રૂ.૬.૬૦ કરોડના ખર્ચે પાળિયાદના સામુહિક આરોગ્ય કેન્દ્રના નવા મકાનના બાંધકામ માટે ટેન્ડરિંગની પ્રક્રિયા હાથ ધરાઈ: આરોગ્યમંત્રીશ્રી
(જી.એન.એસ) તા. 24
ગાંધીનગર,
બોટાદ જિલ્લાના લાઠીદડ અને પાળીયાદ ખાતેના આરોગ્ય કેન્દ્રોનાં જર્જરિત મકાનો અંગેના પ્રશ્નના પ્રત્યુત્તરમાં આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે લાઠીદડના આરોગ્ય કેન્દ્રના નવા મકાનના બાંધકામ માટે રૂ. ૬.૬૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે, જ્યારે પાળિયાદમાં રૂ. ૬.૬૦ કરોડના ખર્ચે સામુહિક આરોગ્ય કેન્દ્રના નવા બિલ્ડિંગના બાંધકામ માટે ટેન્ડરિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.
આ અંગે મંત્રીશ્રીએ લાઠીદડની વિગતો આપતાં જણાવ્યું કે આરોગ્ય વિભાગના તા. ૨૯ ડિસેમ્બર, ૨૦૧૦ના ઠરાવથી લાઠીદડના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને અપગ્રેડ કરી, સામુહિક આરોગ્ય કેન્દ્ર મંજૂર કરવામાં આવ્યું છે તેમજ આ માટે જરૂરી વધારાનું મહેકમ પણ મંજૂર કરવામાં આવ્યું છે.
મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, નવા સામુહિક આરોગ્ય કેન્દ્ર માટે IPHS(INDIAN PUBLIC HEALTH STANDARDS-2022)ના ધારાધોરણ મુજબ સીએચસી માટે કુલ ૭૫૦૦ ચો.મી.થી ૧૦૦૦૦ ચો.મી. જગ્યાની જરૂરિયાત રહે છે. જ્યારે મંજૂર થયેલ પ્લાન મુજબ તાલુકા કક્ષાની આરોગ્ય વિષયક સુવિધા માટે કુલ ૧૮૦૦ ચો.મી.થી ૨૩૦૦ ચો.મી. બાંધકામ કરવાનું થાય છે.
આ અંગે બોટાદ કલેક્ટરશ્રી દ્વારા મે, ૨૦૧૪ના હુકમથી વધુ ૧૦ હજાર ચો.મી. જમીનની ફાળવણી પણ કરવામાં આવી છે. પરિણામે, સામુહિક આરોગ્ય કેન્દ્રમાં વધુ ૧૯૦ ચો.મી.નું બાંધકામ થતાં, હયાત સામુહિક આરોગ્ય કેન્દ્રનું કુલ ક્ષેત્રફળ ૪૫૦ ચો.મી. જેટલું થાય છે અને તાંત્રિક દૃષ્ટિએ મકાનની સ્થિતિ હાલમાં સારી છે તેમજ વપરાશપાત્ર છે. જ્યારે નવીન મકાનના બાંધકામ માટે ૧૫મા નાણાં પંચમાંથી ૬.૬૦ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
આ જ પ્રકારે, પાળીયાદ ખાતેના પી.એચ.સી.ની વિગતો આપતાં મંત્રીશ્રીએ જણાવ્યું કે આરોગ્ય કેન્દ્રના કેમ્પસની કુલ આશરે ૩૦૦૦ ચો.મી.ની જગ્યામાં ૨૮૦ ચો.મી.નું બાંધકામ કરવામાં આવ્યું છે. આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને સામુહિક આરોગ્ય કેન્દ્ર તરીકે અપગ્રેડ કરવામાં આવતાં, વધારાની સેવાઓ માટે વધુ ૩૦૦ ચો.મી.ના બાંધકામ સાથે હાલના હયાત સામુહિક આરોગ્ય કેન્દ્રનું કુલ ક્ષેત્રફળ ૫૮૦ ચો.મી. જેટલું થાય છે. જ્યારે નવીન બાંધકામ માટે મંજૂર થયેલા પ્લાન મુજબ તાલુકાકક્ષાની આરોગ્ય વિષયક સુવિધા માટે કુલ ૧૮૦૦ ચો.મી. થી ૨૩૦૦ ચો.મી. બાંધકામ કરવાનું થાય છે. પરિણામે, આ આરોગ્ય કેન્દ્રના વર્ટિકલ એક્સપાન્શન માટે કુલ આશરે ૬.૬૦ કરોડના ખર્ચે ટેન્ડરિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
બોટાદ જિલ્લામાં આવેલાં આરોગ્ય કેન્દ્રોની વિગતો આપતાં મંત્રીશ્રીએ જણાવ્યું કે જિલ્લામાં કુલ-૧૧૧ આયુષ્માન આરોગ્ય મંદિર છે. જેમાં ૮૪ પેટા આરોગ્ય કેન્દ્ર, ૧૮ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ૬ અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર અને ૩ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તરીકે કાર્યરત્ છે. જેમાં ગર્ભાવસ્થા અને બાળજન્મ સંબંધિત સેવાઓ, નવજાત બાળક અને શિશુઓની આરોગ્ય – સંભાળસેવાઓ, બાલ્યાવસ્થા અને તરુણાવસ્થાની આરોગ્ય – સંભાળસેવાઓ, કુટુંબ નિયોજન, ગર્ભ નિરોધક સેવાઓ, ચેપી રોગોની સારવાર, બિનચેપી રોગોની તપાસ, આંખ, કાન, નાક, ગળાની સારવાર, મોઢાના રોગ અને માનસિક બીમારીઓની તપાસ અને સામાન્ય સારવાર તેમજ ઇમર્જન્સી તબીબી સેવાઓ આપવામાં આવે છે તેમ આરોગ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.