Home વ્યાપાર જગત નિફ્ટી ફ્યૂચર રેન્જ ૧૩૬૦૬ થી ૧૩૮૮૮ પોઇન્ટ ધ્યાને લેવી…!!!

નિફ્ટી ફ્યૂચર રેન્જ ૧૩૬૦૬ થી ૧૩૮૮૮ પોઇન્ટ ધ્યાને લેવી…!!!

254
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!!!

ગત સપ્તાહે પણ ભારતીય શેરબજારમાં તેજી તરફી આગેકૂચ ચાલુ રહી હતી. સેન્સેક્સે સૌપ્રથમવાર ૪૭,૦૦૦ની સપાટી કૂદાવી, તો નિફ્ટી ફ્યુચરે ૧૩,૭૦૦નું લેવલ કૂદાવ્યું હતું. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો દ્વારા ભારતીય શેરબજારોમાં ગત સપ્તાહે સતત ખરીદી ચાલુ રાખીને રોજબરોજ શેરોમાં જંગી ખરીદી કરી સેન્સેક્સ-નિફટીને નવા શિખરે નવી વિક્રમી ઊંચાઈએ લાવી દીધા હતા. પરંતુ સાવ અકલ્પિય ઘટના તરીકે બ્રિટનમાં કોરોના વાયરસનો નવા પ્રકારનો સ્ટ્રેન સામે આવતા અનેક દેશોમાં લોકડાઉનની જાહેરાત બાદ વૈશ્વિક શેરબજારોમાં ભારે ઘટાડા સાથે સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં અંતિમ સેસન દરમિયાન સેન્સેક્ષમાં વધ્યાં મથાળેથી અંદાજીત ૨૧૩૨ પોઈન્ટ અને નિફ્ટી ફ્યુચરમાં વધ્યા મથાળેથી અંદાજીત ૬૩૦ પોઈન્ટનો અપેક્ષિત કડાકો નોંધાવ્યો હતો.

અપેક્ષિત ઘટાડા બાદ વૈશ્વિક બજારોમાં પોઝિટિવ મોમેન્ટમ વચ્ચે ફોરેન ફંડોની સતત લેવાલીને પગલે ભારતીય શેરબજારમાં ગત સપ્તાહે પણ સતત આગેકૂચ ચાલુ રહી હતી અને તેજીવાળાઓએ ફરી બજાર પર પકડ બનાવી રાખી હતી. સપ્તાહની શરૂઆતમાં યુ.કે.માં કોરોના વાઈરસ નવા સ્વરૂપે ઝડપી ફેલાઈ રહ્યાના અહેવાલ અને એમાં ખાસ યુ.કે.માં નવા સ્વરૂપે કોરોના ઝડપી ફેલાઈ રહ્યાના અહેવાલો વચ્ચે યુ.કે. સાથેનો વિમાની વ્યવહાર અનેક દેશોએ બંધ કરી દેતાં અને વધુ દેશોમાં કોરોના ફેલાવાના ફફડાટ સાથે વૈશ્વિક અર્થતંત્ર ફરી વધુ ડામાડોળ થવાના એંધાણ સામે સાવચેતી સાથે ભારતીય શેરબજારમાં તેજી જોવાઈ હતી. અલબત આગામી સપ્તાહમાં ગુરૂવારે ડિસેમ્બર વલણનો અંત આવી રહ્યો હોઈ અને બીજી તરફ અમેરિકામાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હાઉસ ઓફ રેપ્રઝેન્ટિટિવ દ્વારા મંજૂર કરાયેલા અંદાજીત ૯૦૦ અબજ ડોલરના પેકેજ પર સહી કરવાની ના પાડી દેતા ફંડોએ ઈન્ડેક્સ બેઝડ શોર્ટ કવરિંગ સાથે ઉછાળે નફારૂપી વેચવાલી પણ કરી હતી. જોકે ભારતીય શેરબજારે હાલ તો બ્રેક્ઝિટ સહિતના તમામ નેગેટિવ ફેક્ટરને પણ અવગણીને આગેકૂચ જાળવી રાખી હતી અને સપ્તાહના દરમિયાન બે તરફી અફડાતફડી બાદ મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો.

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….

