Home ગુજરાત આઈ શ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ- મઢડા : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ...

આઈ શ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ- મઢડા : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સોનલધામ મહોત્સવમાં વર્ચ્યુઅલી વિડિયો સંદેશ માધ્યમથી શુભકામના પાઠવી

33
0

સંત પરંપરામાં આઈ શ્રી સોનલ મા આધુનિક યુગના પ્રકાશસ્તંભ : સોનલ માનું જીવન ધર્મ-સામાજિક સેવા અને રાષ્ટ્ર સેવા માટે સમર્પિત હતું : વડાપ્રધાન
ભારતના વિભાજન વખતે જૂનાગઢને તોડવાની કોશિશ થઈ ત્યારે સોનલ મા રણચંડીની જેમ ઊભા રહ્યા હતા
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સોનલધામ મઢડા ખાતે જન્મ શતાબ્દી મહોત્સવમાં સહભાગી થયા

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી :
જ્યાં નારીશક્તિનું સન્માન થાય છે ત્યાં દેવતાઓનો વાસ હોય છે : નારીશક્તિ સન્માન અને ચારણી સાહિત્ય સહિત ચારણ સમાજના યોગદાનનો ગૌરવવંતો ઇતિહાસ છે
સોનલ માના 51 નીતિ સુત્રો-આદેશો યુવા પેઢીને સંસ્કારની પ્રેરણા આપે છે

ગુજરાતમાં ૯ લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતીમાં જોડાયા છે, સોનલધામના આંગણે  પ્રાકૃતિક ખેતી માટે સંકલ્પ લઈએ: પશુપાલન અને ખેતી સાથે જોડાયેલા ચારણ સમાજને રાજ્યપાલશ્રીનું પ્રેરક સંબોધન

કેન્દ્રીય પશુપાલન અને મત્સ્યપાલન મંત્રી શ્રી પરસોતમભાઈ રૂપાલા સોનલધામ મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા

કલમ અને કટાર બંને ચારણ સમાજને શોભે છે : કેન્દ્રીય પશુપાલન મંત્રી શ્રી પરસોત્તમભાઈ રૂપાલા

સોનલધામ  મહોત્સવમાં ચારણ-ગઢવી સમાજના  પદ્મશ્રી સન્માનિત શ્રેષ્ઠિઓ અને તેમના પરિવારજનોનું અભિવાદન

સોનલધામ મઢડા ખાતેનો આ એક ઐતિહાસિક અવસર છે : વી.એસ.ગઢવી

(જી.એન.એસ),૧૩

ગાંધીનગર,

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિડીયો સંદેશ-વર્ચ્યુઅલી માધ્યમથી જુનાગઢ જિલ્લાના સોનલ ધામ, મઢડા ખાતે આઈ શ્રી સોનલ માના જન્મ શતાબ્દી મહોત્સવમાં તમામ ભક્તો અને ચારણ સમાજના સૌને શુભકામના પાઠવી હતી. રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી જુનાગઢ જિલ્લાના સોનલધામ મઢડા ખાતે યોજાયેલા આઈ શ્રી સોનલ માતા જન્મ શતાબ્દી મહોત્સવમાં સહભાગી થયા હતા. આ પ્રસંગે કેન્દ્રીય પશુપાલન મંત્રી શ્રી પરસોત્તમભાઈ રૂપાલા અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર-ગુજરાત મહાન સંતો અને વિભૂતિઓની ભૂમિ રહી છે. ગિરનારમાં ભગવાન દત્તાત્રેય સહિત જુનાગઢ મઢડા સહિતના આ સ્થાનકો આધ્યાત્મિક ઊર્જા આપે છે. વડાપ્રધાને સોનલ માની માનવતા અને સામાજિક સેવા તેમજ રાષ્ટ્ર સેવાનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે, સોનલ મા સનાતની સંત પરંપરામાં આધુનિક યુગના પ્રકાશસ્તંભ હતા. આઈ શ્રી સોનલ માનું સમગ્ર જીવન ધર્મ સેવા સામાજિક સેવા અને રાષ્ટ્ર સેવાને  સમર્પિત હતું. સોનલ મા એ વ્યસન અને સામાજિક દૂષણો  સામે જનજાગૃતિ લાવી પરિશ્રમથી આત્મનિર્ભરતાનો સંદેશ આપ્યો હતો. સોનલ મા એ ભગવત બાપુ, વિનોબા ભાવે, કનુભાઈ લહેરી, કલ્યાણજી શેઠ સાથે પણ સામાજિક અને રાષ્ટ્ર સેવામાં કાર્ય કર્યું હતું.

