Home ગુજરાત ઇન્ડિયન રોડ કોંગ્રેસ (IRC)ના ૮૨માં વાર્ષિક સત્ર અંતર્ગત આયોજિત ટેકનીકલ પ્રદર્શનનો મંત્રી...

ઇન્ડિયન રોડ કોંગ્રેસ (IRC)ના ૮૨માં વાર્ષિક સત્ર અંતર્ગત આયોજિત ટેકનીકલ પ્રદર્શનનો મંત્રી શ્રી ઋષિકેશ પટેલે શુભારંભ કરાવ્યો

20
0

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે દેશ-વિદેશની ૧૨૦થી વધુ કંપની દ્વારા રોડ, ટ્રાન્સપોર્ટેશન અને બાંધકામ ક્ષેત્રની અદ્યતન ટેકનોલોજીથી અવગત કરાવતું પ્રદર્શન ખુલ્લું મૂકાયું

કોઇપણ દેશના આર્થિક વિકાસમાં રોડ-રસ્તાની કનેક્ટીવીટી ખુબ જ મહત્વની; વિશ્વમાં રોડ-રસ્તા કનેકટીવીટીમાં ભારત દ્વિતીય સ્થાને : આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ

એન્જીનીયરીંગ ક્ષેત્રના વિદ્યાર્થીઓને પ્રદર્શનની મુલકાત લેવા અનુરોધ કરતા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ

(જી.એન.એસ),તા.૦૧

ગાંધીનગર

ગાંધીનગર ખાતે આગામી તા. ૨ થી ૫ ડિસેમ્બર દરમિયાન ઇન્ડિયન રોડ કોંગ્રેસનું (IRC) ૮૨મું વાર્ષિક સત્ર યોજાશે. જે અંતર્ગત મહાત્મા મંદિર ખાતે આયોજિત ટેકનીકલ પ્રદર્શનનો આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલે શુભારંભ કરાવ્યો હતો. મંત્રી શ્રી ઋષિકેશ પટેલે તા. ૧ થી ૫ ડિસેમ્બર સુધી ચાલનાર આ પ્રદર્શનની રૂબરૂ મુલાકાત પણ લીધી હતી.

આશરે ૧૦,૫૦૦ ચો. મીટર વિસ્તાર અને બે હોલમાં રજૂ કરવામાં આવેલા આ ટેક્નિકલ પ્રદર્શનમાં  દેશ-વિદેશની ૧૨૦થી વધુ કંપનીઓ જોડાઈ છે. જે પૈકીની મોટાભાગની કંપનીઓ રોડ અને બ્રીજના સંલગ્ન ઉદ્યોગો સાથે સંકળાયેલી છે. આ પ્રદર્શનના માધ્યમથી મુલાકાતીઓ રોડ સુરક્ષા, એરિયલ ટ્રાફિક મેનેજમેન્ટ, બ્રીજ અને બિલ્ડિંગ ડિઝાઇનને લગતા સોફ્ટવેર તેમજ આ ક્ષેત્રથી સંબંધિત વિવિધ માહિતી અને અત્યાધુનિક ટેક્નોલોજીની માહિતી મેળવી શકશે.

ટેકનીકલ પ્રદર્શનને ખુલ્લું મૂકતા આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, કોઇપણ દેશના આર્થિક વિકાસમાં રોડ-રસ્તાની કનેક્ટીવીટી ખુબ જ મહત્વની છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે વર્ષ ૨૦૦૪માં ગુજરાતે ઇન્ડિયન રોડ કોંગ્રેસના વાર્ષિક સત્રની યજમાની કરી હતી. ત્યારબાદના ૨૦ વર્ષમાં રોડ, ટ્રાન્સપોર્ટેશન અને બાંધકામ ક્ષેત્રે અનેક પરિવર્તનો આવ્યા છે. આજે ફરી એકવાર ગુજરાત ઇન્ડિયન રોડ કોંગ્રેસના વાર્ષિક સત્રની યજમાની કરવા જઈ રહ્યું છે, ત્યારે આ પ્રદર્શન દેશ-વિદેશની વિવિધ કંપનીઓ અત્યાધુનિક શોધ-સંશોધનોથી વિકસાવેલી નવીન તકનીકોના આદાન-પ્રદાન માટેનું શ્રેષ્ઠ માધ્યમ બનશે.

