(જી.એન.એસ)તા.૨૨
અમદાવાદ,
અમદાવાદના દસક્રોઇ તાલુકાના બાકરોલ-બુજરંગ ગામની ઝૂંપડપટ્ટીમાં અંધકાર ઘેરાયેલો હતો. ઝૂંપડપટ્ટી વિસ્તારમાં વીજળીના અભાવે રાત વધું કાળી લાગતી હતી. ઘડિયાળના કાંટે મધરાતના બે વાગ્યા હતા, એવામાં એક ઘરમાંથી ચીસો સંભળાઈ, ગર્ભવતી મહિલા રૂબિનાબહેન ફકીરને પ્રસવ પીડા ઉપડી હતી. પરિવારજનોના હૈયાના ધબકારા વધી ગયા. શું કરવું, કોને બોલાવવા, ક્યાં લઈ જવા? આવા અનેક પ્રશ્નો મનમાં ઘૂમરાયા કરતા હતા. એવામાં કોઈકે યાદ કર્યું, 108! તરત જ 108 ને ફોન લાગ્યો. અજીત મીલ લોકેશન પર સ્ટેન્ડ બાય રહેલી 108 એમ્બ્યુલન્સ સાયરન વગાડતી બાકરોલ-બુજરંગ ગામ તરફ દોડવા લાગી. ૧૦ કિલોમીટરનું અંતર શક્ય એટલી ઝડપથી કાપવાનું હતું. પાઈલટ કમલેશભાઈ પરમાર અને ઈ.એમ.ટી. મહાવીરસિંહ પ્રસૂતાનો જીવ બચાવવા દોડી આવ્યા હતા. ઝૂંપડપટ્ટીમાં બન્ને પહોંચ્યા ત્યારે જોયું તો ઘોર અંધકાર! અસ્થાયી ઝૂંપડપટ્ટીઓની વસાહતમાં વીજળી તો ક્યાંથી હોય! ઝૂંપડીઓમાં કે બહાર એકેય લાઈટ નહીં. ઈ.એમ.ટી. એ તપાસ કરી તો ખબર પડી કે મહિલાની હાલત નાજુક છે, તાત્કાલિક ડિલિવરી કરાવવી પડશે. પણ આ અંધારામાં શું કરવું? પાઈલટ કમલેશભાઈ અને ઈ.એમ.ટી. મહાવીરસિંહે સમયસૂચકતા વાપરી. તેમણે 108 એમ્બ્યુલન્સની લાઈટ ચાલુ રાખીને 108ના પ્રકાશમાં જ ડિલિવરી કરાવવાનું નક્કી કર્યું. પ્રસૂતા મહિલાનો ખાટલો ઝૂંપડીની બહાર લાવવામાં આવ્યો. 108ની લાઈટ હવે ઓપરેશન થીએટરની લાઈટ સમાન બની ગઈ હતી. તેના પ્રકાશમાં એક નવા જીવનનો જન્મ થવાનો હતો. નવું જીવન પાંગરવાનું હતું. નવજાત શિશુનું માથું બહાર આવી ગયું હતું. ઇ.એમ.ટી. મહાવીરસિંહે કોલ સેન્ટરમાં ફોન કરી ઈ.આર.સી.પી. ના માર્ગદર્શન હેઠળ ડિલિવરી કરાવી. એક નવું જીવન અંધકારમાંથી પ્રકાશમાં આવ્યું. માતા અને બાળક બંને સુરક્ષિત હતા. રૂબિનાબેન અને તેના નવજાત શિશુને સિંગરવા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. માતા અને બાળક બન્ને સ્વસ્થ છે. આ ઘટના જોઇને ઝૂંપડપટ્ટીના લોકોએ 108 ની ટીમનો આભાર માન્યો. 108 એમ્બ્યુલન્સ એ માત્ર ઇમરજન્સિ સેવા જ નહી, પણ કરોડો લોકો માટે આશાનું કિરણ બની ગઈ છે. કમલેશભાઈ અને મહાવીરસિંહ જેવા અનેક કર્મયોગીઓ દિવસ-રાત લોકોની સેવા કરી રહ્યા છે. તેમના કારણે અનેક જીવન બચી રહ્યા છે. આવી 108 ટીમ અને તેમના સેવાભાવને સો સો સલામ…..
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.