ભારત વિભાજન સમયે જ્યારે જૂનાગઢને તોડવાની કોશિશ કરવામાં આવી ત્યારે સોનલ મા રણચંડીના રૂપમાં ઊભા રહ્યા હતા. સોનલ મા શિક્ષણ માટે પણ સતત જાગૃત હતા. તેમના મુખે ભક્તોએ રામાયણ પણ સાંભળી છે. વડાપ્રધાનશ્રીએ કહ્યું કે, અયોધ્યામાં ૨૨મી જાન્યુઆરીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે આઇશ્રી પ્રસન્ન થશે. વડાપ્રધાનશ્રીએ આ અવસરે ધર્મસ્થળો, તીર્થસ્થળોમાં સ્વચ્છતા અભિયાન શરૂ થઈ રહ્યું છે તે અંગે પ્રસન્નતા વ્યક્ત કરી સૌને દીપ જ્યોતિ પ્રગટાવવા અનુરોધ કર્યો હતો. વડાપ્રધાને ચારણ સમાજના સાહિત્ય-લોકસાહિત્ય સર્જનમાં યોગદાન અંગે ઉલ્લેખ કરી ઈશરદાસજી, પીંગળશી બાપુ, મેરુભા, શંકરદાન ,શંભુદાનજી, કવિ કાગબાપુ, હેમુ ગઢવી, કવિ દાદ અને ભીખુદાનભાઈ ગઢવી સહિતના લોક સાહિત્યકારોનો ઉલ્લેખ કરીને તેમના દ્વારા ચારણી સાહિત્ય-સમાજ સમૃદ્ધ થતો રહ્યો છે અને આ પરંપરા જળવાઈ રહી તેમ જણાવ્યું હતું.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, સોનલ માએ માનવતા અને સમાજના કલ્યાણ માટે જીવન પર્યંત સેવારત રહીને સમાજસેવા માટે પ્રેરણા આપી છે. ચારણ સમાજ દ્વારા માતાઓ-નારી શક્તિની વંદના કરવામાં આવે છે. નારીશક્તિની પૂજા કરવામાં આવે છે તે અંગે આનંદની લાગણી વ્યક્ત કરી જણાવ્યું હતું કે, જ્યાં નારી શક્તિની પૂજા થાય છે ત્યાં દેવતાઓનો વાસ છે. આપણા ભારતની પરંપરામાં વિદ્યાના આદર્શ માતા સરસ્વતી છે, વીરતાના આદર્શ દુર્ગા છે અને ભગવાનના રૂપમાં જગતજનની છે. સોનલ માનું માતૃત્વ સર્વનું ભલું થાય, સર્વનું કલ્યાણ થાય તેવું હતું અને તેમના આશીર્વાદથી, તેમના આદર્શોથી યુવા પેઢીને પ્રેરણા મળે છે. રાજ્યપાલશ્રીએ સોનલ માના 51 નીતિ સુત્રો-આદેશોનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે, સોનલ માએ સામાજિકબદી, અંધશ્રદ્ધા અને વ્યસન સામે ચેતના જગાવી માનવતાનું કાર્ય કર્યું છે. રાષ્ટ્ર સેવા- રાષ્ટ્ર એકતા માટે પણ સોનલ માનું યોગદાન રહ્યું છે, જ્યારે જૂનાગઢના શાસકોએ આઝાદી સમયે પાકિસ્તાનમાં જોડાવાનો નિર્ણય લીધો ત્યારે સોનલ માએ આ નિર્ણયથી ભલુ થવાનું નથી એમ કહીને તેઓને પણ ચેતવ્યા હતા અને તે આજે યથાર્થ ઠર્યું છે.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ વધુમાં જણાવ્યું હતું કે, ચારણ સમાજ ખેતી અને પશુપાલન સાથે જોડાયેલો છે. તેઓએ સોનલ ધામના ભક્તોને પ્રાકૃતિક ખેતી તરફ જોડાવા આહવાન કર્યું હતું. પ્રાકૃતિક ખેતીથી ધરતીમાતા ઝેરમુક્ત બને છે અને ખેડૂતોને ઉત્પાદન ખર્ચ કરતાં ફાયદો વધુ થાય છે. રાજપાલશ્રીએ ઓર્ગેનિક ખેતી અને પ્રાકૃતિક ખેતી વચ્ચેનો મોટો તફાવત સમજાવી પ્રાકૃતિક ખેતી જીવામૃત અને ઘનજીવામૃત અંગે પણ ઊંડાણપૂર્વક સમજણ આપી હતી. રાજ્યમાં નવ લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતીમાં જોડાયા છે અને રાજ્ય સરકાર દ્વારા પણ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, તેનો ઉલ્લેખ કરીને રાજ્યપાલશ્રીએ ગાય આધારિત પ્રાકૃતિક ખેતીથીજ કલ્યાણ થવાનું છે તેમ જણાવ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન ઘટવાનું નથી .પોતાના ખેતી અંગેના અનુભવો વર્ણવીને રાજ્યપાલશ્રીએ કહ્યું હતું કે, જંગલમાં કોઈ યુરિયાનો છંટકાવ કરતું નથી, છતાં જંગલમાં બધા જ પોષક તત્વો છે, ફળ આવે છે. તેમ સમજાવીને રાજયપાલશ્રીએ પ્રાકૃતિક ખેતીની હિમાયત કરી હતી.

