પાદન જેવા ક્ષેત્રોમાં 40 થી વધુ ઑનલાઇન અને હાઇબ્રિડ અભ્યાસક્રમો ઓફર કરશે.

આ મહિનાની શરૂઆતમાં NSDC અને PDEU વચ્ચે આ સંદર્ભમાં એક એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ડિઝાઇને કરાયેલા આ 40  અભ્યાસક્રમો ITI, ડિપ્લોમા, સ્નાતક અને અનુસ્નાતક કાર્યક્રમોના વિદ્યાર્થીઓને સુવિધાઓ આપશે. આ અભ્યાસક્રમો ટિયર-1, ટિયર-2 અને ટિયર- 3 સંસ્થાઓના વિદ્યાર્થીઓને ઊર્જા, આરોગ્ય, પાણી અને ખોરાક સહિતના મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં વિશિષ્ટ મેન્યુફેક્ચરિંગ કૌશલ્ય સમૂહોમાં વ્યવહારુ અનુભવથી સજ્જ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે.

NSDC ના સીઇઓ અને NSDC ઇન્ટરનેશનલના મેનેજિંગ ડાયરેક્ટર (MD) શ્રી વેદમણિ તિવારીએ જણાવ્યું કે, “ભારત તેના યુવાનો માટે એક નવા ભવિષ્યનું નિર્માણ કરી રહ્યું છે, ઝડપથી બદલાઇ રહેલા સમય અનુસાર તેમની અંદર જરૂરી કૌશલ્ય નિર્માણ કરી રહ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ, રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ નિગમ (NSDC) દ્વારા ગ્લોબલ સર્ટિફિકેશન પ્રોગ્રામ્સ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે જેના લીધે ભારતીય વિદ્યાર્થીઓને વિશ્વકક્ષાની તાલીમ મળે છે અને આંતરરાષ્ટ્રીય જોબ માર્કેટમાં તેઓ આત્મવિશ્વાસથી આગળ વધી શકે છે. ”

ભારતને ઊર્જા ક્ષેત્રે ગ્લોબલ લીડર બનાવવા સંદર્ભે તેમણે વધુમાં જણાવ્યું હતું કે “હાઇડ્રોજન ઉત્પાદનના મહત્વપૂર્ણ ક્ષેત્ર સહિત, નવીનીકરણીય અને બિન-નવીનીકરણીય ઊર્જા તકનીકોમાં અત્યાધુનિક તાલીમને એકીકૃત કરીને, ભારત તેના વિદ્યાર્થીઓને વૈશ્વિક ઊર્જા ક્રાંતિમાં મોખરે રહેવા માટે તૈયાર કરી રહ્યું છે. આ વિશિષ્ટ અભ્યાસક્રમો સમગ્ર ભારતના યુવાનો માટે સુલભતા સાથે ઉપલબ્ધ બનશે. આ માત્ર કૌશલ્ય નિર્માણ જ નથી પરંતુ રાષ્ટ્રનિર્માણ છે. આ અભૂતપૂર્વ પ્રયાસોથી દેશના યુવાનોની ક્ષમતામાં વધારો થવાની સાથે ભારત ઊર્જા ક્ષેત્રમાં ગ્લોબલ લીડર તરીકે સ્થાપિત થશે.”

PDEU ના ડાયરેક્ટર જનરલ એસ સુંદર મનોહરને જણાવ્યું કે, “વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ અંતર્ગત સમગ્ર ભારતમાં યુવાનોને સશક્ત બનાવવા તેમજ કૌશલ્ય વિકાસને આગળ વધારવાના તેમના મિશનને અનુરૂપ PDEU દેશભરમાં બહોળી સંખ્યામાં નાગરિકોને સશક્ત બનાવવા માટે પ્રતિબદ્ધ છે. આત્મનિર્ભર અને વિકસિત ભારતના લક્ષ્યને સાકાર કરવામાં આ સેન્ટર્સ ઓફ એક્સલન્સની ભૂમિકા મહત્વપૂર્ણ છે.”

CoE ના સુગમ સંચાલનમાં અને વિદ્યાર્થીઓને કાર્યક્રમોના સરળ વિતરણમાં NSDC મુખ્ય ભૂમિકા ભજવશે. તે સમયાંતરે પ્રોજેક્ટ પ્રગતિનું નિરીક્ષણ કરશે જેથી વિદ્યાર્થીઓ ગુણવત્તાયુક્ત તાલીમ મેળવી શકે અને ભવિષ્યની નોકરી માટે તૈયાર થઈ શકે.

ઊર્જા સંક્રમણ અને કૌશલ્ય વિકાસમાં મોખરે રહેલું PDEU, સૌર અને પવન ઊર્જા, લિથિયમ અને વેનેડિયમ ઊર્જા સંગ્રહ, કાર્બન કેપ્ચર અને સ્માર્ટ હાઇબ્રિડ ગ્રીડ સહિત વિવિધ ક્ષેત્રોમાં તેની કુશળતાનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓને આ ક્ષેત્રોમાં કારકિર્દી માટે તૈયાર કરશે. તે 45 મેગાવોટ સોલર પીવી મેન્યુફેક્ચરિંગ લાઇન અને ATMP સેમિકન્ડક્ટર પેકેજિંગ લાઇન સહિત ઇન્ડસ્ટ્રી-સ્ટાન્ડર્ડ મેન્યુફેક્ચરિંગ લાઇનો સાથે વિદ્યાર્થીઓને સશક્ત બનાવશે.

NSDC અને PDEU વચ્ચેની ભાગીદારી ભવિષ્ય માટે તૈયાર કાર્યબળના નિર્માણ તરફ એક પરિવર્તનશીલ પગલું છે, જે ભારતના આર્થિક વિકાસ અને ટેકનોલોજીકલ નેતૃત્વ માટે મહત્વપૂર્ણ છે. તે મેક-ઇન-ઇન્ડિયા રેડીનેસ અભિયાનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે અને આત્મનિર્ભર ભારતની પ્રગતિને વેગ આપશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field