Home વ્યાપાર જગત ભારતીય શેરબજારમાં ઈન્ડેક્સ બેઝડ અફડાતફડીના અંતે ફંડોની અવિરત વેચવાલી…!!

ભારતીય શેરબજારમાં ઈન્ડેક્સ બેઝડ અફડાતફડીના અંતે ફંડોની અવિરત વેચવાલી…!!

SHARE

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૪.૦૫.૨૦૨૧ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૪૮૭૧૮.૫૨ સામે ૪૮૮૮૧.૬૩ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૪૮૧૪૯.૪૫ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૮૪૭.૦૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૬૫.૦૧ પોઈન્ટના ઘટાડા સાથે ૪૮૨૫૩.૫૧ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૪૬૮૫.૮૦ સામે ૧૪૭૦૮.૨૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૪૫૧૦.૭૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૫૪.૨૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૩૩.૯૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૪૫૫૧.૯૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

દેશમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા સતત વધી રહી છે, આવામાં તેની અસર શેરબજાર પર પણ જોવા મળી રહી છે. ભારત અસાધારણ ઐતિહાસિક કોરોનાની કટોકટીમાં આવી જતાં અને આ કટોકટીમાં દેશનું આરોગ્ય તંત્ર પડી ભાંગ્યું હોવાના અને વિદેશોની મદદ વિના આ સંકટમાંથી ઊગરવું અશક્ય બની ગયું હોઈ અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા યુદ્વના ધોરણે વિદેશોમાંથી મદદ મેળવવા થઈ રહેલા પ્રયાસો છતાં આ કટોકટી ભારતીય અર્થતંત્રને મહાસંકટમાં ધકેલી દેશે એવી પૂરી શકયતા વચ્ચે આજે ફંડોએ સપ્તાહના સતત બીજા દિવસે ભારતીય શેરબજારમાં ઉછાળે વેચવાલી કરી હતી. દેશમાં ઐતિહાસિક સર્જાયેલી કોરોના સંક્રમણને લઈ કટોકટીની પરિસ્થિતિમાં સંપૂર્ણ તંત્ર પડી ભાંગ્યા જેવી સર્જાયેલી સ્થિતિમાં યુદ્વના ધોરણે પગલાં છતાં આ વિકટ પરિસ્થિતિમાં ફંડોએ શેરોમાં ઈન્ડેક્સ બેઝડ તેજીનો વેપાર હળવો કરવાનું પસંદ કર્યું હતું.

આર્થિક મોરચે આગામી દિવસોમાં મોટા પડકારો સર્જાવાની પૂરી શકયતા અને આર્થિક વિકાસમાં મોટી પીછેહઠ જોવાશે એવા સંકેત વચ્ચે ફંડોએ આજે નફારૂપી વેચવાલી કરતાં ભારતીય શેરબજાર નોંધપાત્ર ઘટાડા સાથે બંધ રહ્યું હતું. કોરોના વિસ્ફોટે દેશભરમાં ફરી અનેક વિસ્તારોમાં લોકડાઉન વધારવાની ફરજ પડતાં સેન્સેક્સ, નિફટી બેઝડ આજે કડાકા સાથે આજે ફંડો, ખેલંદાઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોની સ્મોલ, મિડ કેપ શેરોમાં વ્યાપક નફારૂપી વેચવાલી રહેતાં માર્કેટબ્રેડથ નેગેટીવ રહી હતી.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૫૦% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫૭% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર યુટિલિટીઝ, કેપિટલ ગુડ્સ અને ઓઈલ એન્ડ ગેસ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૧૪૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૫૬૫ અને વધનારની સંખ્યા ૧૪૦૨ રહી હતી, ૧૭૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૦૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૦૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, કોરોનાની બીજી લહેરને કારણે ભારતની ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિ એપ્રિલ માસમાં અંદાજીત સ્થિર રહી હતી પરંતુ નવા ઓર્ડરો તથા ઉત્પાદનનો વૃદ્ધિ દર આઠ મહિનાની નીચી સપાટીએ રહ્યો હતો. ઉત્પાદન ક્ષેત્રનો આઈએચએસ માર્કિટ ઈન્ડિયા પરચેઝિંગ મેનેજર્સ’ ઈન્ડેકસ જે માર્ચ માસમાં ૫૫.૪૦ હતો તે એપ્રિલ માસમાં સામાન્ય વધી ૫૫.૫૦ રહ્યો છે. પીએમઆઈની ભાષામાં ૫૦ ઉપરના સ્તરને જે તે ક્ષત્રનું વિસ્તરણ કહેવામાં આવે છે. ગયા વર્ષના ઓગસ્ટ બાદ ઉત્પાદન અને વેચાણમાં વૃદ્ધિનો દર ધીમો રહ્યો છે પરંતુ નિકાસ ઓર્ડરોમાં ઝડપી વધારો જોવા મળ્યો છે.

એપ્રિલ માસમાં નવા ઓર્ડરો મળવાની ગતિ સતત આઠમા મહિને વધી હોવાનું રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. વર્ષ ૨૦૨૦ના ઓકટોબરથી નિકાસ ઓર્ડરોમાં વધારો જોવા મળી રહ્યો છે. રોજગાર મોરચે ઉત્પાદન ક્ષેત્રે રોજગારમાં ઘટાડો સતત ચાલુ છે પણ એપ્રિલમાં ઘટાડાનો દર સામાન્ય રહ્યો છે. આગામી દિવસોમાં કોરોનાના કેસોમાં થઈ રહેલા વધારા માંગ પર વધુ અસર કરશે. કાચા માલના ઊંચા ભાવોને કારણે ભારતની ઉત્પાદન ક્ષેત્રની કંપનીઓની નાણાંકીય સ્થિતિ આમપણ દબાણ હેઠળ આવી ગઈ છે ત્યારે માંગમાં વધુ ઘટાડો તેમની માટે પ્રતિકૂળ સાબિત થશે.

Print Friendly, PDF & Email