Home વ્યાપાર જગત કોર્પોરેટ ઈન્ડિયાના ત્રિમાસિક ગાળાના પરિણામો, કોરોના વાઇરસની રસીનું વિતરણ અને એફઆઇઆઇની નોંધપાત્ર...

કોર્પોરેટ ઈન્ડિયાના ત્રિમાસિક ગાળાના પરિણામો, કોરોના વાઇરસની રસીનું વિતરણ અને એફઆઇઆઇની નોંધપાત્ર ખરીદી કે વેચવાલી ઉપર નવા કેલેન્ડર વર્ષ ૨૦૨૧માં બજારની આગામી તેજીનો આધાર ..!!!

151
0
SHARE

રોકાણકાર મિત્રો, આનંદ ને…!!

તા.૩૦.૧૨.૨૦૨૦ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૪૭૬૧૩.૦૮ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૪૭૭૮૯.૦૩ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૭૩૫૮.૩૬ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૪૯.૪૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૩૩.૧૪ પોઈન્ટના ઉછાળા સાથે ૪૭૭૪૬.૨૨ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૩૯૩૫.૦૫ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૧૩૯૭૯.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૩૮૭૦.૯૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૧૪.૧૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૪૨.૯૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૩૯૭૮.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

અમેરિકામાં યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કોવિડ મહામારી સંબંધી અંદાજીત ૨.૩ અબજ ડોલરના એક વધુ સ્ટીમ્યુલસ પેકેજને મંજૂરી અને બ્રેક્ઝિટ ડીલના પોઝિટિવ અહેવાલોને કારણે વૈશ્વિક બજારોમાં આગેકૂચ સાથે જેમાં ભારત જેવા ઈર્મિંજગ જ્યારે જર્મની જેવા વિકસિત બજારોએ નવી ટોચ દર્શાવી હતી જો કે ભારતીય શેરબજારમાં બે તરફી અફડાતફડી બાદ આગેકૂચ જોવા મળી હતી. ક્રિસમસ વેકેશન વચ્ચે અને બાદ પણ વિદેશી સંસ્થાકિય રોકાણકારોએ સતત પોઝિટિવ ફ્લો જાળવ્યો છે.

બેઝિક મટિરિયલ્સ, બેન્ક, ઓટો, રિયલ્ટી, મેટલ, સિમેન્ટ અને સીડીજીએસ સેક્ટરની આગેવાનીમાં બીએસઇ સેન્સેક્સ ૪૭૮૦૭ પોઈન્ટની અને નિફ્ટી ફ્યુચર ૧૩૯૮૫ પોઈન્ટની વધુ એક નવી ઐતિહાસિક સપાટીએ ટ્રેડ થયાં હતાં ઉપરાંત કોરોના વાઇરસના નવા સ્ટેન સામે ભારતમાં કોરોનાના કેસનું પ્રમાણ પણ ઘટી રહ્યું છે સાથે બીજી તરફ રસી માટેની તડામાર તૈયારીઓ પણ થઈ રહી છે જેને પગલે સેન્ટિમેન્ટ સતત સુધરી રહ્યું છે.

બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૫૩% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૩૭% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર સેક્ટરલ ઈન્ડાયસીસમાં માત્ર હેલ્થકેર, આઈટી, ટેલિકોમ અને ટેક શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસમાં લેવાલી જોવા મળી હતી.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૧૩૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૩૧૩ અને વધનારની સંખ્યા ૧૬૫૦ રહી હતી, ૧૭૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૭૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૭૩ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

ભારતીય બેન્ચમાર્કનું ૮૬%નું તીવ્ર રિટર્ન… બીએસઇ સેન્સેક્સનું ૧૧ માસમાં અંદાજીત ૮૬%નું વિક્રમી રિટર્ન દર્શાવ્યું છે. ૨૪ માર્ચે ૨૦૨૦ના રોજ ૨૫,૬૩૯ પોઈન્ટના તળિયાથી સતત સુધરતો રહેલો બીએસઇ સેન્સેક્સ આજે ૩૦ ડિસેમ્બરના ૪૭,૮૦૭ પોઈન્ટની સર્વોચ્ચ સપાટી નોંધાવી હતી. ભારતીય બેન્ચમાર્ક્સે અગાઉ કેલેન્ડર વર્ષ ૨૦૦૮માં જાન્યુઆરી માસમાં ૨૧,૦૦૦ પોઈન્ટની ટોચ દર્શાવ્યાં બાદ ઓક્ટોબર માસમાં ૮,૦૦૦ પોઈન્ટની નીચે ઊતરી ગયો હતો જો કે ચાલુ વર્ષે બેન્ચમાર્કે તેણે જાન્યુઆરીમાં દર્શાવેલી ટોચને નવેમ્બરમાં પાર કર્યાં બાદ સતત નવી ટોચ દર્શાવવાનું ચાલુ જ રાખ્યું છે તેથી  કેલેન્ડર વર્ષ ૨૦૨૦માં તે ૧૫.૪૨%નું નોંધપાત્ર રિટર્ન દર્શાવી રહ્યો છે. હજુ કેલેન્ડર વર્ષને પૂરા થવામાં એક ટ્રેડિંગ સત્ર બાકી છે. છેલ્લા મહિનામાં બીએસઇ સેન્સેક્સે અંદાજીત ૭.૮૪%નું રિટર્ન દર્શાવ્યું છે. બેન્ચમાર્ક નિફ્ટી ફ્યુચર પણ લગભગ સમાન દેખાવ દર્શાવી રહ્યો છે.

