Home હર્ષદ કામદાર વિવિધ પ્રતિકૂળ અહેવાલો અને ઉછાળે નફારૂપી વેચવાલીના દબાણ પાછળ ભારતીય શેરબજારમાં પીછેહઠ...

વિવિધ પ્રતિકૂળ અહેવાલો અને ઉછાળે નફારૂપી વેચવાલીના દબાણ પાછળ ભારતીય શેરબજારમાં પીછેહઠ યથાવત્…!!

74
0
SHARE

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૯.૧૧.૨૦૨૧ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૬૦૫૪૫.૬૧ સામે ૬૦૬૦૯.૭૨ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૬૦૨૧૩.૬૪ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૪૫૬.૮૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૧૨.૧૬ પોઈન્ટના ઘટાડા સાથે ૬૦૪૩૩.૪૫ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૮૧૨૨.૭૫ સામે ૧૮૧૩૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૭૯૯૩.૭૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૪૭.૧૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૪૭.૫૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૮૦૭૫.૨૫ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત મજબૂતીએ થયા બાદ સાવચેતીમાં બે – તરફી વધઘટ જોવા મળી હતી. સંવત ૨૦૭૮નો ગત ગુરૂવારે મૂહુર્ત ટ્રેડીંગ સત્રમાં તેજીએ આરંભ થયા બાદ આજે બીજા ટ્રેડીંગ સત્રમાં ભારતીય શેરબજારમાં ફંડો, મહારથીઓ, ખેલંદાઓએ શેરોમાં તેજી શરૂઆત કરી હતી. મેટલ, બેંકિંગ-ફાઈનાન્સ, એફએમસીજી શેરોમાં આંશિક પ્રોફિટ બુકિંગ સામે અન્ય તમામ સેક્ટરલ શેરોમાં તેજી જોવા મળી હતી, જો કે વિવિધ પ્રતિકૂળ અહેવાલો અને ઉછાળે નફારૂપી વેચવાલીના દબાણ પાછળ આજે પણ શેરબજારમાં પીછેહઠ નોંધાઈ હતી. ચાલુ માસમાં પણ એફઆઈઆઈ દ્વારા હાથ ધરાયેલ વેચવાલીની પણ બજાર પર પ્રતિકૂળ અસર જોવા મળી હતી.

મોંઘવારી અસહ્ય બની હોવાના નેગેટીવ પરિબળ વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા ગત સપ્તાહમાં પેટ્રોલ, ડિઝલ પરની એકસાઈઝમાં ઘટાડો કરવામાં આવ્યાની પોઝિટીવ અસર સાથે તહેવારોની સીઝનમાં આ વખતે મોટાભાગના બજારોમાં ધૂમ ખરીદી નીકળ્યાના અને રીટેલ વેચાણ જંગી થયાના આંકડા વચ્ચે આગામી દિવસોમાં કંપનીઓની કામગીરી સુધરવાની અપેક્ષાએ ભારતીય શેરબજારમાં શરૂઆતી તબક્કા તેજી જોવા મળી હતી, જોકે ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાતા ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૮૨% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૬૭% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર મેટલ, ફાઈનાન્સ, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, બેન્કેક્સ અને એફએમસીજી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૭૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૩૦૬ અને વધનારની સંખ્યા ૨૦૦૩ રહી હતી, ૧૭૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૫૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૯૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, અમેરિકન ફેડરલ રિઝર્વની ફેડરલ ઓપન માર્કેટ કમિટિએ બોન્ડ બાઈંગ કાર્યક્રમમાં વર્તમાન મહિનાના અંતિમ ભાગથી કાપ મૂકવાનો નિર્ણય કર્યો છે. પ્રારંભમાં ફેડરલ રિઝર્વ ખરીદી પર ૧૫ અબજ ડોલરનો કાપ મૂકશે એમ કમિટિ દ્વારા બે દિવસની બેઠકને અંતે જારી કરાયેલા નિવેદનમાં જણાવાયું હતું. કોરોનાની આર્થિક અસરને ધ્યાનમાં રાખી ફેડરલ રિઝર્વે ગયા વર્ષે દરે મહિને ૧૨૦ અબજ ડોલરના બોન્ડ ખરીદી કાર્યક્રમ શરૂ કર્યો હતો. નવેમ્બર તથા ડિસેમ્બરમાં ૧૫ અબજ ડોલરના કાપ બાદ ફેડરલ રિઝર્વ આ કાપની અર્થતંત્ર પર કેવી અસર જોવા મળે છે તેનો અંદાજ મેળવશે અને ત્યારબાદ આગળનો નિર્ણય લેશે.

ટ્રેઝરી ખરીદીમાં ૧૦ અબજ ડોલરનો તથા મોર્ગેજના પીઢબળ સાથેની સિક્યુરિટીઝની ખરીદી પર પાંચ અબજ ડોલરનો કાપ મુકાશે. ધિરાણ દર હજુપણ શૂન્યથી ૦.૨૫% વચ્ચે જાળવી રાખવાનો સર્વાનુમતે નિર્ણય લેવાયો હતો. ફુગાવો ઊંચો છે અને કામચલાઉ હોવાનું મનાય રહેલા પરિબળોને કારણે ફુગાવો ઊંચો હોવાનું જણાય છે. કોરોનાને કારણે માંગ અને પૂરવઠા વચ્ચે અસમતુલા તથા અર્થતંત્ર ફરી ખુલ્લુ થતાં કેટલાક ક્ષેત્રોમાં ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે એમ નિવેદનમાં વધુમાં જણાવાયું હતું. આગામી દિવસોમાં વૈશ્વિક બજારો પર નજર સાથે ક્રુડ ઓઈલના ભાવ તેમજ રૂપિયા સામે અમેરિકી ડોલરના મૂલ્યમાં વધઘટ તેમજ ફોરેન તથા સ્થાનિક ફંડોના રોકાણ પ્રવાહ પર ભારતીય શેરબજારની નજર રહેશે.

Print Friendly, PDF & Email