આ પ્રસંગે ભારત સરકારના પશુપાલન, ડેરી અને મત્સ્યોદ્યોગ મંત્રી શ્રી પરસોત્તમભાઈ રૂપાલાએ જણાવ્યું કે, મા આઈ શ્રી સોનલના કાર્યો સામાજિક સુધારની સાથે રાષ્ટ્રની ઉન્નતી સાથે જોડાયેલા રહ્યા હતા. આઝાદી વખતે જૂનાગઢના શાસકોએ જ્યારે પાકિસ્તાનમાં ભળવાની હિલચાલ કરી ત્યારે મા સોનલે તત્કાલીન શાસકોને ચેતવ્યા હતા કે, તમારું અને ભારતનું ભલું અહીંયા જ છે. આ સમગ્ર પ્રસંગ મંત્રીશ્રીએ કવિ કાગની એક રચનાના પઠન સાથે વર્ણવ્યો હતો.  આ રચનામાં પાકિસ્તાનને એક સમયે પરપોટાની ઉપમા આપવામાં આવી હતી. તેનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, ચારણ કવિઓએ પોતાની રચનાઓ દ્વારા જે ભવિષ્ય ભાખ્યું છે. તે સાચું પડ્યું છે. આ સાથે તેમણે જણાવ્યું કે, કલમ અને કટાર એકબીજાના વિરોધી છે. પરંતુ કલમ અને કટાર બંને ચારણોને શોભાયમાન થાય છે, તેમ જણાવી કેન્દ્રીય મંત્રીશ્રીએ ચારણ સમાજના યોગદાનને બિરદાવી સાહિત્યિક સંદર્ભો આપ્યા હતાં. સોનલ માએ સમાજના ઉત્કર્ષ માટે પરિવહનના સાધનો ખૂબ સિમિત હતા ત્યારે પણ ૧૩ વખત કચ્છનો પ્રવાસ ખેડયો હતો. તેમ જણાવતાં કેન્દ્રીય મંત્રીશ્રીએ સોનલ મા એ સમાજ સુધારાની જે પહેલ કરી હતી તેને નવા પરિપ્રેક્ષ્યમાં અને સમય સાથે આવેલા બદલાવને ધ્યાને લઈ સમાજ અને રાષ્ટ્રના કલ્યાણ માટે આત્મસાત કરવા આહવાન કર્યું હતું.

આ પ્રસંગે રાજ્યપાલશ્રી દ્વારા કેન્દ્રીય મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં ચારણ સમાજના ‘રત્ન’ એવા પદ્મશ્રી શ્રી  ભીખુદાનભાઈ ગઢવી અને શ્રી સી.પી. દેવળનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ કાગબાપુ, પંકજ ઉધાસ અને કવિ દાદના પરિવારજનોએ આ સન્માન સ્વીકાર્યું હતું. ઉપરાંત સૂર્યદેવસિંહજી, ચંડીલાલ દેથા, સીતારામજી અને વિજયદાનજી માટે શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી હતી. પૂર્વ આઈએએસ અધિકારી અને લેખક શ્રી વી. એસ. ગઢવીએ જણાવ્યું હતું કે, આજનો આ કાર્યક્રમ વિશેષ અને ઐતિહાસિક છે. તેઓએ મઢડા ધામ ખાતેના સેવા કાર્યો તેમજ ચારણ સમાજના વિદ્વાનોના સાહિત્યિક પ્રદાન ઉપરાંત સમગ્ર કાર્યક્રમની રૂપરેખા આપી હતી. આ કાર્યક્રમમાં શ્રી ગિરીશ આપા, શ્રીકંચન મા, શ્રી દાદુભાઇ, પુષ્પદાનભાઈ, ભીખુદાનભાઈ ગઢવી, વી એસ ગઢવી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત મેયર શ્રી-ધારાસભ્યશ્રીઓ – પદાધિકારીઓ અને કલેક્ટર શ્રી, પોલીસ અધિક્ષકશ્રી સહિતના અધિકારીઓ અને ચારણ સમાજના તેમજ સોનલ ધામ, મઢડાના ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleશ્રીલંકાના ઉચ્ચાયુક્ત શ્રીમતી ક્ષેણુકા સેનેવિરત્નેએ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની શિષ્ટાચાર મુલાકાત લીધી
Next articleરાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની ઉત્તરાયણ અને મકરસંક્રાંતિની શુભેચ્છાઓરાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સૌ ગુજરાતી પરિવારજનોને ઉત્તરાયણ અને મકરસંક્રાંતિની શુભેચ્છાઓ પાઠવી છે.