Home ગુજરાત ગાંધીનગર કાયદા સાથે સંપર્ક- સંઘર્ષમાં આવતા બાળકોને સમાજના મુખ્ય પ્રવાહમાં પુનઃસ્થાપિત કરવા રાજ્ય...

કાયદા સાથે સંપર્ક- સંઘર્ષમાં આવતા બાળકોને સમાજના મુખ્ય પ્રવાહમાં પુનઃસ્થાપિત કરવા રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ :- સામાજિક ન્યાય-અધિકારીતા મંત્રી શ્રી ભાનુબેન બાબરિયા

17
0

(જી.એન.એસ)તા.11

ગાંધીનગર,

સામાજિક ન્યાય, અધિકારીતા અને બાળ વિકાસ મંત્રી શ્રી ભાનુબેન બાબરિયાએ એક દિવસીય વર્કશોપમાં તાલીમાર્થીઓને સંબોધતાં કહ્યું હતું કે, કાયદા સાથે સંપર્ક અને સંઘર્ષમાં આવતા બાળકોના સર્વોત્તમ હિતને ધ્યાને રાખીને આવા બાળકોને સમાજના મુખ્ય પ્રવાહમાં પુન:સ્થાપિત કરવા રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે. આ પ્રક્રિયામાં ચાઈલ્ડ વેલ્ફેર કમિટી અને જુવેનાઈલ જસ્ટિસ બૉર્ડ રાજ્યમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે.

બાળકોની સુરક્ષા અને સર્વાંગી વિકાસ માટે ‘મિશન વાત્સલ્ય યોજના’ અંતર્ગત સમાજ સુરક્ષા પ્રભાગ, ગુજરાત સ્ટેટ ચાઈલ્ડ પ્રોટેક્શન સોસાયટી અને જિલ્લા સ્તરે દરેક જિલ્લા બાળ સુરક્ષા એકમ, ચાઈલ્ડ વેલ્ફેર કમિટી, જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ દ્વારા બાળ સુરક્ષા વિષયક નોંધપાત્ર કામગીરી ક૨વામાં આવે છે. આ વર્કશોપનો મુખ્ય ઉદ્દેશ્ય બાળ કલ્યાણ સમિતિના સભ્યો અને જુવેનાઇલ જસ્ટિસ બોર્ડના સભ્યોમાં બાળ અધિકાર આધારિત અભિગમ અપનાવવા તેમજ બાળ મૈત્રીપૂર્ણ વાતાવરણ પરત્વે વધુ સંવેદનશીલતા લાવી બાળ સુરક્ષાના વિષયોમાં જાગૃતિ લાવવાનો છે તેમ, મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

સામાજિક ન્યાય અધિકારીતા અને બાળ વિકાસ મંત્રી શ્રી ભાનુબેન બાબરિયાના અધ્યક્ષસ્થાને તેમજ સામાજિક અને ન્યાય અધિકારીતા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી શ્રી ભીખુંસિંહજી પરમારની ઉપસ્થિતિમાં આજે સમાજ સુરક્ષા પ્રભાગ, ગુજરાત સ્ટેટ ચાઇલ્ડ પ્રોટેકશન સોસાયટી અને સ્ટેટ અડોપ્શન રિસોર્સ એજન્સી (SARA) દ્વારા સંયુક્ત રીતે ગુજરાત નેશનલ લો યુનિવર્સિટિ-GNLU ગાંધીનગર ખાતે મિશન વાત્સલ્ય હેઠળ ‘બાળ સુરક્ષા’ વિષયક એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. 

મંત્રીશ્રી ભાનુબેને વધુમાં જણાવ્યું હતું કે, હાલ ગુજરાતમાં ૧૨૦ બાળ સંભાળ સંસ્થાઓમાં ૩,૦૭૬ જેટલા બાળકો સંસ્થાકીય સંભાળ હેઠળ આશ્રય લઇ રહ્યા છે. જ્યાં આ બાળકોને જીવન જરૂરી તમામ ચીજ-વસ્તુઓ પૂરી પાડવામાં આવે છે. આ બાળકોના શિક્ષણ, આરોગ્ય ઉપરાંત સર્વાંગી વિકાસને કેન્દ્ર સ્થાને રાખીને વિવિધ પ્રકારના કાર્યક્રમો અને રચનાત્મક પ્રવૃતિઓ પણ કરવામાં આવે છે. વિવિધ બાળ સંભાળ સંસ્થાઓમાં આશ્રય લઇ રહેલ અનાથ અને ત્યજાયેલ બાળકોને બાળ કલ્યાણ સમિતિ દ્વારા તેમના ઉજ્જવળ ભવિષ્ય અને શ્રેષ્ઠ હિતાર્થે રાજ્યની ૧૬ વિશિષ્ટ દત્તક સંસ્થાઓ પણ કાર્યરત છે. સમયાંતરે જરૂરીયાત જણાય ત્યાં બાળકોનું કાઉન્સેલિંગ કરી સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવા સરકાર દ્વારા અથાગ તેમજ સંવેદનશીલ પ્રયત્ન કરવામાં આવે છે..

તેમણે વધુમાં કહ્યું હતું કે, ભારતને શ્રેષ્ઠ, સમૃદ્ધ અને વિકસિત બનાવવું એ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનું હરહંમેશ સ્વપ્ન રહ્યું છે અને એ સ્વપ્નને સાકાર કરવા આજના બાળકને શ્રેષ્ઠ શિક્ષણ અને સ્વાસ્થ્ય  આપવા અમારી સરકાર કટિબદ્ધ છે.

વર્કશોપમાં બાળ અધિકારો, સંરક્ષણ અને બાળ સુરક્ષા વિશે સમજૂતી, બાળ કલ્યાણ સમિતિ અને જુવેનાઈલ બોર્ડની ભૂમિકા અને કાર્યો, જુવેનાઈલ જસ્ટિસ એક્ટ, ૨૦૧૫ અને અમેડમેન્ટ, ૨૦૨૧ની મુખ્ય લાક્ષણિકતાઓ, અડોપ્શન રેગ્યુલેશન, ૨૦૨૨ની મુખ્ય લાક્ષણિકતાઓ તેમજ બાળ સુરક્ષામાં ઉદભવતા પ્રશ્નો અને નિરાકરણ જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી. આ એક દિવસીય વર્કશોપમાં રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમા ફરજ બજાવતા બાળ કલ્યાણ સમિતિના તમિલાર્થીઓએ ભાગ લીધો હતો.

આ વર્કશોપમાં ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રી મીરાબેન પટેલ, ગાંધીનગર જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન પટેલ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અંતર્ગત સમાજ સુરક્ષા નિયામક શ્રી વિક્રમસિંહ જાદવ, વિભાગના ઉચ્ચ અધિકારીઓ-કર્મચારીઓ, સહિત વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકચ્છમાં ભારે વરસાદ કારણે રાહત બચાવ કામગીરીના માટે ઋષિકેશ પટેલ-પ્રફુલ પલગા લીધાં
Next articleઉંઝા ઉમિયા માતાજી મંદિર ખાતે કાપડની બેગ વેન્ડીંગ મશીનમાં મુખ્યમંત્રીશ્રીએ પાંચ રૂપિયાનો સિક્કો નાંખી કાપડની થેલી મેળવી મશીનનું ઉદ્ઘાટન કર્યું