Home વ્યાપાર જગત નિફ્ટી ફ્યુચર રેન્જ ૧૪૮૦૮ થી ૧૫૦૦૮ પોઇન્ટ મહત્વની સપાટી…!!!

નિફ્ટી ફ્યુચર રેન્જ ૧૪૮૦૮ થી ૧૫૦૦૮ પોઇન્ટ મહત્વની સપાટી…!!!

120
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!!!

ગત સપ્તાહના અંતે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ની પ્રથમ ધિરાણ નીતિ સમીક્ષામાં અપેક્ષા મુજબ વ્યાજ દર યથાવત રાખી અને સાથે જંગી સરકારી બોન્ડ ખરીદીના સંકેત આપતાં ફંડોએ ભારતીય શેરબજારમાં સિમેન્ટ અને સ્ટીલ શેરોની આગેવાનીમાં તોફાની તેજી કરી હતી પરંતુ કોરોના સંક્રમણ દેશભરમાં સતત ફેલાઈ રહ્યું હોઈ મહારાષ્ટ્ર, ગુજરાત સહિતના રાજયોમાં પરિસ્થિતિ અંકુશ બહાર જઈ રહ્યાની ચિંતા વધતાં લોકડાઉનના આકરાં પગલાં લેવાની પડી રહેલી ફરજે અર્થતંત્ર પર માઠી અસર પડવા લાગી હોઈ આગામી દિવસોમાં પરિસ્થિતિ વધુ વિકટ બનવાના અને આર્થિક વૃદ્ધિ – જીડીપી વૃદ્વિને મોટો ફટકો પડવાના અંદાજે ઉછાળે નફારૂપી વેચવાલી પણ જોવા મળી હતી.

કોરોના સંક્રમણના પરિણામે વિવિધ રાજયોમાં ફરી લોકડાઉન લાગુ કરવાની પડી રહેલી ફરજ સાથે સાથે કોરોના વેક્સિનેશન પ્રોગ્રામ પણ ઝડપી આગળ વધી રહ્યો હોઈ આગામી દિવસોમાં આ સંક્રમણને રોકવામાં સફળતા મળવાના સંજોગોમાં બજારો પરનું જોખમ પણ હળવું થઈ શકે છે પરંતુ હાલ પરિસ્થિતિ પડકારરૂપ બની રહી હોઈ અને દેશભરમાં વધી રહેલા કોરોના સંક્રમણના પરિણામે પરિસ્થિતિ ચિંતાજનક બનવા લાગતાં નાઈટ કર્ફયુ સહિતના આકરા પગલાં બાદ હવે એક પછી એક રાજયોમાં નાઈટ કર્ફયુની ફરજ પડવા લાગતાં આ પરિસ્થિતિ અર્થતંત્ર માટે મોટી સમસ્યા બની જવાના એંધાણ વચ્ચે સાવચેતી સાથે ભારતીય શેરબજારમાં ભારે અફડાતફડી જોવા મળી હતી.

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….

સ્થાનિક સ્તરે કોવિડ-૧૯ મહામારી દરમિયાન ભારતનું જીડીપીથી દેવાનું પ્રમાણ ૭૪% પરથી વધી ૯૦% રહ્યું છે જો કે દેશની આર્થિક રિકવરીને ધ્યાનમાં રાખતા આ પ્રમાણ ઘટીને ૮૦% પર આવી જવાની ઈન્ટરનેશનલ મોનિટરી ફન્ડ દ્વારા ધારણાં મૂકવામાં આવી છે. ભારતની બાબતમાં તેના દેવાનું પ્રમાણ વર્ષ ૨૦૧૯ના અંતે જીડીપીના ૭૪% હતું પરંતુ વર્ષ ૨૦૨૦ના અંતે તે વધીને ૯૦% જેટલું થઈ ગયું હતું અને આ એક મોટો વધારો છે પરંતુ માત્ર ભારત જ નહીં પણ અન્ય વિકાસસિલ તથા વિકસિત દેશોમાં પણ આવી સ્થિતિ જોવા મળી છે.

વર્તમાન વર્ષનું બજેટ અર્થતંત્ર અને લોકોને ટેકો આપનારું છે અને ભારતમાં જેમ જેમ અર્થતંત્રમાં રિકવરી થતી જશે તેમ તેના જીડીપીથી દેવાનું પ્રમાણ પણ ઘટતું જવાની આઇએમએફ દ્વારા અપેક્ષા વ્યકત કરવામાં આવી હતી. આર્થિક રિકવરી સાથે રાજકોષિય ખાધમાં પણ ઘટાડો થવાની શકયતા રહેલી છે. વધતી જતી રાજકોષિય ખાધ અને આર્થિક પ્રવૃત્તિમાં ઘટાડાને પરિણામે વર્ષ ૨૦૨૦માં વૈશ્વિક દેવું જીડીપીના ૯૭% પર પહોંચી ગયું હતું એમ પણ આઈએમએફ દ્વારા જણાવાયું હતું.

