Home ગુજરાત ચારના બદલે માત્ર બે કર્મચારીઓથી ચાલી રહી છે પીસીઆર વાન..! પોલીસ વડાના...

ચારના બદલે માત્ર બે કર્મચારીઓથી ચાલી રહી છે પીસીઆર વાન..! પોલીસ વડાના નિયમના ઉડયા લીરેલીરા…            

569
0

(જી.એન.એસ. રવિન્દ્ર ભદોરીયા),તા.20

ગાંધીનગર: રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તાજેતરમાં રાજ્ય પોલીસ વડા શિવાનંદઝાએ પીસીઆર વાનનો મુખ્ય હેતુઓ માટે જ ઉપયોગ કરી પીસીઆર વાનમાં ડ્રાઇવર સહિત ચાર પોલીસ જવાનોનો સ્ટાફ રાખવા સત્તાવાર જાહેરાત કરી હતી. રાજ્ય પોલીસ વડાના આ આદેશના પગલે ગાંધીનગર જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા નક્કી કરેલા પોઇન્ટ પર પીસીઆર ઉભી રાખવા તેમજ બેજ પોઇન્ટ અને હોલ્ટ પોઇન્ટ સિવાય બિનજરૂરી જગ્યાએ પીસીઆર ઉભી નહીં રાખવા તાકીદ કરી દેવામાં આવી છે. અગાઉ પીસીઆર વાનનો ટ્રાફિક નિયંત્રણ, વીઆઈપી મુવમેન્ટ, જુગાર દારૂના કેસો, કોર્ટમાં આરોપીઓને રજૂ કરવા જેવા કામમાં ઉપયોગ કરવામાં આવતી હતી.પરંતુ રાજ્ય પોલીસ વડા શિવાનંદઝાએ મારામારી, લૂંટ, ચેન સ્નેચીંગ જેવા કિસ્સામાં કંટ્રોલના આદેશની રાહ જોયા વિના પીસીઆર ઇનચાર્જ જાતે નિર્ણય લેવા સહિત દરેક પીસીઆર વાનમાં એએસઆઇ, હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ, લોકરક્ષક ડ્રાઇવર મળી ચાર જણાનો સ્ટાફ રાખી દર બે ત્રણ મહિને આ સ્ટાફ બદલી દેવા આદેશો આપવામાં આવ્યા હતા.જો કે રાજ્ય પોલીસ વડાના આ આદેશનું પાટનગર ગાંધીનગરમાં જ અનાદર થઈ રહ્યું હોય તેવું ચિત્ર ઉપસી આવ્યું છે. ગાંધીનગરના પોલીસ મથકોમાં આવેલી પીસીઆર વાનને એક જ સ્થળે હોલ્ટ પર ઊભી તો રાખી દેવાઈ છે પણ હજી સુધી પીસીઆર વાનમાં સ્ટાફની ભરતી કરવામાં આવતી નથી. હાલમાં પણ ડ્રાઇવર સાથે એક એએસઆઈ કે એક હેડ કોન્સ્ટેબલ એમ બે લોકો જ ફરજ બજાવી રહ્યા છે.

એક તરફ રાજ્ય પોલીસ વડાએ પીસીઆરમાં સ્ટાફ મૂકવાના આદેશો આપી દેવાયા છે ને બીજી તરફ ગાંધીનગરની પીસીઆર વાનમાં સ્ટાફની હજી સુધી ભરતી કરવામાં આવી નથી. જેનાં કારણે પીસીઆર વાનમાં હાલમાં ફરજ બજાવતા પોલીસ સ્ટાફની સ્થિતિ કફોડી બની જવા પામી છે. એમાય બાર-બાર કલાકની નોકરી કરી દેવામાં આવી હોવાથી પીસીઆર વાનમાં ફરજ બજાવતા પોલીસ જવાનો ઘરના કોઈ પણ સારા કે ખરાબ પ્રસંગમાં હાજરી આપી શકતા નથી…!!  આ અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે,હાલમાં સેક્ટર – 21 પોલીસ મથકની પીસીઆર વાનમાં ત્રણ શિફ્ટથી કામગીરી લેવાઈ રહી છે…!નિયમ મુજબ પીસીઆર વાનમાં એમ.ટી.શાખામાંથી ડ્રાઇવર ની ફાળવણી કરવાની રેહતી હોય છે પણ અત્યારે જે તે પોલીસ મથકના જવાનને જ ડ્રાઇવર તરીકે નોકરી કરવી પડી રહી છે…!પોલીસ મથકમાં પેહલેંથી જ સ્ટાફની ઘટ હોવા છતાં પણ પીસીઆર વાનમાં જે તે પોલીસ મથકમાંથી જ ડ્રાઇવર ફાળવવામાં આવે છે.

એમાંય રાજયનું પાટનગર હોવાના કારણે ગાંધીનગર પોલીસને સક્રિય કામગીરી સિવાય બંદોબસ્તમાં જોતરાંયેલા રેહવું પડે છે. જેની સીધી અસર કાયદો અને વ્યવસ્થા પર પડી રહી છે.આઠ કલાકની નોકરી લેવાની જગ્યાએ પોલીસ જવાનો પાસે બાર બાર કલાકની કામગીરી લેવામાં આવી રહી છે.જેના કારણે પીસીઆરમાં ફરજ બજાવતો કર્મચારી તેના ઘરના જ કોઈ પ્રસંગમાં હાજરી આપી શકતો નથી અને પોલીસ જવાન માનસિક રીતે તોબા પોકારી ઉઠયા છે…!! અત્રે ઉલ્લેખનીય છે કે એક તરફ રાજય પોલીસ વડા શિવાનંદઝા પોલીસ આધુનિકરણ માટે અથાગ પ્રયાસો કરી રહ્યા છે તેમના પ્રયાસોના ફળ સ્વરૂપે ગુજરાત પોલીસને પોતાનું એન્થમ સોંગ તેમજ અલગ લોગો પણ મળી ગયું છે ત્યારે રાજ્ય પોલીસ વડાનો આદેશ હોવા છતાં ગાંધીનગર પોલીસ મથકની પીસીઆર વાનમાં બે જ પોલીસ સ્ટાફથી કામ ચલાવી તેમના આદેશની જ અવગણના કરવામાં આવી રહી છે…!!

ઉલ્લેખનીય છે કે પોલીસ જ નહીં સરકારી દરેક ખાતામાં ખાલી જગ્યા હોવા છતાં માણસો ભરતી કરવામાં આવતી નથી. ત્યારે આજે પોલીસ બેડાંમાં આત્મહત્યા જેવા બનાવો પણ ભારી માત્રામાં બનવા પામ્યા છે. જેથી હવે ક્યારે DGP શિવાનંદઝાના આદેશનો પાલન થશે..? કે પછી આ જ રીતે પોલીસ કર્મી એક પછી એક આત્મહત્યા કરી જીવન ટૂંકાવી દેશે…?

Previous articleઅનામત-બિનઅનામતઃએક પરિપત્રને લઇને શું ગુજરાત ફરી એકવાર વર્ગ વિગ્રહના માર્ગે….?
Next articleમોંઘવારીના મામલે ગરવી ગુજરાત પાર્ટી દ્વારા યોજાઈ પદયાત્રા, આસ પાસના લોકો યાત્રા માં જોડાયા