ગત સપ્તાહે ૨.૫ વર્ષનું તળિયું બનાવીને બાઉન્સ થયેલો ડોલર ઇન્ડેક્સ આઈટી અને ફાર્મા જેવા નિકાસકર્તા ક્ષેત્રોને લાભ મળતો જોવાઈ રહ્યો છે. ગત અગ્રણી તમામ લાર્જ અને મિડ-કેપ્સ આઈટી કંપનીઓએ તેમની સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. બ્રોડ માર્કેટમાં વધ-ઘટ વચ્ચે આઈટી કાઉન્ટર્સમાં સુધારો જળવાયો હતો અને નિફ્ટી આઈટી ઇન્ડેક્સ વધુ તેની ઐતિહાસિક ટોચ પર રહ્યો હતો. ડોલર ઇન્ડેક્સમાં નરમાઈને કારણે છેલ્લા એક મહિનાથી એફ્આઈઆઈ દૈનિક ધોરણે રૂ.૩૦૦૦ કરોડથી વધુનું રોકાણ ઠાલવતી રહી હતી. અગાઉ ૨૦૦૪થી ૨૦૦૭ દરમિયાન ડોલરમાં નરમાઈ વચ્ચે FIIએ ઇર્મિંજગ બજારોમાં જંગી રોકાણ ઠાલવ્યું હતું. જોકે ડોલર ઇન્ડેક્સમાં સુધારો થતાં તેમણે વેચવાલી દર્શાવી હતી. યુએસ ખાતે સ્ટિમ્યુલસ તથા ફેડે બોન્ડ બાઇંગ જાળવી રાખવાનું જણાવ્યા બાદ ડોલર ટૂંકાગાળા માટે બોટમ આઉટ થયો હતો. મારા મતે જો ડોલર ઇન્ડેક્સ સુધારો જાળવી રાખશે તો આગામી દિવસોમાં આઈટી અને ફાર્મા જેવા નિકાસકર્તા ક્ષેત્રોને લાભ મળતો જોવા મળશે.

સ્થાનિક સ્તરે નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ નું બજેટ ૧ ફેબ્રુઆરી, ૨૦૨૧ ના ​​રોજ સંસદમાં રજૂ થવાનું છે, ત્યારે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે આગામી બજેટને લઇને મહત્વપૂર્ણ જાહેરાત અંગે જણાવ્યુ હતું કે સરકાર કોરોના રોગચાળાથી પ્રભાવિત અર્થવ્યવસ્થાને નિયંત્રિત કરવા અને વિકાસને પ્રોત્સાહન આપવા અગ્રેસર છે. સાથે કોરોનાના કારણે જેની સીધી અસર થઇ છે તે તામમ ક્ષેત્રોને બેઠા કરવાની પ્રાયોરીટી રહેશે. આ બજેટ કોરોના રોગચાળા પછી બનાવવામાં આવી રહ્યું છે તેથી સ્વાભાવિક છે કે લોકોને આ બજેટથી વધારે અપેક્ષા હશે.

કોમોડીટી સેક્ટર સંદર્ભે…

ભારત ગોલ્ડનો મોટો આયાતકાર દેશ છે. જ્વેલરી ઉદ્યોગ તરફથી ગોલ્ડની માગ વધુ રહે છે. સામાન્ય રીતે દેશની ગોલ્ડની વાર્ષિક આયાત ૮૫૦થી ૯૦૦ ટન આસપાસ રહે છે. કોરોનાની અસરને કારણે વર્તમાન વર્ષમાં જેમ્સ એન્ડ જ્વેલરીની નિકાસ ૪૪% ઘટી ૧૪.૩૦ અબજ ડોલર રહી હોવાનું આંકડા જણાવે છે. વર્તમાન નાણાં વર્ષમાં દેશની સોનાચાંદીની આયાત નીચી રહેતા વેપાર ખાધ નિયંત્રણમાં રાખવામાં સરકારને મદદ મળી છે. વર્તમાન નાણાં વર્ષના એપ્રિલથી નવેમ્બરના ગાળામાં દેશની વેપાર ખાધ ઘટીને ૪૨ અબજ ડોલર રહી છે જે ગયા નાણાં વર્ષના આ ગાળામાં ૧૧૩.૪૨ અબજ ડોલર રહી હતી. ગોલ્ડની આયાત એપ્રિલથી નવેમ્બરના ગાળામાં ૪૦% ઘટી ૧૨.૩૦ અબજ ડોલર રહી છે. જે ગયા નાણાં વર્ષના આ ગાળામાં ૨૦.૬૦ અબજ ડોલર રહી હતી. ચાંદીની આયાત પણ ૬૫.૭૦% ઘટી ૭૫.૨૦ કરોડ ડોલર રહી હતી. વિશ્વભરમાં બેન્કની ઉદાર નીતિ તેમજ અર્થવ્યવસ્થામાં પણ સુધારા થઇ રહ્યા હોવાથી બુલિયન માર્કેટમાં પણ રોકાણકારોની નજર છવાયેલી છે. મારા મતે સોનાની માંગ ત્રીજા ત્રિમાસિક ગાળા દરમ્યાન ઓછી થયા બાદ આગામી ચોથા ત્રિમાસિક સમયમાં વધવાની શક્યતાએ આગામી નવા વર્ષમાં સોનાના ભાવમાં તેજી જોવા તેવી શક્યતા જોવાઈ રહી છે.

