Home ગુજરાત આપણે આપણા સંતાનને માત્ર માણસ થવાનું શીખવાડવાનું છે બાકી સમય સમયનું કામ...

આપણે આપણા સંતાનને માત્ર માણસ થવાનું શીખવાડવાનું છે બાકી સમય સમયનું કામ કરશે

350
0

(જી.એન.એસ.,પ્રશાંત દયાળ) તા.1
આપણે ક્યારેય આપણી અંદર ચાલતી ગડમથલોને તપાસવાની તસ્દી લેતા નથી, આપણને કઈક ગમે છે અને કઈક ગમતુ નથી તો આવુ કેમ થાય છે, જે ગમે છે તેનું કારણ શું છે અને જે નથી ગમતુ તો કેમ ગમતુ નથી તેવો પ્રશ્ન આપણે પોતાને ક્યારેય કરતા નથી. જેના કારણે આપણા મનમાં પડેલી સાચી ખોટી ધારણાઓ ઉપર એક પછી એક પડ ચડતા જાય છે. જે આપણું જીવન ખરાબ કરી નાખે છે. આપણે સતત આપણા મનમાં રહેલી ના પસંદને લઈ માનસીક સંતાપમાં જીવવા લાગીએ છીએ, જેઓ શ્રીમંત થઈ ગયા છે અથવા જેમને પણ શ્રીમંત થવું છે તેવા મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગને આમ તો તમામ વર્ગને ગરીબો પસંદ પડતા નથી, આ કડવી વાસ્તવિક્તા આપણે સ્વીકારવા તૈયાર રહેવું પડશે. છેલ્લાં કેટલાંક વર્ષોથી સરકાર ઝુંપડામાં રહેતા ઘર વિહોણા ગરીબો માટે ઈકોનોમીકલ વીકર સેકશન સ્કીમ હેઠળ મકાનો બનાવે છે અને ગરીબોને પોતાનું ઘર ફાળવે છે. આવી યોજના જે પણ મોટા શહેરોમાં મુકાઈ તેની સામે મોટા ભાગના સ્થળે આ પ્રકારના મકાન બનવા સામે વિરોધ થઈ રહ્યો છે અને આ વિરોધ મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગ કરી રહ્યો છે.
આજ પ્રકારની સ્થિતિ રાઈટ ટુ એજયુકેશનની છે. જો દેશનો દરેક બાળકને ભણવાનો અધિકાર મળે છે અને કોઈ બાળક શિક્ષણથી વંચિત ના રહે તો દેશની અનેક સમસ્યાઓમાંથી આપણને મુક્તિ મળે, ગરીબમાં ગરીબનું બાળક પણ ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરી શકે તેવી વ્યવસ્થા સરકારે ઊભી કરી છે. આ સારી યોજના છે, પરંતુ સરકારની આ યોજના સામે પણ ખાસ્સો વિરોધ છે અને વિરોધ કરનાર બીજા કોઈ નહીં મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગના લોકો છે. જેમના બાળકો ખાનગીમાં શાળામાં વર્ષે લાખો રૂપિયા ફિ ભરી ભણે છે, જ્યારે આ જ શાળામાં ગરીબના બાળકો મફત ભણે તેની સામે તેમને વાંધો છે. આમ સરકારની આ બંન્ને યોજના જુઓ તો એક ગરીબ માણસ જે કાચા મકાનમાં રહે છે તેને સરકાર મકાન આપે છે અને બીજી યોજના ગરીબનું બાળક ફિ ભર્યા વગર શહેરની સારી ગણાતી સ્કૂલમાં અભ્યાસ કરી શકે છે. પણ આ બંન્ને યોજનાઓ સામે આપણને વાંધો છે, આમ તો કોઈનું કલ્યાણ થાય તો આપણને આનંદ થવો જોઈએ પરંતુ આપણે કોઈના કલ્યાણ સામે વાંધો છે જે અંગે તમે ક્યારેય વિચાર કર્યો છે?
ખરેખર ગરીબનું કલ્યાણ થાય તેની સામે આપણને કોઈ વાંધો નથી પણ વાંધો ગરીબનું કલ્યાણ પણ આપણે કહીએ તેમ થાય તેવો આપણો આગ્રહ છે. આપણે આપણા હ્રદયને જરાક કોરીએ તો મનમાં પડેલુ સત્ય બહાર આવશે, આપણને ગરીબને મકાન મળે અને ગરીબ બાળકને શિક્ષણ મળે તેની સામે વાંધો નથી ખરેખર તે ગરીબ છે એટલે આપણને ગમતા નથી તે નગ્ન સત્ય છે. દોષ માત્ર એટલો જ છે કે તેઓ ગરીબ છે, આપણે હાલમાં જ્યાં રહીએ છીએ તેની બાજુમાં જો કોઈ પાંચ કરોડના બંગલાની સ્કીમ મુકાય, જેની સામે આપણે કોઈ રોકાણ નથી છતાં આપણે તે બંગલાનું ગૌરવ લઈશું, આપણું બાળક જે સ્કૂલમાં અભ્યાસ કરે તે સ્કૂલમાં માની લઈ કે અનીલ- મુકેશ અંબાણીના સંતાનો ભણવા આવે તો આપણને ગૌરવ થશે પણ ગરીબનો દિકરો-દીકરી સરકારની કાયદા પ્રમાણે સ્કૂલમાં એડમીશન લે તો આપણને વાંધો પડે છે. આ બહુ નાજુક બાબત છે આપણે પોતાને હચમચાવી ક્યારેય પુછતા નથી કે આવું કેમ કરીએ છીએ. આપણા મનમાં ગરીબો માટે ધૃણા છે કારણ તેમની પાસે સારા કપડા- કહેવાતી મેનર્સ નથી.
કઈ વાંધો નહીં મને દુનિયાના તમામ માણસો અને તમામ વર્ગના લોકો ગમતા હોય તે જરૂરી નથી, પણ મારા અણગામાનો વિરોધ સ્વાર્થી છે જે લોકો આપણને પસંદ નથી તેમના વગર ચલાવા આપણે શીખી લેવું જોઈએ પણ તે આપણાથી શકય નથી, આપણા ઘરમાં એક દિવસ જો કામવાળો અથવા કામવાળી આવવાની નથી તેવી આગોતરી જાણ થાય તો કોઈ રાષ્ટ્રીય સંકટ જાહેર થયું હોય તેવી સ્થિતિ ઘરના તમામ સભ્યોના માથે આવી પડે છે. ઘરની સ્ત્રીઓ લઈને પતિ અને બાળકો તમામ ચિંતામાં પડી જાય છે. જો કામવાળો અથવા કામવાળી ગરીબ હોવાને કારણે આપણને વાંધો હોય તો આપણે તેમના વગર ચલાવતા પણ શીખી જવું જોઈએ, આપણા દિવસનો ક્રમ જુઓ તો સવારથી રાત સુધી એવા કેટલા કામ છે જે આપણી પાસે પૈસા હોવા છતાં ગરીબ માણસો કરે છે. જે લોકો આપણને ગમતા નથી. આ જ ગરીબ માણસો આપણી જીંદગીને સરળ બનાવે છે સવારે આપણું આંગણુ વાળતો સફાઈ કામદાર, આપણા ઘર સુધી શાક લઈ આવતો લારી વાળો, આપણી કાર સાફ કરતો છોકરો, ઘરમાં કામ કરતો નોકર, સહિત કડિયા, સુથાર અને પલ્બર સહિત આવા એકસો કરતા વધુ લોકો છે જેમણે આપણી જીંદગીનો આનંદ લેવાનો આપણને સમય આપ્યો છે.
પણ આ જ ગરીબ માણસ આપણો પડોશી થાય તો આપણને વાંધો પડે છે, આ જ ગરીબનું બાળક આપણા બાળક સાથે અભ્યાસ કરે તો આપણને પસંદ નથી. આપણે આ તમામ માટે એક વાહિયાત દલીલ કરીએ છીએ કે સંસ્કારનો પ્રશ્ન છે. ગરીબનું બાળક આપણા બાળક સાથે ભણે તો તેના સંસ્કાર અને આપણા સંસ્કાર અલગ પડે છે. આપણા બાળક ઉપર તેની માઠી અસર અસર પડે છે. મને આ દલિલ અંગે કાયમ આશ્ચર્ય છે. કારણ જે બાળક સ્કૂલમાં પાંચ કલાક જાય છે તેના મનમાં માઠી અસર પડે છે અને જે બાળક આપણી સાથે બાકીના ઓગણીસ કલાક રહે છે તેની ઉપર આપણા સારા સંસ્કારની અસર કેમ થતી નથી, દોષ આપણી અંદર છે આપણે જે લોકો સંસ્કારની દુહાઈએે આપીએ છીએ, ત્યાં જ ગરબડ છે. કારણ કે સંસ્કારનો ખરો અર્થ થાય છે માણસ થવું, આપણે આપણા સંતાનને માત્ર માણસ થવાનું શીખવાડવાનું છે બાકી સમય સમયનું કામ કરશે. મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગને જે વાત સમજાઈ નથી તે વાત મુકેશ-અનીલ અને ગૌતમ અદાણીને સમજાઈ ગઈ છે કારણ તેમની કંપનીમાં કામ કરતા તમામ માણસો મુકેશ-અનીલ અને ગૌતમ થવાના નથી દરેકની પોતાની લાયકાત પ્રમાણે કામ અને દામ આપે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભારે બર્ફ વર્ષા વચ્ચે કુલ્લુ-મનાલીમાં ગુજરાત સહિતના પ્રવાસીઓએ કરી નવા વર્ષની ઉજવણી
Next articleગુજરાત સરકારમાં બેટીઓ અસલામત : નવા વર્ષે જ નોંધાઈ પાટનગરમાં દુષ્કર્મની ફરિયાદ, બે આરોપીઓની અટકાયત