Home મધ્ય ગુજરાત અમદાવાદ PMOના નામે ફોન કરી વડાપ્રધાન અને માજી મુખ્યમંત્રીનું નામ વટાવી ભાજપના કાર્યકર...

PMOના નામે ફોન કરી વડાપ્રધાન અને માજી મુખ્યમંત્રીનું નામ વટાવી ભાજપના કાર્યકર જોડે ઠગાઈનો પ્રયાસ કરનારાની ટીમ ઝડપાઇ

29
0

(જી.એન.એસ) તા. 26

અમદાવાદ,

નકલી અધિકારી બનીને ઠગાઈ કરનારાઓ ની સંખ્યામાં વધારો થતો જોવા મળી રહ્યો છે, ત્યારે PMOના ઉચ્ચ અધિકારી તરીકેની ઓળખ આપી ભાજપના કાર્યકર્તાને મોટા પ્રોજેક્ટમાં રોકાણ કરવાનું જણાવી છેતરપિંડી આચરવાનો પ્રયાસ કરવામાં આવ્યું હતો, જે મામલે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાયા બાદ અલગ અલગ રીતે તપાસ કરીને હરિયાણા રાજ્યના મેવાતી ગેંગના છ સભ્યોની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આરોપીઓએ જયપુર હાઇવેના ફાર્મ હાઉસના પ્રોજેક્ટમાં રોકાણ કરવાનું કહી શરૂઆતમાં 10 થી 12 લાખ રૂપિયા આપવાનું જણાવી 4 કરોડના પ્રોજેક્ટની બાબતે લાલચ આપી હતી. તેમજ વડાપ્રધાન અને રાજસ્થાનના માજી મુખ્યમંત્રીના નામે પૈસા પડાવવાનો પ્રયાસ કર્યો હતો. 

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ભરતસિંહ જાંટવ, ઈર્શાદખાન નિયાઝમોહંમદ મેવ, ઈર્શાદ રુકુમદ્દીન મેવ, સાબીર મેવ, રાકીબ મેવ તેમજ મોહમંદજહાન મેવ નામનાં આ આરોપીઓની ગેંગ ઝડપી છે. મોટાભાગનાં આરોપીઓ હરિયાણાના પલવલ અને રહેવાસી છે. વિગતવાર વાત કરવામાં આવે તો ગત 20 જૂનના રોજ ક્રાઈમ બ્રાન્ચમાં એક ગુનો નોંધાયો હતો. જેમાં અમદાવાદના ભાજપના કાર્યકરને આરોપીઓએ ફોન કરી પીએમઓના ઉચ્ચ અધિકારી તરીકેની પોતાની ઓળખ આપીને જણાવ્યું હતું કે વડાપ્રધાન તેઓની ભાજપના કાર્યકર્તા તરીકેની કામગીરીથી ખુશ છે અને તેઓ ઇચ્છે છે કે તે કાર્યકર રાજસ્થાનના માજી મુખ્યમંત્રીના અધ્યક્ષપણ હેઠળ જયપુર હાઇવે પરના ફાર્મ હાઉસના પ્રોજેક્ટમાં પૈસાનું રોકાણ કરે. આવી વાત કરીને ફરિયાદીની સાથે વ્હોટ્સએપ કોલ તેમજ મેસેજ કરી પ્રોજેક્ટની કિંમત ચાર કરોડથી વધુ છે, તેવું જણાવી અત્યારે 10 થી 12 લાખનું રોકાણ કરો અને બાકીની રકમ આપને આપવામાં આવનાર ભેટ તરીકે ગણી લેવામાં આવશે તેવું જણાવતા હતા. અમદાવાદના ભાજપના કાર્યકર સાથે છેતરપિંડી કરવાની આરોપીઓએ પ્રયત્ન કર્યો હતો તેમજ ફરિયાદીને પ્રોજેક્ટના બનાવટી ફોટા પણ મોકલ્યા હતા. પરંતુ ફરિયાદીને શંકા જતા આ મામલે ફરિયાદ નોંધાવી હતી. 

