Home વ્યાપાર જગત ભારતીય શેરબજારમાં અફડા તફડીના અંતે તેજી તરફી માહોલ યથાવત્…!!

ભારતીય શેરબજારમાં અફડા તફડીના અંતે તેજી તરફી માહોલ યથાવત્…!!

32
0
SHARE
Brave spanish bull

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૨.૧૦.૨૦૨૧ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૬૦૧૩૫.૭૮ સામે ૬૦૦૪૫.૭૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૯૮૮૫.૩૯ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૪૬.૩૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૪૮.૫૩ પોઈન્ટના ઉછાળા સાથે ૬૦૨૮૪.૩૧ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૯૭૩.૦૫ સામે ૧૭૯૧૯.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૭૮૬૨.૬૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૫૨.૪૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૫.૪૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૮૦૦૮.૫૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત સામાન્ય મજબૂતીએ થઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાતમાં ટોચના પાંચ કોર્પોરેટ સીઈઓ સાથે મુલાકાત બાદ આગામી દિવસોમાં ભારતમાં આ કંપનીઓ મોટાપાયે ઈન્વેસ્ટમેન્ટ કરવા તૈયાર હોવાના સંકેત અને દેશમાં કોરોના સંક્રમણની ત્રીજી લહેરની ચિંતા છતાં આર્થિક મોરચે દેશમાં ઉદ્યોગો અને કોર્પોરેટ ઈન્ડિયા ફરી બિઝનેસમાં વેગ પકડી રહ્યાના અહેવાલ અને મોદી સરકાર દ્વારા આર્થિક વિકાસને  વેગ આપવા સતત ઉદારીકરણના પગલાં લેવામાં આવતાં રહેવાના સંકેત સાથે કોર્પોરેટ ઈન્ડિયાની કામગીરી આગામી દિવસોમાં વધુ સુધરવાની અપેક્ષાએ આજે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી. ઈન્ડિયાની સપ્ટેમ્બર ૨૦૨૧ના અંતના બીજા ત્રિમાસિકના પરિણામોની સીઝન શરૂ સાથે કોરોનાની ત્રીજી લહેર નહીં આવવાના નિષ્ણાંતોના અભિપ્રાય અને ભારતમાં ઔદ્યોગિક – આર્થિક પ્રવૃતિ ધમધમતી થવા લાગી હોવા સાથે વૈશ્વિક મોરચે પણ વેપાર – ઉદ્યોગમાં થઈ રહેલા વધારા વચ્ચે ચાઈનામાં પાવર – એનર્જી કટોકટીના પરિણામે ઘણા ઔદ્યોગિક એકમો બંધ કરવાની ફરજ પડી રહી હોઈ સામે વૈશ્વિક નિકાસ માંગમાં વૃદ્ધિના પરિણામે ભારતીય ઉદ્યોગોને ફાયદો થવાના અંદાજો વચ્ચે કંપનીઓની કામગીરીમાં મજબૂત રિકવરીની અપેક્ષાએ ફંડોએ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, પાવર, ઓટો, રિયલ્ટી શેરોની આગેવાનીમાં તેજીનું તોફાન મચાવી અને એનર્જી અને ફાઇનાન્સ શેરોમાં આક્રમક તેજીએ બીએસઇ સેન્સેક્સે ૬૦૩૩૧ પોઈન્ટની અને નિફટી ફ્યુચરે ૧૮૦૦૮ પોઈન્ટની મહત્વની સપાટી કુદાવી હતી.

