(જી.એન.એસ) તા. 5
નવી દિલ્હી,
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે પશુધન સ્વાસ્થ્ય અને રોગ નિયંત્રણ કાર્યક્રમ (એલએચડીસીપી)માં સુધારાને મંજૂરી આપી દીધી છે.
આ યોજનાનાં ત્રણ ઘટકો છેઃ રાષ્ટ્રીય પશુ રોગ નિયંત્રણ કાર્યક્રમ (એનએડીસીપી), એલએચએન્ડસી અને પશુ ઔષધિ. એલએચએન્ડડીસી ત્રણ પેટા ઘટકો ધરાવે છે, જેમાં ક્રિટિકલ એનિમલ ડિસીઝ કન્ટ્રોલ પ્રોગ્રામ (સીએડીસીપી), હાલની પશુચિકિત્સા હોસ્પિટલો અને ડિસ્પેન્સરીઓની સ્થાપના અને તેને મજબૂત કરવા – મોબાઇલ વેટરનરી યુનિટ (ઇએસવીએચડી-એમવીયુ) અને પશુ રોગોનાં નિયંત્રણ માટે રાજ્યોને સહાય (એએસસીએડી) સામેલ છે. પશુ ઔષધિ એ એલ.એચ.ડી.સી.પી. યોજનામાં ઉમેરવામાં આવેલ એક નવો ઘટક છે. આ યોજનાનો કુલ ખર્ચ બે વર્ષ એટલે કે 2024-25 અને 2025-26 માટે રૂ. 3,880 કરોડ છે. જેમાં સારી ગુણવત્તાની અને સસ્તી જેનેરિક પશુચિકિત્સાયુક્ત દવા પ્રદાન કરવા માટે રૂ. 75 કરોડની જોગવાઈ તથા પશુ ઔષધિ ઘટક હેઠળ દવાઓનાં વેચાણ માટે પ્રોત્સાહન સામેલ છે.
ફૂટ એન્ડ માઉથ ડિસીઝ (એફએમડી), બ્રુસેલોસિસ, પેસ્ટ ડેસ પેટિટ્સ રુમિનન્ટ્સ (પીપીઆર), સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ (સીએસએફ), લમ્પી સ્કિન ડિસીઝ વગેરે જેવા રોગોને કારણે પશુધનની ઉત્પાદકતા પર પ્રતિકૂળ અસર પડે છે. એલએચડીસીપીના અમલીકરણથી રસીકરણ મારફતે રોગોને અટકાવીને આ નુકસાનમાં ઘટાડો કરવામાં મદદ મળશે. આ યોજના મોબાઇલ પશુચિકિત્સા એકમો (ઇએસવીએચડી-એમવીયુ)ની પેટાઘટકો મારફતે પશુધન સ્વાસ્થ્ય સારસંભાળને ડોર-સ્ટેપ ડિલિવરી કરવા તથા પીએમ-કિસાન સમૃદ્ધિ કેન્દ્ર અને સહકારી મંડળીઓનાં નેટવર્ક મારફતે જેનેરિક પશુ ચિકિત્સા દવા – પશુ ઔષધિની ઉપલબ્ધતામાં સુધારો કરવાની કામગીરીને પણ ટેકો આપે છે.
આમ, આ યોજના રસીકરણ, દેખરેખ અને આરોગ્ય સુવિધાઓના અપગ્રેડેશન દ્વારા પશુધનના રોગોના નિવારણ અને નિયંત્રણમાં મદદ કરશે. આ ઉપરાંત આ યોજનાથી ઉત્પાદકતામાં સુધારો થશે, રોજગારીનું સર્જન થશે, ગ્રામીણ વિસ્તારમાં ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન મળશે અને રોગના બોજને કારણે ખેડૂતોને થતા આર્થિક નુકસાનને અટકાવશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.