(જી.એન.એસ) તા. 25
અમદાવાદ,
અમદાવાદ ખાતે જુલાઈ મહિનાનો જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ કલેકટર કચેરી ખાતે યોજાયો હતો. આ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ જિલ્લા કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે.ના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જેમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિદેહ ખરે પણ હાજર રહ્યા હતા. જિલ્લા કક્ષાના આ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં કુલ 41 જેટલા અરજદારો હાજર રહ્યા હતા. તમામ અરજદારોની સમસ્યાને કલેક્ટરશ્રીએ ધ્યાનપૂર્વક સાંભળી હતી. આ ઉપરાંત કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે.એ વિવિધ અરજદારોના પ્રશ્નો સંદર્ભે જે-તે વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી અને ચોક્કસ સમયમાં પ્રશ્નોના નિકાલ લાવવાની સૂચના પણ આપી હતી. કલેક્ટરશ્રીએ તમામ અરજદારોની સમસ્યા સાંભળી નિયત સમયમાં હકારાત્મક ઉકેલ લાવવાની ખાતરી પણ આપી હતી.
આ સ્વાગત કાર્યક્રમમાં 41 જેટલા અરજદારોના વિવિધ પ્રશ્નો જેવા કે, નવો રોડ બનાવવા, ગટર લાઈન બદલવા, ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા, જમીન સંપાદન અંગેનું વળતર ચૂકવવા, પીવાનું ચોખ્ખું પાણી આપવા, સ્ટ્રીટલાઈટ સુવિધા, ગંદકી દૂર કરવા જેવા અનેક પ્રશ્નોનો કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે.એ સ્થળ પર જ ત્વરિત નિકાલ કર્યો હતો. પોતાની સમસ્યાનું નિરાકરણ આવતા તમામ અરજદારોના ચહેરા પર સ્મિત જોવા મળ્યું હતું. અને તમામ અરજદારો એ સ્વાગત કાર્યક્રમની પહેલને બિરદાવી સરકાર તથા જિલ્લા વહીવટી તંત્રનો આભાર માન્યો હતો. આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર શ્રી સુધીર પટેલ સહિતના સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારનો સ્વાગત કાર્યક્રમ એ જનસામાન્યના પ્રશ્નોનું સુખદ સમાધાન લાવવાનું માધ્યમ બની ગયો છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.