– મહિલા એલઆરડી આંદોલને રહી રહીને વેગ પકડ્યો…!
– અનામતવાળા કહે છે-પરિપત્ર અન્યાયી,રદ્દ કરો…તો બિનઅનામતવાળા કહે છે-ના, પરિપત્ર બરાબર છે….!
– ગરમ બનેલા મામલામાં નીતિન પટેલે ભાજપના નેતાઓને ઝાડી નાખીને પોતાની ભડાસ કાઢી લીધી..!
(જી.એન.એસ.,પ્રવિણ ઘમંડે)ગાંધીનગર,તા.૧૮
શું ગુજરાતમાં સરકારના 1-8-2018ના મહિલા અનામત અંગેના પરિપત્રને લઇને ફરીએકવાર જાતિવાદ અને વગ્રવિગ્રહ સર્જાય તેવી ગંભીર પરિસ્થિતિ સર્જાઇ છે….? શું એ વિવાદી પરિપત્ર હવે ગુજરાત સરકાર માટે સાપે છંછૂદર ગળ્યા જેવી સ્થિતિ થઇ છે…/? આ પ્રકારના સવાલો એટલા માટે રાજકીય અને સામાજિક ક્ષેત્રે ચર્ચાઇ રહ્યાં છે કેમ કે એ પરિપત્ર રદ કરાવવા અને રદ નહીં કરવા અનામત અને બિનઅનામત વર્ગના લોકો મેદાને પડ્યા છે. તો નારાજ ડે. સીએમ નીતિન પટેલે પણ બળતા ઘી હોમતા હોય તેમ ભાજપના નેતાઓને એવી સલાહ આપી છે કે આ પરિપત્ર રદ કરવા પક્ષના જે અગ્રણીઓએ સરકારને પત્રો લખ્યા છે તે યોગ્ય નથી. પત્રો લખનારાઓએ પોતાની જવાબદારીમાંથી છટકવા માટે પત્ર લખીને છટકી ગયા છે…!
1-8-2018ના એ પરિપત્રમાં સરકારે એવી જોગવાઇ કરી છે કે સરકારી નોકરી ભરતીમાં લેવાતી પરિક્ષામાં એસસી-એસટી-ઓબીસી વર્ગના ઉમેદવારો જનરલ કેટેગરીના ઉમેદવારો કરતાં વધારે ગુણ મેરિટમાં મેળવે તો પણ તેમને તેમના અનામત વર્ગમાં જ પ્રવેશ આપવો, જનરલ કેટેગરીની બેઠકોમાં પ્રવેશ મળી શકે નહીં.
સૂત્રોએ કહ્યું કે આ સમગ્ર બાબત પોલીસ દળમાં મહિલા કોન્સ્ટેબલ એલઆરડીની ભરતીમાંથી ઉદભવી છે. ગાંધીનગરમાં મહિલા એલઆરડી ઉમેદવારો આંદોલન પર છે. તેમની માંગણી છે કે તેઓ અનામત કેટેગરીની મેરિટના નિયત ગુણ કરતાં વધારે ગુણ મેળવ્યાં હોવાથી તેમને જનરલ કેટેગરીની બેઠકોમાં પ્રવેશ મળવો જોઇએ.
આ આંદોલન આમ તો મિડિયામાં ઓછી જગ્યા મેળવતું હતું. પરંતુ ભાજરના સાંસદો પૂનમ માડમ, ડો. કિરિટ સોલંકી, ભારતબેન શિયાળ અને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ સરકારને પત્રો લખી એલઆરડી મહિલાઓની તરફેણ કરીને એ વિવાદી પરિપત્ર રદ કરવાની માંગણી કરતાં બિનઅનામત વર્ગના લોકો ભડક્યા છે. અને બિનઅનામત આયોગને આવેદનપત્ર આપીને માંગણી કરી છે કે આ પરિપત્ર રદ કરવો નહીં અને પરિપત્રના આધારે બિનઅનામત કેટેગરીના ઉમેદવારોને જ તેમાં પ્રવેશ આપવો, તે સિવાય બીજા કોઇને નહીં….!
આજે શનિવારે બિનઅનામત વર્ગના લોકો દ્વરા સરકાર સામે વિરોધ પ્રદર્શન કરીને પરિપત્રને બચાવવાનો પ્રયાસ કરાયો છે તો બીજી તરફ આંદોલનકારી એલઆરડી ઉમેદવારો પૈકીના એક ઉમેદવારના પિતાએ સમગ્ર મામલે વ્યથિત થઇને આત્મહત્યા કરી લેતા સરકાર સામે વધુ એક મોરચો ખુલ્યો છે.
નાયબ સીએમ નીતિન પટેલે આમ તો કોંગ્રેસને ભીંસમાં લેવાનો પ્રયાસ કર્યો પણ સાથે સાથે આ પરિપત્રની સામે પત્રો લખનારા પોતાના પક્ષના નેતાઓને પણ આડે હાથે લઇને પોતાની ભડાસ કાઢવાનો પ્રયાસ કર્યો હોવાની છાપ ઉપસી રહી છે. કેમ કે તેઓ ભાજપમાં અસંતુષ્ટ તરીકેની છાપ ધરાવે છે. ખાસ કરીને તેમનું નામ સીએમ તરીકે આગળ કર્યા બાદ એકાએક વિજય રૂપાણીનું નામ જે તે વખતે જાહેર કરાતાં તેઓ નારાજ ચાલી રહ્યાં છે.
