પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજના (PMBJP): નાગરિકો માટે આરોગ્યની સંજીવની
હાલ દેશમાં ૧૫,૦૦૦ અને ગુજરાતમાં ૭૫૦ થી વધું જન ઔષધિય કેન્દ્રો સેવારત
(જી.એન.એસ) તા. 6
ગાંધીનગર,
૭ મી માર્ચ જન ઔષધિ દિવસ તરીકે સમગ્ર દેશમાં ઉજવાય છે.આજના યુગમાં આરોગ્ય અને દવાઓનો ખર્ચ સામાન્ય નાગરિકો માટે ચિંતાનું કારણ બન્યું છે.
આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, રાજ્યના ગરીબ અને મધ્યમવર્ગના નાગરિકોને ગુણવત્તાયુક્ત દવાઓ ઓછામાં ઓછા ભાવે ઉપલબ્ધ કરાવવા જન ઔષધિ કેન્દ્ર આશીર્વાદરૂપ છે. જે માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના (PMBJP) શરૂ કરાઇ છે. જેના પરિણામે સસ્તી દવાઓ દ્વારા દેશમાં આરોગ્ય ક્રાંતિ આવી છે.
આ યોજનામાં કેન્દ્ર સરકારે ફ્રેન્ચાઇઝી મોડલ આપનાવ્યું છે જેમાં સંસ્થા અથવા વ્યક્તિગત ઉદ્યોગસાહસિકો દ્વારા જનઔષધિ કેન્દ્ર ખોલવામાં આવે છે.
જેના ફળશ્રુતિરૂપે છેલ્લા ૧૦ વર્ષમાં, કેન્દ્રોની સંખ્યામાં ૧૮૦ ગણો વધારો થયો છે અને વેચાણમાં પણ ૨૦૦ ગણો વધારો થયો છે. વર્ષ ૨૦૧૪માં માત્ર ૮૦ કેન્દ્રો હતા અને તા. ૩૧ જાન્યુઆરી ૨૦૨૫ સુધીની સ્થિતિએ સમગ્ર દેશમાં ૧૫,૦૦૦ જનઔષધિ કેન્દ્રો અને પ્રાથમિક કૃષિ ધિરાણ સોસાયટી શ્રેણીમાં ૭૧૯ જન ઔષધિ કેન્દ્રો કાર્યરત છે. જ્યારે ગુજરાતમાં ૭૫૦ થી વધું કેન્દ્રો સેવારત છે.*
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શનમાં રાજ્યના છેવાડાના નાગરિકોને પણ ગુણવત્તાયુક્ત દવાઓ ઓછામાં ઓછા ભાવે મળી રહે તે માટે નિરંતર પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સાથોસાથ ગુણવત્તા ફક્ત ઊંચી કિંમતનો પર્યાય છે તેવી ધારણાને જડમૂળથી ખત્મ કરવા તેમજ નવા જન ઔષધિય કેન્દ્ર ખોલવા નાગરિકોને પ્રોત્સાહન પણ કરવામાં આવી રહ્યો છે.
ઉપરાંત, નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં, PMBJP રૂ. ૧,૪૭૦ કરોડ (એમઆરપી પર)નું વેચાણ કર્યું છે. જેના કારણે નાગરિકોને આશરે ૭,૩૫૦ કરોડ રૂપિયાની બચત થઈ છે. ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં, PMBJPમાં તા. ૩૧.૦૧.૨૦૨૫ સુધીમાં રૂ. ૧,૬૦૬ કરોડ (એમઆરપી પર)નું વેચાણ કર્યું છે. આ ઉમદા યોજનાના પરિણામે નાગરિકો માટે ૩૦,૦૦૦ કરોડ રૂપિયાનું ભંડોળ શક્ય બન્યું છે.
મહિલાઓને મળે છે ફક્ત એક રૂપિયામાં ઓક્સિ-બાયોડિગ્રેડેબલ સેનિટરી નેપકિન”ની સુવિધા
ભારતભરની બધી મહિલાઓને માસિક સ્રાવ દરમિયાન આરોગ્ય સેવાઓ સરળતાથી ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરવા માટે વર્ષ ૨૦૧૯થી ઓછા ભાવે સેનેટરી નેપકિનનું વેચાણ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં “જનઔષધિ સુવિધા ઓક્સિ-બાયોડિગ્રેડેબલ સેનિટરી નેપકિન” પ્રતિ સેનિટરી પેડ માત્ર એક રૂપિયામાં JAK કેન્દ્રો ઉપર ઉપલબ્ધ છે. જનઔષધિ સુવિધા નેપકિન દેશભરના ૧૫,૦૦૦થી વધુ PMBJP કેન્દ્રોમાં વેચાણ માટે ઉપલબ્ધ છે. વર્ષ ૨૦૧૯થી તા. ૩૧ જાન્યુઆરી ૨૦૨૫ સુધીની સ્થિતિએ આ કેન્દ્રો દ્વારા અંદાજે ૭૨ કરોડથી વધુ જનઔષધિ સુવિધા સેનિટરી પેડ વેચવામાં આવ્યા છે .