દેશમાં કોરોનાની બીજી લહેર શરૂ થતા તેને કારણે વિવિધ રાજ્યો દ્વારા આવી પડેલા નિયમનકારી પગલાંને ધ્યાનમાં રાખતા ભારતની નોન-બેન્કિંગ ફાઈનાન્સિઅલ કંપનીઝ સામે એસેટ કવોલિટી તથા લિક્વિડિટીના નવેસરથી જોખમો ઊભા થયા છે. કોરોનાની બીજી લહેરને ફેલાતી અટકાવવા લાગુ કરાયેલા પગલાં લાંબા ચાલશે અથવા તેમાં વધુ ઉમેરો કરાશે તો એનબીએફસીસ સામેના પડકારોમાં વધારો થશે એમ રેટિંગ એજન્સી ફીચ દ્વારા એક રિપોર્ટમાં જણાવાયું છે.

વર્ષ ૨૦૨૦માં સરકારે જાહેર કરેલી ક્રેડિટ ગેરન્ટી સ્કીમ તથા સ્પેશ્યલ લિક્વિડિટી સ્કીમ જેવી યોજના પૂરી થઈ ગઈ છે તેને કારણે પણ એનબીએફસીને ફન્ડિંગમાં અવરોધ આવી શકે છે. નિયમનકારી પગલાંઓને કારણે આર્થિક તથા કામકાજને લગતી ખલેલો જોવા મળી રહી છે. વર્તમાન નાણાં વર્ષ માટે ભારતનો આર્થિક વિકાસ દરનો અંદાજ જે ફીચે ૧૨.૮૦% મૂકયો છે તેમાં કદાચ ઘટાડો કરવાની ફરજ પડી શકે છે. ગયા વર્ષે લાગુ કરાયેલા લોકડાઉનને ઉઠાવી લેવાયા બાદ એનબીએફસી ક્ષેત્રમાં તબક્કાવાર રિકવરી જોવા મળી રહી હતી.

બજારની ભાવી દિશા….

અત્યાર સુધી કોરોના કાળમાંથી બહાર આવીને દેશભરમાં આર્થિક પ્રવૃતિ વેગ પકડવા લાગતાં છેલ્લા છ મહિનામાં સરકારી આંકડા મુજબ જીએસટી એક્ત્રિકરણ સતત છઠ્ઠા મહિને વધીને માર્ચ માસમાં રૂ.૧.૨૪ લાખ કરોડ થતાં અને હવે આગામી દિવસોમાં કોર્પોરેટ ઈન્ડિયાના માર્ચ ૨૦૨૧ના અંતના ત્રિમાસિક અને વાર્ષિક પરિણામોની શરૂ થનારી સીઝન પૂર્વે સારા પરિણામોની અપેક્ષાએ ગત સપ્તાહે ભારતીય શેરબજારમાં ભારે બે તરફી અફડા તફડી જોવા મળી હતી.

કોરોના સંક્રમણથી ફરી વિશ્વભરમાં ફરી લોકડાઉનની વિકટ પરિસ્થિતિ ઊભી થઈ રહી હોઈ અને ભારતમાં મહારાષ્ટ્ર, ગુજરાત, કેરળ, પંજાબ, મધ્ય પ્રદેશ સહિતના રાજયોમાં કોરોનાના વિસ્ફોટે પરિસ્થિતિ કાબૂ બહાર જવા લાગી હોઈ આગામી દિવસોમાં પશ્ચિમ બંગાળ, કેરળ, આસામ સહિતના રાજયોમાં ચૂંટણી સંપન્ન થયા બાદ પરિસ્થિતિ વણસવાના સંજોગોમાં ફરી દેશવ્યાપી લોકડાઉનની બતાવાતી શકયતાએ આર્થિક મોરચે પીછેહઠના ભયે ભારતીય શેરબજારમાં પણ ઉછાળે સતત સાવચેતી જરૂરી બની રહેશે.

આગામી દિવસોમાં ફરી ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની સક્રિયતા વધવાની શકયતા જોવાઈ રહી છે પરંતુ અમેરિકામાં જંગી સ્ટીમ્યુલસની સાથે યુ.એસ. બોન્ડ યીલ્ડમાં નજીકના ભવિષ્યમાં કોઈપણ મોટો વધારો શકય છે કે ભારત સહિતના વિકાસશીલ બજારોમાંથી એફપીઆઈ-ફોરેન ફંડોના રોકાણને પાછું ખેંચાવાના જોખમે સાવચેતી રાખવી જરૂરી રહેશે. સ્થાનિક સ્તરે રાજયોની યોજાઈ રહેલી ચૂંટણીઓ પર ભારતીય શેરબજારની નજર સાથે એક તરફ દેશભરમાં ફરી થયેલા કોરોના વિસ્ફોટને પરિણામે કેન્દ્ર સરકાર અને રાજય સરકારોના અંકુશના કડક પગલાં પર સૌની નજર રહેશે. આ સાથે રૂપિયા સામે અમેરિકી ડોલરના મૂલ્યમાં વધઘટ અને આંતરરાષ્ટ્રીય મોરચે ક્રુડ ઓઈલના ભાવો પર નજર રહેશે.

મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર…કેમ ખરું ને..!!!

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!

Previous articleસપ્તાહના અંતે ભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલી…!!
Next articleભારતીય શેરબજારને કોરોના સંક્રમણ થકી ૧૭૦૭ પોઈન્ટનો કડાકો…!!!
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.