૧૦મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ‘સ્વયં અને સમાજ માટે યોગ’ની થીમ પર ઉજવાશે
(જી.એન.એસ) તા. 19
ગાંધીનગર,
પુરાણોથી ભારતની વૈશ્વિક ઓળખ સમા યોગદિને જયારે સમગ્ર વિશ્વએ સ્વીકાર કર્યો છે ત્યારે આગામી ૨૧મી જૂને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની ઉજવણી ‘સ્વયં અને સમાજ માટે યોગ’ ની થીમ સાથે ગુજરાત રાજ્યમાં ઉત્સાહ સાથે બનાસકાંઠાના સરહદી ગામ અને સીમાદર્શન માટે સુપ્રસિદ્ધ નડાબેટ ખાતે કરવામાં આવશે. પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે ગુજરાતના નાગરિકોને ૨૧મી જુને ૧૦મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે ગુજરાતના તમામ નાગરિકો યોગ સાધનામાં જોડાઈને આરોગ્યપ્રદ જીવન બનાવે તેમજ પોતાના રોજીદા જીવનમાં યોગને સ્થાન આપે તેવી વિનંતી કરી હતી.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, રાજ્ય સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને બોર્ડર સિક્યોરિટી ફોર્સ – BSFના સહયોગથી આ રાજ્યકક્ષાનો કાર્યક્રમ નડાબેટ ખાતે યોજાશે. જેમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી રમતગમત રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાથે ૨૫૦૦ જેટલા યોગ સાધકો રાજ્યકક્ષાના કાર્યક્રમમાં જોડાશે. આ વર્ષે ‘સ્વયં અને સમાજ માટે યોગ’ ની થીમ પર રાજ્યભરમાં ૮ મહાનગરપાલિકાઓ, ૩૨ જિલ્લાઓ તથા ૨૫૧ તાલુકા, ૨૦ નગરપાલિકા એમ કુલ ૩૧૨ મુખ્ય સ્થળોએ આ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. જેમાં ગ્રામ પંચાયતથી લઈને મહાનગરપાલિકા સુધી શાળાઓ – કોલેજીસ – આઈ.ટી.આઈ. – જેલ – આરોગ્ય – પોલીસ સહિતના વિભાગો અને સમગ્ર ગુજરાત યોગમય બને તેવું સુદ્રઢ આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસે’ કાર્યક્રમની રૂપરેખા વિષે મંત્રીશ્રીએ જણાવ્યું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સવારે ૦૬:૩૦ કલાકે તેમજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સવારે ૦૬:૪૦ કલાકે આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં પ્રેરક સંબોધન કરશે અને તેનું સમગ્ર રાજ્યમાં જીવંત પ્રસારણ પણ કરવામાં આવશે. ત્યારબાદ સવારે ૦૭:૦૦ થી ૦૭:૪૫ સુધી એટલે કે ૪૫ મિનિટ સવા કરોડ લોકો સામાન્ય યોગ પ્રોટોકોલ તાલીમમાં ભાગ લેશે. રાજ્યભરમાં સવા કરોડ લોકોની સહભાગીતાથી ૧૦મા અંતરરાષ્ટ્રીય યોગ દિવસને ભવ્ય સફળતા મળશે તેમ મંત્રીશ્રેએ જણાવ્યું હતું. ગુજરાતમાં યોગ દિવસ પૂર્વે તૈયારીઓ વિષે મંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાતમાં બાળકોમાં યોગાભ્યાસને વધુ પ્રચલિત બનાવવા સમર કેમ્પ યોજીને ૨૦૦ થી વધુ સ્થળોએ યોગ-સંસ્કાર શિબિરનો ૨૨ હજારથી વધુ બાળકોને લાભ આપવામાં આવ્યો છે. ૧લી જાન્યુઆરી ૨૦૨૪માં મોઢેરા ખાતે ૧૦૮ સ્થળોએ સુર્યનમસ્કારનો કાર્યક્રમ યોજાયો હતો.
ગત વર્ષે સુરત વેસુ ખાતે વાય જંકશન પર ૧.૫૩ લાખ લોકોએ એક સાથે યોગ કરીને ગીનિશ બુકમાં રેકોર્ડ સર્જ્યો હતો તેમ મંત્રીશ્રીએ ગૌરવ સાથે જણાવ્યું હતું અને આ વર્ષે પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અગાઉના વર્ષોમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસના રાજ્યમાં મળેલી ભવ્ય સફળતા અને ગુજરાતે સ્થાપેલા નવા વર્લ્ડ રેકોર્ડ્સની જેમ જ આગામી યોગ દિવસમાં પણ નવા કીર્તિમાન સ્થાપવામાં ગુજરાત અગ્રેસર રહેશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો.
ઉલેખ્ખનીય છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ૨૦૧૪માં યુનાઇટેડ નેશન્સ દ્વારા ૨૧મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કરવામાં આવ્યો છે અને ૨૦૧૫ થી આ દિવસ વિશ્વના દેશોમાં ઉજવાય છે. દર વર્ષે ૨૧મી જૂને વ્યાપક લોક ભાગીદારીથી વિવિધ વિષયવસ્તુ સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે. તદઅનુસાર, ૨૦૨૪નો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ રાજ્યભરમાં ‘સ્વયં અને સમાજ માટે યોગ’ની થીમ સાથે યોજાશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.