Home વ્યાપાર જગત ભારતીય શેરબજારમાં ઈન્ડેક્સ બેઝડ અફડાતફડીના અંતે ફંડોની ઉછાળે નફારૂપી વેચવાલી…!!

ભારતીય શેરબજારમાં ઈન્ડેક્સ બેઝડ અફડાતફડીના અંતે ફંડોની ઉછાળે નફારૂપી વેચવાલી…!!

SHARE

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૮.૦૭.૨૦૨૧ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૩૦૫૪.૭૬ સામે ૫૩૦૬૫.૬૯ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૨૪૨૮.૮૪ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૬૭૪.૧૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૮૫.૮૨ પોઈન્ટના ઘટાડા સાથે ૫૨૫૬૮.૯૪ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૫૮૮૬.૪૦ સામે ૧૫૮૫૨.૧૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૫૬૯૪.૦૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૯૫.૮૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૫૫.૪૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૫૭૩૧.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

મોદી સરકાર દ્વારા કેબિનેટની નવરચના કરીને નવા યુવા નેતાઓનો પ્રધાન મંડળમાં સમાવેશ કરીને આર્થિક વિકાસને વેગ આપવાની તૈયારી કર્યાની પોઝિટીવ અસરે ફંડોએ શેરોમાં આરંભિક તેજી કર્યા બાદ ઉછાળે મોટાપાયે પ્રોફિટ બુકિંગ કરતાં ભારતીય શેરબજાર નોંધપાત્ર ઘટાડા સાથે બંધ રહ્યું હતું. કોરોના સંક્રમણ કાળને લઈને ગત મહિનાઓમાં વિશ્વભરમાં લોકડાઉનની પરિસ્થિતિના પરિણામે ઔદ્યોગિક પ્રવૃતિ ઠપ્પ થઈ જવાના પરિણામે અનેક ક્ષેત્રોની કામગીરીને અસર પડતાં અને આ સાથે જૂન ૨૦૨૧ માસમાં જીએસટી એક્ત્રિકરણ ઘટીને રૂ.૯૨,૮૪૯ કરોડ થયાના જાહેર થયેલા આંકડાની નેગેટીવ અસરે ફંડોએ સાવચેતીમાં ઉછાળે શેરોમાં પ્રોફિટ બુકિંગ કર્યું હતું.

ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવોમાં મજબૂતી જળવાઈ રહેતા આગામી દિવસોમાં પેટ્રોલ, ડિઝલના ભાવમાં વધુ વધારો થવાના અંદાજો અને તેના પરિણામે મોંઘવારીમાં અસહ્ય વધારો થવાની શકયતાના નેગેટીવ પરિબળે આજે ફંડોએ સાવચેતીમાં શેરોમાં ઓવરબોટ પોઝિશન હળવી કરી હતી. આંતરરાષ્ટ્રીય સ્તરે કોમોડિટીઝના ભાવોમાં તેજીમાં સ્ટીલ સહિતના મેટલના ભાવોમાં ફરી તેજી થતાં ફંડોએ ગઇકાલે મેટલ-માઈનીંગ શેરોમાં ખરીદી કર્યા બાદ આજે ઉછાળે આક્રમક નફારૂપી નોંધાતા ભારતીય શેરબજારમાં ઘટાડો નોંધાયો હતો.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૩૭% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૯% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર યુટિલિટીઝ અને પાવર શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૩૩૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૭૩૭ અને વધનારની સંખ્યા ૧૪૪૯ રહી હતી, ૧૪૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૪૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૧૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, કોરોના સંક્રમણની બીજી લહેરમાંથી બહાર આવી દેશમાં આર્થિક-ઔદ્યોગિક પ્રવૃતિ વેગ પકડી રહી છે, ત્યારે આ સાથે મોંઘવારીનું પરિબળ રોજબરોજ જોખમી બની અત્યારે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવમાં વધારાની સાથે પેટ્રોલ, ડિઝલના સતત વધતાં વિક્રમી ભાવો અને અમેરિકી ડોલર સામે નબળો પડતો જતો ભારતીય રૂપિયો ભારતીય શેરબજારમાં સેન્ટીમેન્ટને આગામી દિવસોમાં ખરાબ કરી શકે છે. પરંતુ આ સાથે આ સમયકાળમાં દેશના આઈટી-સોફટવેર સર્વિસિઝ, ટેકનોલોજી, સર્વિસિઝ ક્ષેત્રની સાથે કેમિકલ્સ, હેલ્થકેર ઉદ્યોગની કામગીરી પ્રોત્સાહક નીવડી રહી છે.

સતત ખરીદી કર્યા બાદ ફંડો, ખેલાડીઓ સ્મોલ, મિડ કેપ શેરોમાં પ્રોફિટ બુકિંગ સાથે ઓવરબોટ પોઝિશન હળવી કરી રહ્યા છે. આ સાથે ફંડોએ પોર્ટફોલિયોમાં ફેરબદલની પણ શરૂઆત કરી દીધી હોવાનું સ્પષ્ટ જોવાઈ રહ્યું છે. જેથી આગામી દિવસોમાં શકય છે ફંડોની એક્ઝિટને પગલે કરેકશન જોવા મળી શકે છે, જેથી સાવચેતી જરૂરી બની રહેશે. ઉપરાંત આંતરરાષ્ટ્રીય મોરચે અમેરિકામાં બોન્ડ યીલ્ડ સાથે વૈશ્વિક બજારો પર નજર સાથે સ્થાનિક સ્તરે મોંઘવારીને કાબૂમાં લેવા માટે લેવાઈ રહેલા વિવિધ પગલાં પર ભારતીય શેરબજારની નજર રહેશે.

Print Friendly, PDF & Email