બજારની ભાવી દિશા….

કેલેન્ડર વર્ષ ૨૦૨૦ની વસમી વિદાય થઈ રહી છે. કોઈએ આ વર્ષની આવી કલ્પના કરી ન હતી. કોરોનાએ સમગ્ર વિશ્વમાં અનેક પરિવર્તન લાવી દીધા છે. તેવી જ રીતે દલાલ સ્ટ્રીટમાં પણ અનેક આશ્ચર્ય સર્જ્યા છે. માર્ચ અગાઉ કોઈને ભયાનક કડાકાની અને નિફ્ટી ૭૫૦૦ની નજીક જશે તેવી કલ્પના પણ ન હતી. એ જ રીતે માર્ચ પછી વી-શેઈપ રિકવરીની પણ કોઈને કલ્પના ન હતી અને વર્ષના અંત સુધીમાં સેન્સેક્સ ૪૭૦૦૦ અને નિફ્ટી ૧૪૦૦૦ની નજીક પહોંચશે તેની કોઈને કલ્પના ન હતી. હવે ૨૦૨૧માં શું થશે તેના પર સાવચેતીપૂર્વકના વર્તારા થઈ રહ્યા છે. ફ્રાન્સના બ્રોકરેજ બીએનપી પારિબાએ કહ્યું છે કે હાલમાં તે ભારતીય માર્કેટ અંગે ઓવરવેઈટ છે અને છતાં તેના મતે ડિસેમ્બર ૨૦૨૧ સુધીમાં સેન્સેક્સ ૫૦૦૦૦નું સ્તર બતાવશે. બીએનપી પારિબાના જણાવ્યુ હતું કે વૈશ્વિક લિક્વિડિટીને કારણે ભારતીય શેરબજાર પ્રત્યાઘાતી તેજી નોંધાવી રહ્યું છે ત્યારે બીજી તરફ ઘણાં રોકાણકારો એવા છે જે અર્થતંત્રનું ઉજ્જવળ ભવિષ્ય હોવાનું કહીને લાંબા ગાળાનું રોકાણ કરી રહ્યા છે. આગામી કેલેન્ડર વર્ષમાં બજારનો મોટો આધાર કોરોનાની કારગત રસી પર રહેશે. કોર્પોરેટ્સની અર્નિંગ્સમાં કેટલો સુધારો આવે છે તે પણ મહત્વનું બની રહેશે.

નવા સપ્તાહમાં આંતરરાષ્ટ્રીય સ્તર પર બ્રેક્ઝિટ ડીલની મંત્રણા અને અમેરિકન સ્ટીમ્યુલસ અંગેની અનિશ્ચિતતા જેવા પરિબળો પર વૈશ્વિક બજારો સાથે ભારતીય શેરબજારનો આધાર રહેશે. આ ઉપરાંત બજાર ઓવરબોટ ઝોનમાં ખાસ્સા સમયથી છે, પરંતુ કોરોનાના કેસ ઘટી રહ્યા છે અને બીજી તરફ કોરોના રસી અંગેના એક પછી એક પોઝિટિવ સમાચાર આવી રહ્યા છે, એફઆઈઆઈની સતત ખરીદી નવેમ્બર પછી ડિસેમ્બરમાં પણ આગળ વધી રહી છે. ત્યારે તેમની ખરીદી ચાલુ રહે છે કે વર્ષના અંતિમ દિવસોમાં તેઓ નફો બુક કરશે તે જોવાનું રહેશે. બજારનો ખાસ્સો આધાર એફઆઈઆઈની ખરીદી પર રહેશે. મારા મતે સમગ્ર રીતે જોતા ટ્રેન્ડ પોઝિટિવ જળવાઈ રહેશે, કારણ કે બજારમાં લિક્વિડિટી ખાસ્સી છે, યુ.કે.માં નવા સ્વરૂપે કોરોના ઝડપી ફેલાઈ રહ્યાના અહેવાલો સામે રસી અંગેના પોઝિટિવ સમાચાર આવી રહ્યા છે અને આર્થિક રિકવરી પણ સારી જોવાઈ રહી છે. જોકે અમેરિકન સ્ટીમ્યુલસ અંગે અનિશ્ચિતતા અને બ્રેક્ઝિટની અનિશ્ચિતાને કારણે વૈશ્વિક નરમાઈની અસર સ્થાનિક શેરબજાર પર પડી શકે છે.

Previous articleભારતીય શેરબજાર પ્રત્યાઘાતી ઘટાડે તેજી તરફી રૂખ નોંધાવશે…!!!
Next articleવિદેશી રોકાણકારોની અવિરત લેવાલી થકી શેરબજારમાં તેજી તરફી માહોલ…!!!
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.