મંત્રી શ્રી પટેલે ઉમેર્યું હતું કે, વિશ્વમાં રોડ-રસ્તા કનેકટીવીટીમાં અમેરિકા પ્રથમ, ચીન દ્વિતીય અને ભારત તૃતીય સ્થાને હતું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી ભારતે દ્વિતીય સ્થાન હાંસલ કર્યું છે, જે ભારત માટે ગર્વની વાત છે. જે દેશના રોડ પરિવહન માળખું સુવિકસિત હોય, એ દેશનો વિકાસ વેગવંતો બને છે. ભારતના વિકાસમાં પણ રોડ પરિવહનનું ખુબ જ મહત્વ રહેલું છે. આજે ભારતના કુલ પબ્લિક ટ્રાન્સપોર્ટનું ૭૫ ટકા પરિવહન રોડ મારફત થાય છે, જ્યારે માલ-સામાન પરિવહનનું ૬૫ ટકા ટ્રાન્સપોર્ટેશન પણ રોડ મારફત જ થાય છે.

આ ઉપરાંત, જંગલો, પહાડો અને દરિયાકાંઠા સહિતના દુર્ગમ વિસ્તારોમાં પણ પરિવહનને સુગમ બનાવવા ભારતે ટેકનોલોજીની મદદથી અટલ ટનલ, સિગ્નેચર બ્રીજ અને ઓલ વેધર રોડ જેવા એન્જીનીયરીંગ માર્વેલ થકી વિશ્વ સમક્ષ પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. વર્ષ ૨૦૧૪ સુધી ભારતમાં દરરોજ ૨૧ કિલોમીટર રોડ બનતા હતા, જે ઝડપ આજે બમણી થઇ ગઈ છે. સાથે જ નવીન ટેકનોલોજીના ઉપયોગના પરિણામે સમય અને ખર્ચમાં બચત તથા રોડ-રસ્તાની ગુણવત્તામાં વધારો થયો છે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

ગુજરાતના એન્જીનીયરીંગ ક્ષેત્રના ઉદ્યોગકારો અને વિદ્યાર્થીઓ માટે આ ક્ષેત્રની અદ્યતન ટેકનોલોજીને જાણવા માટેનો આ ઉત્તમ અવસર છે. વિદ્યાર્થીઓ આ ટેકનોલોજીથી અવગત થઇ દેશના વિકાસમાં સહભાગી થાય, તેવો મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઇન્ડિયન રોડ કોંગ્રેસ (IRC) એ દેશમાં હાઇવે એન્જિનિયર્સની સર્વોચ્ચ સંસ્થા છે. ભારતમાં માર્ગ વિકાસના ઉદ્દેશ્ય સાથે IRC  ભારત સરકારના માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય હેઠળ કાર્ય કરે છે. આ કાર્યક્રમમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લગતા વિવિધ વિષયો પર ચર્ચા, સંવાદ અને રિસર્ચ પેપર રજૂ કરીને, દેશના રોડના માળખાને આગળ લઇ જવાની દિશામાં સંવાદ કરવામાં આવશે. કાર્યક્રમના ભાગરૂપે 3 ડિસેમ્બરના રોજ કેન્દ્રીય માર્ગ, પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી શ્રી નીતિન ગડકરી અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કાર્યક્રમને સંબોધિત કરશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમાનનીય મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે મલેશિયામાં ‘ગ્લોબલ ઓર્ગેનાઈઝેશન ઓફ પીપલ ઓફ ઈન્ડિયન ઓરિજિન’ દ્વારા આયોજિત પ્રથમ બિઝનેસ સમિટનું ઉદ્ઘાટન કર્યું
Next articleરાજ્યમાં કૃષિ ક્ષેત્રે સ્થપાતા ઉદ્યોગોને મળ્યું પ્રોત્સાહન: “સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિ” હેઠળ ૪૮૦થી વધુ કૃષિ ઉદ્યોગ એકમોને મળી રૂ.૩૨૮ કરોડથી વધુની સહાય