“જન ઔષધિ સુગમ” મોબાઈલ એપ્લિકેશન વિકસાવી
આઇટી આધારિત મોબાઇલ ઇન્ટરફેસને સરળ બનાવવા માટે, મોબાઇલ એપ્લિકેશન “જન ઔષધિ સુગમ”માં ગૂગલ મેપ દ્વારા નજીકના જન ઔષધિ કેન્દ્ર અને જેનેરિક દવાઓ શોધવા સાથે જ, એમઆરપીના સંદર્ભમાં જેનેરિક વિરુદ્ધ બ્રાન્ડેડ દવાઓની કિંમતોની તુલના કરવી જેવી વિવિધ વપરાશકર્તા- મૈત્રીપૂર્ણ વિકલ્પો વિકસાવવામાં આવ્યા છે.
PMBJP યોજના થકી આશરે ૨૦૪૭થી વધુ દવાઓના ભાવમાં ભારે ઘટાડો થયો
PMBJPના ઉત્પાદન બાસ્કેટમાં કુલ ૨૦૪૭ દવાઓ અને ૩૦૦ સર્જિકલ સાધનોનો સમાવેશ થાય છે, જે રિટેલ દુકાનો પર બ્રાન્ડેડ દવાઓ કરતાં ૫૦થી ૮૦ ટકા સસ્તા ભાવે વેચાય છે. પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજના (PMBJP) હેઠળ, કેન્દ્ર સરકારે આગામી તા. ૩૧ માર્ચ, ૨૦૨૭ સુધીમાં દેશભરમાં ૨૫,૦૦૦ નવા જન ઔષધીય કેન્દ્ર ખોલવાનું લક્ષ્ય રાખ્યું છે. જ્યારે PMBIએ માર્ચ ૨૦૨૫ સુધીમાં ૧૫,૦૦૦ JAK ખોલવાનું લક્ષ્યાંક આપ્યું છે.
વધુમાં, દવાઓની મોટી શ્રેણીને આવરી લેવા માટે ૨૯ મુખ્ય ઉપચારાત્મક જૂથો જેમ કે એન્ટિબાયોટિક્સ અને ચેપ વિરોધી, કેન્સર વિરોધી, ડાયાબિટીસ વિરોધી, કાર્ડિયોવાસ્ક્યુલર દવાઓ, પીડાનાશક અને એન્ટિપ્રાયરેટિક, એન્ટિ-એલર્જિક, ગેસ્ટ્રો-ઇન્ટેસ્ટાઇનલ એજન્ટ્સ, વિટામિન્સ અને મિનરલ્સ, ફૂડ સપ્લિમેન્ટ્સ /ન્યુટ્રાસ્યુટિકલ્સ, ટોપિકલ દવાઓ વગેરેને PMBJP બાસ્કેટમાં આવરી લેવામાં આવ્યા છે. વધુમાં, ૩૦૦ સર્જિકલ સાધનો અને માસ્ક, ઓર્થોપેડિક રિહેબિલિટેશન પ્રોડક્ટ્સ, સર્જિકલ ડ્રેસિંગ્સ, સિરીંજ અને સોય, સેનિટરી નેપકિન્સ, ટાંકા, ડાયપર, રબર ગ્લોવ્સ, ઓક્સિમીટર, રેપિડ એન્ટિજેન ટેસ્ટ કીટ વગેરે જેવા ઉપભોગ્ય વસ્તુઓને પણ PMBJP બાસ્કેટ હેઠળ આવરી લેવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સરકારના રસાયણ અને ખાતર મંત્રાલયના ફાર્માસ્યુટિકલ્સ વિભાગ દ્વારા પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજના (PMBJP) શરૂ કરવામાં આવી હતી. જેમાં જેનેરિક દવાઓ પૂરી પાડવા માટે જનઔષધિ કેન્દ્રો (JAKs) તરીકે ઓળખાતા સમર્પિત આઉટલેટ્સ ખોલવામાં આવ્યા છે.
આ ઉમદા પ્રોજેક્ટને પ્રોત્સાહન આપવા માટે વડાપ્રધાનશ્રીએ દર વર્ષે ૦૭ માર્ચને જન ઔષધિ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી છે. આ દિવસ જેનેરિક દવાઓને પ્રોત્સાહન તેમજ આ યોજના વિશે જાગૃતિ લાવવાના ઉમદા આશયથી ઉજવવામાં આવે છે. અગાઉના વર્ષોની જેમ, આ વર્ષે પણ તા. ૦૧થી ૦૭ માર્ચ ૨૦૨૫ દરમિયાન દેશભરમાં વિવિધ સ્થળોએ અઠવાડિયાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જન ઔષધિ દિવસ સપ્તાહ દરમિયાન, PMBI જન પ્રતિનિધિઓ, ડોકટરો, વિદ્યાર્થીઓ, લાભાર્થીઓ, બાળકો, મહિલાઓ અને નાગરિક સમાજની મોટા પાયે ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે સેમિનાર, આરોગ્ય શિબિરો, વારસો અને આરોગ્ય પદયાત્રા અને અન્ય પ્રવૃત્તિઓનું આયોજન કરી રહ્યું છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.