Home વ્યાપાર જગત ભારતીય શેરબજારમાં બજેટલક્ષી સ્ટોક સ્પેસિફિક મુવમેન્ટ નોંધાશે…!!!

ભારતીય શેરબજારમાં બજેટલક્ષી સ્ટોક સ્પેસિફિક મુવમેન્ટ નોંધાશે…!!!

108
0
SHARE

રોકાણકાર મિત્રો, આનંદ ને…!!!

વિશ્વના શેરબજારોમાં નેગેટીવ પરિબળો છતાં છેલ્લાં ૧૦ માસમાં અવિરત મોટી તેજી કર્યા સાથે ભારતીય શેરબજારમાં બીએસઇ સેન્સેક્સે માર્ચ ૨૦૨૦ના કડાકાના નીચા મથાળેથી અંદાજીત ૯૩%નો ઉછાળો નોંધાવીને ૫૦,૦૦૦ પોઈન્ટની સપાટી કૂદાવીને ૫૦,૧૮૪ પોઈન્ટની નવી ઐતિહાસિક ઊંચાઈનો વિક્રમ નોંધાવી, નવો ઈતિહાસ રચીને આ ઐતિહાસિક તેજીના અતિરેકને અપેક્ષિત વિરામ આપીને ફંડોએ શેરોમાં મોટાપાયે પ્રોફિટ બુકિંગ શરૂ કર્યું છે.

છેલ્લા એક અઠવાડિયામાં વિશ્વના મોટા ભાગના બજારોમાં ઘટાડો થયો છે, ત્યારે સ્થાનિક સ્તરે સિક્કીમ સરહદે ભારત અને ચીન વચ્ચે અથડામણ સર્જાતા ચીન સરહદે તંગદિલી યથાવત રહેતા સિક્કીમમાં થયેલા ઘર્ષણ અંગે ભારત અને ચીન દ્વારા કમાન્ડર સ્તરની વાતચીત, ખેડૂત આંદોલન ઉગ્ર બનતા સરકાર માટે આર્થિક સુધારાઓને અમલી બનાવવું મુશ્કેલ અને કેન્દ્રિય બજેટમાં  ટેક્સ સંદર્ભે કડક નિર્ણયો લેવામાં આવશે અને બજેટ સરકાર માટે પડકારજનક રહેશે, તેવા અહેવાલોને પગલે બજેટ પહેલા ફંડોએ શેરોમાં ઓવરબોટ પોઝિશન હળવી કરવા સાથે બજેટ પૂર્વે બજારની તંદુરસ્તી માટે જોઈતું અપેક્ષિત મોટું કરેકશન જોવા મળી રહ્યું છે.

નવા કેલેન્ડર વર્ષમાં ભારત સહિત અનેક ઊભરતા બજારોએ યુ.એસ.માં રાહત પેકેજની આશા પર રેકોર્ડ સપાટી સ્પર્શ કરી હતી, પરંતુ યુ.એસ. રાષ્ટ્રપતિ બિડેન દ્વારા ૧.૯ ટ્રિલિયન ડોલરના રાહત પેકેજની જાહેરાત કરવામાં વિલંબથી વિશ્વભરના રોકાણકારોનો ઉત્સાહ નબળો પડયો હતો. ઉપરાંત કોરોના વાયરસના ફેલાવાના કારણે ઘણી જગ્યાએ પુન:લોકડાઉનની પણ શેરબજાર પર વિપરીત અસર થઈ હતી.

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….

વૈશ્વિક મોરચે અમેરિકામાં તાજેતરમાં કોરોનાના કેસમાં થયેલા વધારા, હોસ્પિટલાઈઝેશન તથા મૃત્યુના આંકને કારણે વૈશ્વિક અર્થતંત્ર ફરી મુશ્કેલીમાં મૂકાયું છે અને આર્થિક પ્રવૃત્તિ તથા રોજગાર નિર્માણ પર ગંભીર અસર પડી છે. અર્થતંત્રની દિશા હજુ પણ કોરાના વાયરસની સ્થિતિ પર જ આધાર રાખી રહી છે. કોરોનાના વધી રહેલા કેસ ઉપરાંત અર્થતંત્રમાં મંદીને ધ્યાનમાં રાખી અમેરિકન ફેડરલ રિઝર્વે બેન્ચમાર્ક વ્યાજ દર શૂન્યની રેકોર્ડ નીચી સપાટીએ જાળવી રાખ્યા છે.

સ્થાનિક સ્તરે કોરોનાને કારણે સરકારી તિજોરી પર આવી પડેલી તૂટને ધ્યાનમાં રાખી આગામી નાણાં વર્ષમાં સરકાર ડિસઈન્વેસ્ટમેન્ટ કાર્યક્રમમાં આક્રમક રીતે આગળ વધશે તેવી ધારણાં રખાઈ રહી છે. વર્તમાન નાણાં વર્ષમાં સરકારી ઉપક્રમોમાં ડિસઈન્વેસ્ટમેન્ટ મારફત રૂપિયા ૨.૧૦ લાખ કરોડ ઊભા કરવા સરકાર દરખાસ્ત ધરાવતી હતી, પરંતુ અત્યાર સુધીમાં માત્ર રૂપિયા પંદર હજાર કરોડ જ ઊભા કરી શક્યા છે. સરકાર દ્વારા એલઆઈસીમાં ૧૪થી ૧૫% હિસ્સાનું વેચાણ કરવાની વિચારણા ચાલી રહી છે. લાઈફ ઈન્સ્યૂરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયામાં પોતાના હિસ્સાના વેચાણની યોજનાના કાર્યક્રમની બજેટમાં જાહેરાત થવા વકી છે.