આંતરરાષ્ટ્રીય મોરચે યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા હાલ તુરત સ્ટીમ્યુલસ ટેપરિંગ નહીં કરવાના સ્પષ્ટ સંકેત આપવામાં આવતાં લિક્વિડિટી જળવાઈ  રહેવાના અંદાજોએ વૈશ્વિક જાયન્ટ ફંડોની ભારતમાં અબજો ડોલરનું રોકાણ કરવાની તૈયારીના નિવેદનની પોઝિટીવ અસર અને રાષ્ટ્રીય પોઝિટીવ પરિબળો પાછળ એશીયાના બજારો સાથે ભારતીય બજારો પર પોઝિટીવ અસર રહી હતી.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૬૫% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૨૬% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર હેલ્થકેર, આઈટી, ટેલિકોમ, યુટીલીટી અને ટેક શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૭૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૫૭૩ અને વધનારની સંખ્યા ૧૭૭૨ રહી હતી, ૧૩૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૧૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૪૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, ગત સપ્તાહે ભારતીય શેરબજારના બેન્ચમાર્ક ફરી નવી ઐતિહાસિક ઉંચાઇ નજીક પહોંચ્યા છે પરંતુ હવે એ વાતની ચિંતા છે કે ક્રૂડ ઓઈલના વધતા ભાવ આ તેજીની અટકાવી શકે છે. બીજી બાજુ કોવિડ-૧૯નો કહેર ઓસરતા ઘણા દેશોએ નિયંત્રણો હળવા કર્યા પછી ઓઇલની વૈશ્વિક માંગમાં વૃદ્ધિ થઇ રહી છે. વિશ્લેષકોએ ચેતવણી આપી હતી કે ક્રૂડની કિંમતોમાં તીવ્ર વૃદ્ધિએ અપેક્ષા કરતાં લાંબા સમય સુધી વૈશ્વિક ફુગાવાની સમસ્યાને વકરાવી શકે છે અને સસ્તી ધિરાણ નીતિનો અંત વહેલો લાવી શકે છે. ક્રૂડ ઓઇલની કિંમતોમાં ઉછાળો આર્થિક વૃદ્ધિદરને ધીમો પાડી શકે છે. ગત ૧૮ મહિનાઓમાં નવી એનર્જી સપ્લાયમાં ઓછું રોકાણ, ઓપેક સહિત દેશોનુ પ્રોડક્શન-કટ તેમજ ઓગસ્ટ માસના અંતે ચક્રવાતને કારણે સપ્લાય મંદ રહી અને પરિણામે સપ્ટેમ્બર માસમાં મેક્સિકોની ખાડીમાંથી ઓઇલ અને ગેસની સપ્લાયમાં વિક્ષેપ પડયો. અહીં એની પણ નોંધ લેવી કે ચીનમાં તેની સૌથી મોટી રિયલ્ટી કંપની એવરગ્રાન્ડેનું મસમોટું ઋણ સંકટ પણ તોળાઇ રહ્યુ છે જે ચીન સહિત સમગ્ર વૈશ્વિક અર્થતંત્રને ફરીવાર મંદી તરફ ધકેલી દેશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ઇંધણની વધતી કિંમતો, ચીનનું સંકટ અને ઇઝી- મની ટેમ્પિંગનું સંયોજન ઇક્વિટી બજારોમાં તેજીને અવરોધી શકે છે. જો કે, શેરબજારની સ્થિતિસ્થાપકતા મજબૂત ચક્રીય આર્થિક રિકવરીની અપેક્ષાઓથી પ્રેરિત રોકાણકારોના મક્કમ સેન્ટિમેન્ટને પ્રતિબિંબિત કરે છે કારણ કે, કોરોના મહામારીની ત્રીજી લહેરનો ખતરો ઓછો થઇ રહ્યો છે અને ભારતમાં રસીકરણ ઝડપી ગતિએ થઇ રહ્યુ છે. આગામી દિવસોમાં સપ્ટેમ્બર ૨૦૨૧ના અંતના કોર્પોરેટ પરિણામોની સીઝન શરૂ થનારી હોઈ આ પરિણામોની સીઝન પૂર્વે બજાર હજુ કરેકશનના મૂડમાં રહી કોન્સોલિડેશન બાદ ફરી તેજીના પંથે સવાર થવાની અને નવા વિક્રમો સર્જવા સજ્જ થશે એવી શકયતા છે, આ  સાથે રૂપિયા સામે અમેરિકી ડોલરના મૂલ્ય તેમજ ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ પર વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારની નજર રહેશે.

Print Friendly, PDF & Email