બંને ભારતીય બેન્ચમાર્ક્સ માર્ચ પછીના દેખાવની બાબતે વૈશ્વિક સ્તરે ચોથા અને પાંચમા ક્રમે આવે છે. કેલેન્ડર વર્ષ ૨૦૧૯માં તેઓ સારા રિટર્ન દર્શાવી શક્યાં નહોતાં. જ્યારે વર્ષ ૨૦૨૦માં કોવિડ -19 ના કારણે અન્યોની સરખામણીમાં વધુ તીવ્ર ઘટાડો નોંધાવ્યો હતો જોકે વર્ષનો અંત સારો રહ્યો હતો.

બજારની ભાવિ દિશા…. મિત્રો, વિદેશી સંસ્થાકીય રોકાણકારો ભારત સહિતના ઈમર્જિંગ બજારોમાં છેલ્લા બે દાયકાથી ખરીદી કરી રહ્યાં છે અને ભારતીય ઈક્વિટીઝ માર્કેટના તેઓ સૌથી મોટા ખરીદદારો રહ્યા છે. વિદેશી રોકાણકારોએ કોવિડ વર્ષ ૨૦૨૦માં શરૂઆતી તબક્કામાં વેચવાલી નોંધાવી હતી જો કે ત્યારબાદ સતત ખરીદી દર્શાવી હતી. ભારતીય શેરબજારમાં તેમણે અંદાજીત રૂ.૧.૬૧ લાખ કરોડ અથવા ૨૧ અબજ ડોલરથી વધુનો ઈનફ્લો ઠાલવીને કેલન્ડર ૨૦૧૨માં તેમણે જ દર્શાવેલા રૂ. ૧.૨૮ લાખ કરોડના વિક્રમી રોકાણને પાછળ રાખી દીધું હતું. અંતિમ છ કેલેન્ડર વર્ષમાં ૨૦૧૯ સિવાય એફઆઈઆઈ ભારતીય બજારમાં સામાન્ય રોકાણ દર્શાવતાં રહ્યાં છે.

એફઆઈઆઈ રોકાણની વાત છે તો કેલેન્ડર વર્ષ ૨૦૨૦ની શરૂઆત નેગેટિવ નોંધ સાથે થઈ હતી. એટલે કે જાન્યુઆરી – ફેબ્રુઆરીમાં સાધારણ આઉટફ્લો બાદ માર્ચ-એપ્રિલમાં કોરોના મહામારીને કારણે વૈશ્વિક ગભરાટ પાછળ તેમણે ભારતીય ઈક્વિટીઝ માર્કેટમાં અંદાજીત રૂ.૬૬ હજાર કરોડનો વિક્રમી આઉટફ્લો દર્શાવ્યો હતો જ્યારે મે, જૂન, જુલાઈ અને ઓગસ્ટમાં તેઓ સતત ખરીદદાર રહ્યાં હતાં.સપ્ટેમ્બરમાં અંદાજીત રૂ.૧૧ હજાર કરોડની નાની વેચવાલી બાદ ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બરમાં તેમણે જંગી ખરીદી નોંધાવી હતી.

ભારતીય અર્થતંત્ર માટેનું મહત્વનું વર્ષ હવે શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે જાન્યુઆરી ૨૦૨૧ દરમિયાન હવે કોર્પોરેટ ઈન્ડિયાના ત્રીજા ત્રિમાસિક ગાળાના પરિણામો, કોરોના વાઇરસની રસીનું વિતરણ અને એફઆઇઆઇની નોંધપાત્ર ખરીદી કે વેચવાલી ઉપર નવા કેલેન્ડર વર્ષ ૨૦૨૧માં બજારની આગામી તેજીનો ખાસ્સો આધાર રહેશે.

Print Friendly, PDF & Email