સમગ્ર મામલા પર નજર નાંખીએ તો, લોકરક્ષક દળની ભરતીમાં મહિલા અનામત મુદ્દે એક મહિના કરતા પણ વધુ સમયથી અનામત વર્ગમાં આવતી મહિલા ઉમેદવારો ગાંધીનગરમાં આંદોલન ચલાવી રહી છે. તેમની સામે હવે જનરલ કેટેગરીમાં આવતી મહિલા ઉમેદવારો પણ તેમને હાલની અનામત પધ્ધતિમાં ફેરફાર ના કરાય તેવી માગણી સાથે મેદાનમાં ઉતરી છે. રાજ્યના બિન અનામત વર્ગના આયોગના અધ્યક્ષ હંસરાજ ગજેરાને જનરલ કેટેગરીની મહિલા ઉમેદવારો દ્વારા આવેદન આપીને એવી માગણી કરાઇ હતી કે ગુજરાત હાઇકોર્ટના ચૂકાદા બાદ ૧-૮-૨૦૧૮નો મહિલા અનામત સંદર્ભે જે પરિપત્ર છે તે પ્રમાણે જ એલઆરડીમાં ભરતીની પ્રક્રિયા કરવામાં આવે અને જો સરકાર તેમાં કોઇ છેડછાડ કરશે તો ઉગ્ર આંદોલન કરાશે…!
એલઆરડીમાં મહિલા અનામત મુદ્દે ભાજપના કેટલાક સાંસદો-મંત્રી અને કેટલાક ધારાસભ્યોએ પણ પોતાની સરકારને પત્રો લખીને અને તે જાહેર કરતાં રજૂઆત કરી છે ત્યારે જનરલ કેટેગરીની મહિલાઓની રજૂઆત સાથે ભાજપ સરકાર સામે નવો રાજકીય મોરચો ખુલવા પામ્યો છે. જેને પાટીદાર આંદોલનકારી ઉપરાંત રાજપૂત સમાજ અને બ્રહ્મ સમાજના અગ્રણીઓ દ્વારા પણ સમર્થન અપાતા સરકાર સામે કંઇક રંધાતુ હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે.
અખિલ ભારતીય બિન અનામત સમાજ અને પાટીદાર આંદોલનકારીઓની આગેવાનીમાં જનરલ કેટેગરીની મહિલાઓ શુક્રવારે ગાંધીનગરમાં ઊમટી હતી. પાટીદાર સંગઠનો દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીને પણ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ મહિલાઓએ આયોગમાં લેખિત આવેદન આપીને એવી માગણી કરી હતી કે, ૧૫૭૮ મહિલા ઉમેદવારોનું વેરિફિકેશન થઇ ગયું છે પરંતુ જનરલ કેટેગરીની મહિલાઓને હજુ ઓર્ડર અપાયા નથી. છેલ્લા ૭૦ વર્ષથી જનરલ કેટેગરીના ઉમેદવારોનું કોઇપણ ભરતીમાં ઊચું મેરિટ હોય ત્યારે તેમને નોકરી મળતી ન હતી ત્યારે કોઇ બોલ્યું ન હતું અને હવે જ્યારે અનામત કેટેગરીમાં મેરિટ ઊચું આવ્યું છે ત્યારે આ મુદ્દો કેમ ઉપાડવામાં આવ્યો છે? અમને પણ વર્ષો સુધી તે મુદ્દે જ કોઇ તક મળી નથી. હાઇકોર્ટના ચૂકાદા બાદ ૧-૮-૨૦૧૮નો જે પરિપત્ર બહાર પડાયો છે તે ૧૯૯૭ના અનામત સંદર્ભનું સ્પષ્ટીકરણ છે અને તે પ્રમાણે જ ભરતી કરવી જોઇએ. જો તેને રદ કરવામાં આવશે કે તેની સાથે કોઇ ચેડાં કરાશે તો ઉગ્ર આંદોલન કરાશે.
તત્કાલિન સીએમ આનંદીબેન પટેલ સામે આંદોલન ચલાવનાર હાર્દિક પટેલના એક સમયના સાથી અને પાટીદાર અગ્રણી દિનેશ બાંભણિયાએ કહ્યું હતું કે, કેટલાક નેતાઓ મહિલા અનામત મુદ્દે ખોટા આવેદન આપીને જાતિવાદ ઊભો કરવા પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ તેના દબાણમાં આવીને જો સરકાર પરિપત્ર રદ કરશે તો આંદોલન કરાશે. એસપીજીના લાલજીભાઇ પટેલે સીએમ રૂપાણીને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, લોક પ્રતિનિધિ તમામ વર્ગના મતોથી ચૂંટાય છે ત્યારે કેટલાક નેતાઓ દ્વારા જાતિવાદી ઝેર રેડાઇ રહ્યું છે. સરકાર બિન અનામત વર્ગના પુરુષ અને મહિલા ઉમેદવારોનું હિત જળવાય તેવી રીતે જ કામગીરી કરે તેવી અમારી માગણી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.