એલઆઈસી ઉપરાંત આઈડીબીઆઈ બેન્ક, બીપીસીએલ તથા એર ઈન્ડિયામાં પણ હિસ્સાના વેચાણના કાર્યક્રમની  રૂપરેખા આગામી સપ્તાહમાં રજૂ થનારા કેન્દ્રિય બજેટમાં જાહેર થવાની શકયતા છે. મહામારીની પ્રતિકૂળતા વચ્ચે આ વખતનું બજેટ સરકાર માટે એક પડકાર સમાન બાબત પૂરવાર થશે. ભારતીય અર્થતંત્રને ફરી આર્થિક વિકાસની પટરી પર લાવવા માટે મોદી સરકાર દ્વારા થઈ રહેલા સરાહનીય પ્રયાસોથી આગામી દિવસોમાં ભારતમાં વૃદ્ધિની મોટી તકો જોઈ રહેલા ફોરેન ફંડો – ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો શેરોમાં અવિરત મોટાપાયે ખરીદદાર બન્યા છે, પરંતુ આર્થિક મોરચે હજુ અનેક પડકારો હોવાથી અને કોરોના સંક્રમણના નવા વેવમાં પરિસ્થિતિ કથળવાના સંજોગોમાં કોર્પોરેટ ઈન્ડિયાની કામગીરી પણ નબળી પડવાની શકયતાએ હજુ શેરોમાં ઉછાળે સાવચેતી રાખવી જરૂરી બની રહેશે.

સરકાર સામે કિસાન આંદોલનની સમસ્યા ઊભી છે. બજેટના દિવસે કિસાનોનું એકાદ જૂથ હંગામો કરી શકે છે. લોકોનું ધ્યાન બજેટ તરફ વાળવા હવે બજેટને ગેમ ચેન્જર કહીને સરકાર લોકોની જિજ્ઞાસામાં વધારો કરી રહી છે. સરકાર સામે અનેક પડકારો છે. સૌથી મોટી સમસ્યા જંગી ખાધની છે. બેરોજગારી અને મંદીની સમસ્યા હળવી કરવા સરકાર કેવા પગલાં લેશે તે પર સૌની નજર છે.

બજારની ભાવી દિશા….

મિત્રો, કોરોના સંક્રમણના પરિણામે વિશ્વ ત્રસ્ત છે, ત્યારે ઘણાં દેશોના અર્થતંત્ર સંકટમાં છે. વિશ્વભરમાં કોરોના વેક્સિનેશનનો પ્રોગ્રામ વેગ પકડી રહ્યો છે પણ આ મહામારીમાંથી ક્યારે મુક્ત થઈ શકાશે એ અનિશ્ચિત છે, ત્યારે આ પ્રવર્તમાન પરિસ્થિતિમાં અર્થતંત્રની ગાડી પુન:પટરી પર લાવવા આડે અનેક પડકારો વચ્ચે ભારત સરકાર દ્વારા રજૂ થનારા કેન્દ્રિય બજેટ પર વિશ્વની નજર છે.

ભારતીય અર્થતંત્રમાં સુધારાના સંકેતો જોતા એવી અપેક્ષા રાખવામાં આવે છે કે નાણાકીય વર્ષ ૨૦૨૦ – ૨૧ના અંતિમ ત્રિમાસિકના જીડીપીમાં સુધારાના સંકેતો જોવાશે અને નાણાકીય વર્ષ ૨૦૨૧ – ૨૨માં મજબૂત ગ્રોથનો અંદાજ મૂકવામાં આવે છે. આ કારણે વિવિધ રેટિંગ અજન્સી સહિત બ્રોકરેજ હાઉસોએ જીડીપીના અંદાજોમાં સુધારો કર્યો છે.

વૈશ્વિક મોરચે હજુ અનિશ્ચિતતાના દોર કાયમ રહેવા સાથે અમેરિકામાં સત્તા પરિવર્તન થઈ જઈ હવે કોરોના સંક્રમણને રોકવાના બાઈડેન સરકાર દ્વારા મોટાપાયે પ્રયાસો શરૂ કર્યા સાથે અર્થતંત્રને પટરી પર લાવવા લેવાઈ રહેલા પગલાં પર નજર રહેશે. ઉપરાંત, આંતરરાષ્ટ્રીય મોરચે બ્રેક્ઝિટ ડિલની આસપાસ થઈ રહેલા ડેવલપમેન્ટસ સાથે સ્થાનિક સ્તરે રૂપિયા સામે અમેરિકી ડોલરના મૂલ્યમાં વધઘટ પર વિશ્વની સાથે ભારતીય શેરબજારની નજર રહેશે.

Print Friendly, PDF & Email