આ બાબતે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ફરિયાદને લઈને ફોન કોલના આધારે ટેકનિકલ એનાલિસિસ કરતા ફોન હરિયાણા રાજ્યના પલવલ જિલ્લામાંથી કરવામાં આવ્યું હોવાનું ધ્યાને આવ્યું હતું. જેથી ક્રાઈમ બ્રાન્ચની ટીમ હરિયાણામાં તપાસ કરતા ત્યાંથી પલવલના હથીમ જિલ્લામાં રહેતા મહમંદ જહાન નામના વ્યક્તિએ દ્વારા તેના મળતીયાઓ સાથે મળીને આ ફોન કોલ કરવામાં આવ્યો હોવાનું ધ્યાને આવ્યું હતું. જે બાદ વધુ તપાસ કરતા તમામ આરોપીઓને પલવલ ખાતેથી પકડવામાં આવ્યા છે. 

પોલીસ દ્વારા આરોપીઓની વધુ તપાસ કરતાં સામે આવ્યું કે તેઓ પહેલા નટરાજ કંપનીની પેન્સિલ પેકિંગ માટે વર્ક ફોર્મ હોમની જાહેરાત સોશિયલ મીડિયા માધ્યમથી કરતા હતા. જેના આધારે કોઈનો ફોન આવે તો તેઓને વર્ક ફ્રોમ હોમની કામગીરી કરવા માટે મહિને 15 હજાર રૂપિયા આપવાનું કહી રજીસ્ટ્રેશનના નામે 620 રૂપિયા ઓનલાઇન ભરાવડાવતા હતા. આ રીતે આઠથી દસ લોકોના રૂપિયા આવી જાય તો સીમકાર્ડ તોડી ઠગાઈ આચરતા હતા. જોકે તે કામમાં તેઓને સંતોષ ન થતા ઓછા રૂપિયા મળતા હોવાથી મોટા રાજકીય લોકોને ફસાવવાનું નક્કી કર્યુ અને પીએમઓ ઓફિસના અધિકારી તરીકે વાત કરી છેતરપિંડી આચરવાનું શરૂ કર્યું હતું. 

પકડાયેલા આરોપીઓમાં ભરતસિંહ જાંટવ પોતાના નામે સીમકાર્ડ ખરીદતો હતો અને ઈર્શાદખાન નિયાઝ મોહંમદ મેવ મારફતે કાયદાના સંઘર્ષમાં આવતા કિશોરને સીમકાર્ડ વેચાણ આપતો હતો. કાયદાના સંઘર્ષમાં આવતો કિશોર આ સીમકાર્ડ અન્ય ઈર્શાદ મેવ તેમજ સાબીર જાફરને વેચાણ આપતો હતો. ઈર્શાદ તેમજ સાબીર બંને જણા રાકીબ મેવને સીમકાર્ડ વેચતા હતા અને રાકીબ તેના કાકા મોહમંદ જહાનને વેચાણ કરતો હતો. જે બાદ મહંમદજહાન આ સીમકાર્ડનો ફ્રોડ કરવા માટે ઉપયોગ કરતો હતો. આરોપીઓને વધુ પૂછપરછ કરતા સામે આવ્યું કે તેઓ દ્વારા આ રીતે બનાસકાંઠાના એક ભાજપના કાર્યકરને પણ ફોન કરીને રોકાણ કરાવી છેતરપિંડીનો પ્રયાસ કર્યો હતો અને જે મામલે ફરિયાદ પણ નોંધાઈ હતી. પકડાયેલા આરોપીઓ અગાઉ હરિયાણાના પલવલ ખાતે અનેક ગુનાઓમાં સામેલ હોય તેઓની વધુ તપાસ ક્રાઈમ બ્રાન્ચે હાથ ધરી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપંજાબના પઠાણકોટ જિલ્લામાં કેટલાક શંકાસ્પદ લોકો જોવા મળતા સુરક્ષા એજન્સીઓ દ્વારા સર્ચ ઓપરેશન
Next articleગુજરાતમાં છેલ્લા બે દિવસ દરમિયાન ૧૪,૫૫૨ નાગરિકોને સ્થળાંતરીત કરાયા: ૧,૬૧૭ નાગરિકોનું રેસ્ક્યું કરાયું